ફિલ્મો અને ડોક્યુમેન્ટરી વેબ સીરીઝ વગેરેમાં અને ખાસ કરીને બોલીવૂડની ફિલ્મોમાં હિન્દુ સંસ્કૃતિ અને દેવી-દેવતાઓનું અપમાન એ ઘણી સામાન્ય વાત છે. આ અંગે હાલમાં ઘણી ફરિયાદો ઉઠી હતી અને તેના પગલે સોશિયલ મીડિયા પર કેટલીક ફિલ્મોના બહિષ્કારની પણ હાકલ કરવામાં આવી હતી જેને કારણે આવી ફિલ્મનું નિર્માણ અને રજૂઆત અટકાવવા માટે કેટલાક જૂથો મેદાને પડ્યા હતા.
હવે કેટલાક સંગઠનો દ્વારા ફિલ્મ ડોક્યુમેન્ટરી વેબ સિરીઝ અને મનોરંજનના અન્ય માધ્યમોમાં હિન્દુ દેવી-દેવતાઓના થતા અપમાન અને મશ્કરી પર રોક લગાવવા માટે ધર્મ સેન્સર બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં અગ્રણી હિન્દુ સંત અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ફિલ્મ નિર્માતાઓ માટે માર્ગદર્શિકા જારી કરીને તેમને સનાતન ધર્મની “ટીકા, અનાદર અથવા ઉપહાસ” કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
હાલમાં જ આ બોર્ડની ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી આ સેન્સર બોર્ડમાં સંત અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતા હેઠળ 10 સભ્યોનું સેન્સર બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ બોર્ડમાં ધર્મ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેક મહાનુભાવોને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બોર્ડ હિંદુ દેવી-દેવતાઓનો અપમાન અપમાન કરતા અથવા સંસ્કૃતિને ગાળો આપતા વિડીયો અને ઓડિયો નું પ્રસારણ અને ફિલ્મી કરણ અટકાવવા માટે એક માર્ગદર્શક ની ભૂમિકા ભજવશે. હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરાયું હોય એવી ફિલ્મોનું નિર્માણ અટકાવવા માટે પગલા લેવામાં આવશે.
“હાલમાં, સરકાર દ્વારા રચવામાં આવેલા સેન્સર બોર્ડ દ્વારા પસાર કરવામાં આવેલી ફિલ્મોમાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો જોવા મળે છે. અમે વારંવાર સેન્સર બોર્ડમાં ધાર્મિક વ્યક્તિનો સમાવેશ કરવા માટે કહ્યું છે, પરંતુ આ માંગણી સ્વીકારવામાં આવી નથી. આ કારણે અમારે પોતાના બોર્ડની રચના કરવી પડી છે. ધર્મ સેન્સર બોર્ડ “સરકારના સેન્સર બોર્ડના સહાયક તરીકે કામ કરશે” તેવી સ્પષ્ટતા કરતા સંત અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહ્યું હતું કે, “અમે સરકારના સેન્સર બોર્ડ સામે અવાજ નથી ઉઠાવી રહ્યા કે તેનો વિરોધ નથી કરી રહ્યા.”
સસ્તી લોકપ્રિયતા માટે સનાતન સંસ્કૃતિને વિકૃત સ્વરૂપે રજુ કરતી ફિલ્મો સિરીઝ સિરીયલોના નિર્માણ અને રજૂઆતને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. ધર્મ સેન્સર બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે ફિલ્મના શીર્ષકો લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં અથવા કોઈ દેવી દેવતા કે સંતોનો અનાદર ન કરે, એવી આ બોર્ડે માહિતી આપી હતી.