બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
સવારમાં ન્યૂઝ પેપર આવે અને તેમાં જો શેમ્પૂની શીશી જોડેલી હોય તો સવાર સુધરી જાય. મોલમાં ફરવા ગયા હોઈયે અને ત્યાં કોઈ તમને અમુક પ્રોડક્ટ વાપરી અને તમારો અભિપ્રાય માંગે તો મજા આવી જાય. સુપર માર્કેટમાં જાવ અને કોઈ બ્રાન્ડનું પ્રમોશન ચાલતું હોય અને કહે આ ખાદ્ય પદાર્થ ચાખો અને કહો તમને ભાવ્યો કે નહિ, આપણને આવા અનુભવો ગમે. આને માર્કેટિંગમાં પ્રોડક્ટ સેમ્પલિંગ કહે છે. મુદ્દો તમને ફ્રી માં આપવાનો નથી હોતો પણ તેઓનો હેતુ બ્રાન્ડની અવેરનેસ વધારવી અથવા બ્રાન્ડને કન્સિડરેશન સેટમાં લાવવી અથવા નવા પ્રોડક્ટનો અભ્યાસ તમારા દ્વારા કરવો હોય છે. આ વધુ પડતું FMCG કેટેગરીમાં જેમ કે, સાબુ, શેમ્પૂ, ખાદ્ય પદાર્થો વગેરેમાં જોવા મળે છે.
આજની તારીખે આપણે આને સર્વિસ સેક્ટરમાં પણ અનુભવીએ છીએ. જેમ કે, કોઈ રિસોર્ટ અથવા હોટેલ તમને ૨ રાત્રી ૩ દિવસનું પેકેજ ફ્રીમાં આપે જેથી તમે તેને અનુભવી શકો.OTT પ્લેટફોર્મ તમને એક મહિનો ફ્રી સબસ્ક્રિપ્શન આપે જેથી તમે મનોરંજન તે દરમ્યાન માણી શકો. આ પણ સેમ્પલિંગનો પ્રકાર છે. આમાં તમને અવેરનેસની સાથે આદત લગાડવાનો હેતુ પણ હોય છે. એક મહિનો કે એકાદ આવા નાના વેકેશન આપણને તે અનુભવો પરત મ્હાણવા માટે મજબૂર કરે છે.
ખરીદી કરતી વખતે, મોટાભાગના લોકો પરિચિત બ્રાન્ડના ઉત્પાદનો ખરીદવાનું પસંદ કરે છે. જો બજારમાં સંપૂર્ણપણે નવી બ્રાન્ડ આવે છે તો ખરીદદારને આ નવી બ્રાન્ડ અજમાવવા માટે મનાવવું ખૂબ મુશ્કેલ કામ છે, અને ખાસ કરીને જો તમારા ઉદ્યોગમાં ઘણી સ્પર્ધા હોય. આવા સમયે ખરીદદારોને મનાવવા અને તેમના મનનો ડર દૂર કરવા કે નવી બ્રાન્ડ વાપરવાથી કોઈ હાનિ નહિ પહોંચે, માર્કેટર્સ તેમને તેમના ઉત્પાદનની અનુભૂતિ આપવા માટે પ્રોડક્ટ સેમ્પલિંગ માર્કેટિંગ તકનીકનો ઉપયોગ કરે છે. આ વ્યૂહરચના વર્ષોથી અત્યંત સફળ સાબિત થઈ છે. એક પ્રોડક્ટ સેમ્પલિંગ સ્ટડીના રિપોર્ટ અનુસાર, પ્રોડક્ટ અજમાવનાર ૩૫% લોકોએ તે જ દિવસે પ્રોડક્ટ ખરીદી હતી. આનું કારણ, સેમ્પલિંગ દ્વારા માર્કેટિંગ ગ્રાહકોને ઉત્પાદનની ગુણવત્તાનો અનુભવ કરવાની તક આપે છે. આ કારણોસર, ઉપભોક્તાઓને ઉત્પાદન વિશે જાણવા માટે તમારી સેલ્સ સ્ટોરી અથવા માર્કેટિંગ પર આધાર રાખવાની જરૂર નથી. તેઓ તેને સ્વતંત્ર રીતે જાણી શકે છે, જે વધુ શક્તિશાળી અને તેમના મન પર કાયમી છાપ પ્રદાન કરે છે.
આજસુધી આપણે પ્રત્યક્ષ સેમ્પલિંગ અનુભવ્યું છે પણ આજના ડિજિટલ અને ઈ-કોમના સમયમાં ડિજિટલ સેમ્પલિંગ પણ થાય છે અને તેનો ખર્ચ સામાન્યત: ઓછો આવે છે. આનું કારણ અને ફાયદો તે કે તમે જાણો છો કે કોણ તમારો સંભવિત ગ્રાહક છે અને આથી તમે તેને સેમ્પલ મોકલશો. આનાથી તમને તેનો પ્રતિભાવ પણ તરત અને સૂચક મળી જાય છે. આમ આ પદ્ધતિ આજે લોકો અપનાવી રહ્યા છે.
હવે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વ્યૂહરચના અપનાવતી વખતે શેની કાળજી લેવી.
સૌ પ્રથમ તમારા ધ્યેયો સ્પષ્ટપણે જાણો. તમે આ પ્રવૃત્તિ થકી શું મેળવવા માંગો છો તેની સ્પષ્ટતા કેળવો. તમે જે ગ્રાહકોને લક્ષ્ય કરવા માંગો છો તેમને જાણો અને ખાતરી કરો કે તે તમારા માટે આદર્શ ગ્રાહક છે અને તેમના થકી તમને જોઈતી માહિતી મળી જશે. આ ઉપરાંત તમારા હરીફોના ગ્રાહકોનો અભ્યાસ પણ કરો જેથી તમને તમારા ગ્રાહકની વધુ સ્પષ્ટતા મળશે.
તમારી સેમ્પલિંગ પ્રવૃત્તિને યોગ્ય સમય આપો. ઉત્પાદનોને લોન્ચ કરતા પહેલા થોડા અઠવાડિયા અથવા તો થોડા મહિનાઓ સુધી પ્રચાર કરવાનું શરૂ કરો. આના થકી તમને તે પ્રોડક્ટની સમીક્ષા કરવામાં મદદ કરશે અને ગ્રાહકોને તમારા ઉત્પાદનથી પોતાને પરિચિત કરવાની તક આપશે. આ ઉપરાંત, તમારી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે યોગ્ય સમય પસંદ કરો.
ગ્રાહકોને તેમના સેમ્પલ્સ પ્રાપ્ત થયા પછી તેમના અપડેટ્સને અનુસરો. તમે તેમને ઈમેઈલ મોકલી શકો છો જેમાં તમને જોઈતી માહિતીની પ્રશ્ર્નાવલી હોય. આ આખી પ્રવૃત્તિનું અગત્યનું પાસું છે કારણ આ તમને તમારા પ્રોડક્ટનો ચિતાર આપશે. ત્યારબાદ જે જવાબો મળ્યા છે તેની સમીક્ષા કરો, થઇ શકે તેટલા જવાબો આપી ગ્રાહકને નિ:શંક બનાવો અને જરૂર પડ્યે સુધારા વધારા સાથે આજ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. પ્રોડક્ટ સેમ્પલિંગ માત્ર પ્રથમ છાપ વિશે જ નથી. તે કાયમી છાપ બનાવવા વિશે છે. લાંબા ગાળાની અસર છોડવા માટેનું માધ્યમ છે.
ગ્રાહકો જ્યારે ઉત્પાદન ખરીદતા પહેલા તેનું પરીક્ષણ કરી શકે ત્યારે તે અંગે વિશ્ર્વાસપૂર્વક નિર્ણય લઈ શકે છે. નવા અથવા હાલના ઉત્પાદન વિશે જાગૃતિ વધારવા માટે પ્રોડક્ટ સેમ્પલિંગ અત્યંત અસરકારક છે.
જો યોગ્ય રીતે પ્રવૃત્તિને દોરવામાં આવે તો પ્રોડક્ટ સેમ્પલિંગ માર્કેટિંગ વ્યૂહરચના સૌથી અસરકારક વેચાણ તકનીક બની શકે છે. આના માટે જયારે પ્રવૃત્તિ ચલાવીએ ત્યારે તેને એવી જગ્યાએ ચલાવો જ્યાંથી ઉપભોક્તા તરત જ ઉત્પાદન ખરીદી શકે. આનાથી ગ્રાહકને જાણ થાય છે કે તેઓ ભવિષ્યમાં ઉત્પાદન ક્યાંથી ખરીદી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ મોલમાં કે સુપર માર્કેટમાં વગેરે. બીજું, આ સમયે તમે તમારી પ્રોડક્ટ ખરીદવાની આદત બની જવાની શક્યતા પણ સેટ કરી રહ્યાં છો.
આ પ્રવૃત્તિના બીજા ફાયદાઓ જોઈએ તો; તે પોઈન્ટ ઓફ પરચેઝ પર વેચાણ ચલાવે છે. આ વિચારવા લાયક વાત છે કે જયારે તે સેમ્પલિંગને મ્હાણી રહ્યો છે અને સ્ટોરમાં ફરી રહ્યો છે ત્યારે તેના મગજમાં તમારું ઉત્પાદન તાજું છે, જ્યાં સુધી તેઓ તેનો આનંદ માણતા હોય, અને જો તે તેવા સમયે પ્રોડક્ટ ડિસ્પ્લે થયું છે ત્યાં પહોંચશે ત્યારે પ્રથમ તમારા ઉત્પાદન વિશે વિચારવા માટે પ્રેરિત થશે.
તે અજમાયશને પ્રોત્સાહન આપે છે. એકવાર બ્રાન્ડ વિશે જાણ્યા પછી, ગ્રાહકો તેને ટ્રાયલ કરવાનું વિચારે તેવી શક્યતા વધુ હોય છે, જ્યારે અજમાયશની કિંમત શૂન્ય હોય ત્યારે નિર્ણય વધુ સરળ બને છે.
તે ગ્રાહકને જાળવી રાખવામાં મદદ કરે છે. માર્કેટર્સ તરીકે, આપણે બધાએ સમજવું જોઈએ કે એક્વિઝિશન અર્થાત્ સંપાદન એ બધી જ વ્યૂહરચનાનો અંત નથી, ઘણીવાર એક જાળવી રાખેલો ગ્રાહક સાત નવા ગ્રાહકો બનાવવાની કિંમત ધરાવે છે. પછી, ધ્યાનમાં લો કે તમારી પાસે હાલના ગ્રાહકને વેચવાની ૬૦-૭૦% સંભાવના છે જયારે નવા ગ્રાહકને વેચવાની સંભાવના ૫-૨૦% જેટલી આથી તમારે દરેક કિંમતે ગ્રાહકોને જાળવી રાખવાનું વિચારવું જોઈએ.
ઉપર જાણ્યા પ્રમાણે તે મૂલ્યવાન પ્રતિભાવ આપે છે. આજે ડેટા માર્કેટિંગનું ચલણ બની રહ્યું છે તે આપણે જાણીયે છીએ. આ પ્રતિભાવ થકી ડેટા એકત્રિત કરવાની અને તેનો લાભ ઉઠાવવાની તકોને ઓળખવી મહત્ત્વપૂર્ણ છે. આપણે જાણીયે છીએ કે મોટેભાગે ગ્રાહકો કે જેઓ બ્રાન્ડ સ્વિચ અર્થાત બદલે છે, તેઓ નબળી સેવાને કારણે આમ કરે છે. પ્રતિભાવ એકત્રિત કરવાથી બ્રાન્ડ આ સમસ્યાઓથી વાકેફ થાય છે અને આ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તેને ઝડપથી ઉકેલવામાં સક્ષમ બનાવે છે.
આમ સેમ્પલિંગને એક યુક્તિ નહિ પણ વ્યૂહરચના સમજી બ્રાન્ડ અવેરનેસ અને એન્ગેજમેન્ટનો હેતુ સિદ્ધ થઇ શકે છે
જેના દ્વારા ગ્રાહક તમારી બ્રાન્ડ પ્રતિ
વફાદાર બની લાંબાગાળાનો ગ્રાહક બની જાય છે.