નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ મંત્રાલયે ચીન અને પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકારનારા લોકોની પ્રોપર્ટી વેચવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણય હેઠળ મહારાષ્ટ્રની ૨૦૮, ગુજરાતની ૧૫૧ અને દિવ-દમણની ૪ સહિત ૧૨,૬૧૧ પ્રોપર્ટી વેચાશે. ૧૨,૪૮૫ પાકિસ્તાની અને ૧૨૬ ચીની નાગરિકોની કસ્ટોડીયન ઑફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા હસ્તકની મિલકતોની કુલ કિંમત એક લાખ કરોડ રૂપિયાથી વધારે છે.
દેશના ભાગલા પછીના વર્ષોમાં દુશ્મન દેશોના નાગરિકોની મિલકતો વેચીને સરકારને ૩૪૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. એ વેચાયેલી મિલકતોમાં મુખ્યત્વે શૅર અને સોના ચાંદી- ઝવેરાત જેવી જંગમ (ચલાયમાન) મિલકતોનો સમાવેશ છે. ઉક્ત ૧૨,૬૧૧ સ્થાવર મિલકતોમાંથી એકપણ મિલકત સરકારે વેચી નથી. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે દુશ્મન દેશો અને તેમના નાગરિકોની મિલકતોના વેચાણની પ્રક્રિયા માટેની માર્ગદર્શક સૂચનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ ફેરફાર પ્રમાણે શત્રુરાષ્ટ્રોની અને ત્યાંના નાગરિકોની મિલકતોના વેચાણ પૂર્વે એ મિલકતોને ખાલી કરાવવાની કાર્યવાહી કલેક્ટરો કે ડેપ્યુટી કમિશનરોની મદદથી પાર પાડવામાં આવશે.
શત્રુરાષ્ટ્રોની મિલકતોમાં એક કરોડ રૂપિયાથી ઓછી બજારકિંમત ધરાવતી મિલકતો લેવાની ઑફર સૌથી પહેલાં તેમાં રહેતી વ્યક્તિને કરવામાં આવશે. જો તેમાં રહેતી વ્યક્તિ ખરીદવા તૈયાર ન હોય તો માર્ગદર્શક સૂચનાઓમાં દર્શાવાયેલા નિયમો અનુસાર એ મિલકતનો નિકાલ કરવામાં આવશે. ‘દુશ્મન દેશોની’ એક કરોડ રૂપિયાથી સો કરોડ રૂપિયા સુધીનું બજારમૂલ્ય ધરાવતી મિલકતોનું ઇ-ઑક્શન મેટલ સ્ક્રૅપ ટ્રેડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ કૉર્પોરેશન સરકારની પબ્લિક એન્ટરપ્રાઇઝિસના ઇ-ઑક્શન પ્રોસીજરનું પ્લેટફોર્મ છે. શત્રુરાષ્ટ્રો અને ત્યાંના નાગરિકોની મિલકતોના વેચાણ માટે સરકારે વર્ષ ૨૦૨૦માં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની રચના કરી હતી.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે દુશ્મન દેશો અને ત્યાંના નાગરિકોની મિલકતોના સર્વેક્ષણની કામગીરી ૨૦ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ ડિફેન્સ એસ્ટેટ્સ દ્વારા હાથ ધરી છે. સર્વેક્ષણ અનુસાર શત્રુરાષ્ટ્રોની સૌથી વધુ મિલકતો ઉત્તર પ્રદેશમાં ૬૨૫૫ છે. પશ્ર્ચિમ બંગાળમાં ૪૦૮૮, દિલ્હીમાં ૬૫૯, ગોવામાં ૨૯૫, મહારાષ્ટ્રમાં ૨૦૮, તેલંગણમાં ૧૫૮, ગુજરાતમાં ૧૫૧, ત્રિપુરામાં ૧૦૫, બિહારમાં ૯૪, મધ્ય પ્રદેશમાં ૯૪, છત્તીસગઢમાં ૭૮, હરિયાણામાં ૭૧, કેરળમાં ૭૧, ઉત્તરાખંડમાં ૬૯, તમિળનાડુમાં ૬૭, મેઘાલયમાં ૫૭, આસામમાં ૨૯, કર્ણાટકમાં ૨૪, રાજસ્થાનમાં ૨૨, ઝારખંડમાં ૧૦, દિવ-દમણમાં ૪, આંધ્ર પ્રદેશમાં ૧ અને આંદામાન-નિકોબારમાં ૧ એનિમી પ્રોપર્ટી હોવાનું સર્વેક્ષણ તથા અન્ય સરકારી રેકોર્ડને આધારે નોંધાયું છે. (એજન્સી)
મહારાષ્ટ્ર, ગુજરાતમાંની ‘શત્રુઓની પ્રોપર્ટી ’ વેચાશે
RELATED ARTICLES