ભાવિ પેઢીના હિત માટે પર્યાવરણનું રક્ષણ કરો: રામનાથ કોવિંદ

દેશ વિદેશ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવિ પેઢીના હિતો જાળવવા માટે પર્યાવરણના રક્ષણ, જતન અને સંવર્ધનનો અનુરોધ કર્યો હતો. રવિવારે વિદાયમાન વેળાના સંબોધનમાં રામનાથ કોવિંદે ૨૧મી સદીને ‘ભારતની સદી’ બનાવવા માટે દેશ સજ્જ થઈ રહ્યો હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે આર્થિક સુધારા સાથે આરોગ્ય અને શિક્ષણનું મહત્ત્વ વિશેષ છે. તેનાથી નાગરિકો તેમની ક્ષમતાના સાક્ષાત્કાર માટે આરોગ્ય અને શિક્ષણનું મહત્ત્વ સમજવું જોઇએ.
ટેલિવિઝન પર પ્રસારિત રાષ્ટ્રને સંબોધનમાં રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે ‘રોગચાળામાં સાર્વજનિક આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુધારાની જરૂરિયાત વિશેષ મહત્ત્વપૂર્ણ બની છે. સરકારે આ બાબતને પ્રાથમિકતા આપી હોવાનું જાણીને મને આનંદ થયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સધ્ધરતા આવતાં આર્થિક સુધારા દ્વારા નાગરિકો તેમના જીવન માટે શ્રેષ્ઠ માર્ગ શોધી શકશે. ૨૧મી સદીને ‘ભારતની સદી’ બનાવવા માટે ભારત સજ્જ થઈ રહ્યું છે, એવું હું મક્કમપણે માનું છું.
રાષ્ટ્રપતિએ તમામ નાગરિકો અને ચૂંટાયેલા
લોકપ્રતિનિધિઓ માટે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નાના ગામડાંના ખેડૂતો અને શ્રમિકો તથા યુવાનોનું માનસિક ઘડતર કરતા શિક્ષકા, પરંપરાને સમૃદ્ધ બનાવતા કલાકારો અને કારીગરો જોડે સંવાદ કરીને હું પ્રેરિત થઉં છું અને નવી ઊર્જાનો અનુભવ કરું છું. મારા કાર્યકાળમાં કાનપુર પાસેના વતનમાં જઇને શિક્ષકોના ચરણસ્પર્શની ક્ષણો મારે માટે યાદગાર અને ધન્યતાનો અનુભવ કરાવનારી છે. આ વર્ષમાં વડા પ્રધાને મારા વતનના ગામની મુલાકાત લઈને ગામને સન્માનિત કર્યું તેનો મને આનંદ છે. હું યુવા પેઢીને તેમનાં વતનનાં ગામ કે શહેરની સાથે જોડાયેલા રહેવાનો અનુરોધ કરું છું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.