કોપર અને ઝિન્કમાં નફારૂપી વેચવાલીએ પ્રત્યાઘાતી ઘટાડો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા કોપરના ભાવમાં એકતરફી આગેકૂચ જળવાઈ રહ્યા બાદ આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી તેમ જ રજાના માહોલમાં ખાસ કરીને કોપરની ચોક્કસ વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૩થી પાંચનો ઘટાડો આવ્યો હતો અને એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધી આવ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. રવિવારની અને સોમવારની જાહેર રજા હોવાને કારણે આજે સપ્તાહના અંતે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. કોપરમાં તાજેતરમાં જોવા મળેલી એકતરફી તેજી બાદ કોપરની અમુક વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૭૦૪, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૩૩૦ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૭, રૂ. ૬૭૨ અને રૂ. ૬૬૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૧૯૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ, એલ્યુમિનિયમ, ટીન અને નિકલમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.