અલ્લાહને પયગંબર હઝરત મૂસાનો પ્રશ્ર્ન: તું મનુષ્યને પેદા કરે છે અને તેને વહેલા-મોડે મોત પણ આપે છે, આમ શા માટે?

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એક વખત પયગંબર હઝરત મૂસા અલૈયહિસલ્લામે (અલ્લાહ આપને સલામતી આપે) જગતકર્તા રબ પાસે વિનંતી કરી, અય બારીતાલાહ! તુ દુનિયામાં ચીજો પેદા કરે, પછી તુ તેનો નાશ શા માટે કરે છે?
તુ મનુષ્યને પેદા કરે છે અને વહેલા મોડે તેને મોત પણ આપે છે; આમ શા માટે…?
સૃષ્ટિના મહાન સર્જક અલ્લાહતઆલાએ હઝરત મૂસા (અ.સ.) કે જેઓ અલ્લાહ સાથે રૂબરૂ વાત કરતા હતા તેમને જવાબ આપ્યો કે તમે મારા આ કાર્યથી ગૂઢજ્ઞાન મેળવવાના મકસદ (હેતુ)થી આ સવાલ કરો છો તથા તમારા દિલની આ અભિલાષા છે કે તમે આ બાબતમાં વધુ જ્ઞાન મેળવી બીજાને પણ સમજ પહોંચાડો માટે અય મૂસા! તમે જમીનમાં થોડાક જવ વાવી દો; તમારા પ્રશ્ર્નનો ઉત્તર તમને તેમાંથી મળી રહેશે…!
પયગંબર હઝરત મુસા (અ.સ.) તેમ કર્યું. થોેડા સમય બાદ પાક બરાબર થયો એટલે પયગંબર મૂસા અલૈયહિસલ્લામે દાતરડું લઈ પાક ઉતારી લીધો. ત્યારબાદ તેને ઝૂડીને અનાજ અને ઘાસને જુદું કર્યું. તરત જ ખુદા તઆલાની વહી (દિવ્યવાણી) આવી, અય મૂસા (અલૈયહિસલ્લામ)! તમે આ વાવેલા બીમાંથી ઊગેલા છોડ જ્યારે પાકી ગયા તે શા માટે કાપી નાખ્યા?
હઝરત મૂસા અલૈયહિસલ્લામે જવાબ આપ્યો કે યા ખુદાતઆલા! મેં એટલા માટે કાપ્યા કે તૈયાર થઈને અનાજ પડવાની તૈયારીમાં હતું. તેથી મેં અનાજ અને ઘાસને જુદાં કર્યાં અનાજ ઘાસની સાથે ભેગું રાખી શકાય નહીં, તેમ જ ઘાસને પણ જો એકજનાં કોઠારમાં રાખવામાં આવે તો બગડી જાય, આથી તે બંનેને ભેગા રાખવા એ ડહાપણ નથી. તેઓ બંને પાકી જાય તો તેમને જુદા કરવા જ બહેતર છે, શ્રેષ્ઠ છે…!
ખુદાતઆલાની વહી આવી કે અય મૂસા (અલયહિસલ્લામ)! આવું પારખવાનું ડહાપણ તમને ક્યાંથી આવ્યું? તો હઝરત મૂસા અલૈયહિસલ્લામે જવાબ આપ્યો, યા રબ્બુલ આલમીન! તેંજ આ બધું સમજવાની શક્તિ આપી છે! તરત જ ખુદાએ ફરમાવ્યું, તમને સમજવાની શક્તિ આપી તો શું મને ખરું-ખોટું પારખવાની શક્તિ નથી?
બોધ: અલ્લાહતઆલાના દરેક કાર્ય પાછળ મસ્લેહત (જ્ઞાન-ભેદ) સંતાયેલા હોય છે. જેઓ તેની ઈચ્છાને માન્ય રાખે છે અને સબ્ર ધારણ કરે છે તે વર્તમાન અને મૃત્યુ પછીના જીવનને અજવાળે છે. જેઓ બેસબરા બની આકુળવ્યાકુળ બની આમ તેમ ભટકતા હોય છે. તે બેશક, ખોટ સહન કરે છે.
અલ્લાહ પર ભરોસો અને સબ્ર રાખનારની હિફાઝત (રક્ષા) અલ્લાહ જરૂર કરતો હોય છે, તેના ભેદને ઉજાગર કરતો એક બીજો પ્રસંગ પણ નસીહત આપનારો બની રહેવા પામશે:
અરબના સહરામાં તંબુ ભેગા રહેવાસીઓમાં એક માણસ પાસે એક ગર્દભ (ગધેડો), એક શ્ર્વાન (કૂતરો) અને એક મરઘો આમ ત્રણ જાનવર હતાં. મરઘો સવાર થતાં બાંગ પુકારે જેથી નમાઝના સમયે લોકો જાગી ઊઠે અને અલ્લાહની ઈબાદત કરે (પ્રાર્થના કરે) શ્ર્વાન તંબુઓની રક્ષા કરે અને ગર્દભ માલ-સામાન-પાણી વગેરે લઈ જવાના ઉપયોગમાં આવે.
એક રાત્રે શિયાળ આવીને મરઘાને ખાઈ ગયો. બધા રહેવાસીઓને આથી બહુ દુ:ખ થયું, પરંતુ મૂળ માલિક ઘણો નેક હતો. બધા જ્યારે મરઘાના જવાનો અફસોસ કરતા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે અલ્લાહની (ઈશ્ર્વરની ) મરજી! આમાં પણ મારા માટે સારું હશે!
થોડા દિવસ પછી ક્યાંકથી રીંછ આવીને ગધેડાને ચીરી ફાડી ખાધું. બધાને એનું પણ ખૂબ દુ:ખ થયું. પણ એ અલ્લાહનો બંદો અલ્લાહની મરજી આગળ સબ્ર રાખતા કહેવા લાગ્યો કે આમાં પણ કશી બહેતરી (સારપણા)ની આશા છે.
કેટલાક દિવસ પછી કૂતરો (શ્ર્વાન) પણ મરણ પામ્યો અને રક્ષાનું સાધન પણ ન રહેતા બધાને આઘાત લાગ્યો, પરંતુ સબ્ર (ધીરજ) પર અટલ એ નેકદિલ શખસના મોઢામાં આજ શબ્દો હતા કે આમાં પણ અલ્લાહ મારું સારું જ ઈચ્છતો હશે.
ખુદાની કુદરત કે એક દિવસે આ નેક માણસ અને તેના કુટુંબીઓ સવારે જાગ્યા ત્યારે શું જુએ છે? આસપાસના બધા તંબુવાળાઓને લુટારાઓ પકડીને લઈ ગયા છે, પણ અલ્લાહ પર ભરોસો રાખનાર તે શખસ અને તેનું કુટુંબ સુરક્ષિત રહ્યું. આનું રહસ્ય જ્યારે શોધવામાં આવ્યું ત્યારે જણાયું કે બીજા તંબુઓમાંથી મરઘા, કૂતરા વગેરે જાનવરોના અવાજ પરથી લુટારાઓ આકર્ષાયા અને તેઓને લૂંટી લીધા. જ્યારે આ નેક ઈન્સાન પાસે કશું જ હતું નહીં તેથી તે બચી ગયો.
બોધ: રબ પર ભરોસો અને સબ્ર રાખનારની રક્ષા અલ્લાહ જરૂર કરે છે અને તેના દરેક કાર્ય પાછળ કોઈને કોઈ ભેદ છુપાયેલો હોય છે. આ સનાતન સત્ય છે જે કદી પણ મિથ્યા થતું નથી.
– કબીર સી. લાલાણી
* * *
નસીહત
હે અમારા પરવરદિગાર! અમારા પર સબ્રનો દરવાજો ખોલી દે અને અમારો અંત ઈસ્લામ પર લાવજે,
સુરે (પ્રકરણ) અસરાફ આયાત (કથન) ૧૨૬.
* * *
સચ્ચાઈ
આખી દુનિયા સ્વાર્થી છે….. એવી જાહેરાત કરવાનું મેં ત્યારથી છોડી દીધું છે કે જ્યારથી મને મારી પોતાની જાત જ સ્વાર્થી હોવાની પ્રતીતિ થઈ ચૂકી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.