પ્રાસંગિક – અનંત મામતોરા
રીલ લાઈફની હીરોઈન જ્યારે રિયલ લાઈફમાં ગામડે ગામડે જઈને મહિલાઓ, છોકરીઓ અને બાળકોની હાલત વિશે જાણવા લાગી ત્યારે લોકો તેને હીરોથી ઓછી ન માનતા. તાજેતરમાં ભારત આવેલી પ્રિયંકા ચોપરા પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવતી, આંગણવાડી કેન્દ્રોમાં અને બચાવ કેન્દ્રોમાં મહિલાઓના સ્વાસ્થ્યની વાત સાંભળીને ભાવુક થઈ ગઈ, સૌએ તેમના સદભાવના સંદેશના વખાણ કરવાનું શરૂ કર્યું. તેણે લખનઊ અને તેની આસપાસ ઘણી નકારાત્મક બાબતો જોઈ અને ઘણી સકારાત્મક પણ. તેમ છતાં, તેણે જે જોયું, તેની સિદ્ધિ પ્રગતિથી ભરેલી લાગી. તાજેતરમાં આફ્રિકાની મુલાકાતે ગયેલી પ્રિયંકાએ પોતે સ્વીકાર્યું કે જો અન્ય દેશો પણ ભારતની જેમ ડિજિટલાઇઝેશનમાં પ્રગતિ કરી શક્યા હોત તો તેમની ઘણી સમસ્યાઓનો અંત આવ્યો હોત.
લિંગભેદનો અંત લાવવાની જરૂર છે
હું લગભગ ૩૦ વર્ષ પછી લખનઊ આવી છું. અહીં હું ઘણી માતાઓ અને છોકરીઓને મળી. તેમના માધ્યમથી ઘણી સકારાત્મક અને નકારાત્મક વાતો સાંભળવાનો મોકો મળ્યો. હું બધી વસ્તુમાંથી એક જ વસ્તુ મારી સાથ લઈ જઈ રહી છું કે જ્યારે આપણે એક સમાજ તરીકે સાથે મળીને કામ કરીએ ત્યારે જ ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે. આપણે તેને આગળ વધારવાનું છે. આ વાત ગામડાથી લઈને શહેર સુધીની દરેક વ્યક્તિના મનમાં ઠસાવવાની છે કે જો મહિલાઓ આગળ વધશે, સ્વસ્થ રહેશે, જાગૃત રહેશે, શિક્ષિત થશે તો ચોક્કસપણે ભારત પણ ઝડપથી પ્રગતિ કરશે. આજના સમયમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈપણ પ્રકારના ભેદભાવની જરૂર નથી. પુરુષો જે કરી શકે છે તે સ્ત્રીઓ પણ કરી શકે છે. તમારે તમારી વિચારસરણી બદલવી પડશે અને બીજાને પણ બદલવા પડશે. આપણા બધાના સામૂહિક પ્રયાસથી જ આ શક્ય છે.
ભારતની ડિજિટલ પ્રગતિ ખૂબ જ ઝડપી રહી છે
મને લાગે છે કે પુરુષો માટે ઘરની મહિલાઓ અને છોકરીઓ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું ખૂબ જ જરૂરી છે. મેં ભારતમાં જે ગતિએ પ્રગતિ જોઈ છે, ખાસ કરીને ડિજિટલાઈઝેશનમાં, તે પ્રશંસનીય છે. હવે દરેક પાસે સેલ ફોન છે અને એ સેલ ફોનથી શિક્ષણ પણ શક્ય છે. તમે નાનાં ગામડાઓમાં પણ આ જોઈ શકો છો. હું તેને જાતે જોઈ રહી છું. મેં આજ સુધી આટલી પ્રગતિ બીજા કોઈ દેશમાં જોઈ નથી.
…નહી તો ગરીબીનું ચક્ર એવું જ રહેશે
હું એવી છોકરીઓને પણ મળી કે જેમને શાળાએ મોકલવામાં આવતી નથી. એક છોકરીને ૬ વર્ષની ઉંમરે સ્કૂલમાંથી ઉઠાડી મૂકવામાં આવી હતી કારણ કે તેનો ભાઈ સ્કૂલ જવાની ઉંમરનો થઇ ગયો હતો. મને લાગે છે કે લોકોની આ માનસિકતા જાગૃતિથી જ બદલાશે. જો છોકરી શાળાએ જાય છે, તો તે ભવિષ્યમાં તમને આર્થિક મદદ કરશે. નહિતર, ગરીબીનું ચક્ર જેવું હતું તેવું જ રહેશે. લોકો આ બાબતો કેમ નથી સમજતા? આજ સુધી આપણે આ જ જોતા આવ્યા છીએ, પરંતુ હવે બધું સામે છે. તે ચક્રને તોડવા માટે આપણે પોતે જ આપણાં બાળકોને શાળાએ મોકલવા પડશે, જેથી ભારત જે આજે વિકાસશીલ દેશ છે તે ભવિષ્યમાં વિકસિત દેશ બની શકે. આપણી પ્રગતિ આપણાં બાળકો દ્વારા જ શક્ય છે. અને આ પ્રગતિ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા જ થશે. પુરુષોએ આને સૌથી વધુ સમજવાની જરૂર છે, જેથી તેઓ જાણી શકે કે છોકરીઓનું સન્માન કેવી રીતે કરવું. તેની શરૂઆત ઘરેથી જ કરી શકાય છે.
પારકી થાપણવાળી માનસિકતા બદલવી પડશે
હું ઔરંગાબાદની એક સાધારણ શાળામાં ગઈ. ત્યાંના વિદ્યાર્થીઓ ઓર્ગેનિક ખેતી શીખતા હતા. એક છોકરાએ કહ્યું કે મેં મારી માતાને ઓર્ગેનિક ખેતી શીખવી હતી અને હવે અમે ઘરે રીંગણ, ભીંડા જેવાં ઘણાં શાકભાજી ઉગાડીએ છીએ. અમે દુકાનોમાં પણ જતા નથી અને અમારી પોતાની જૈવિક ખેતીમાંથી શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. આ બધું અમે શાળામાં શીખ્યા. આ પરથી તમે સમજો છો કે શાળા કેટલી મહત્ત્વની છે. આપણે આપણાં બાળકોને જેટલાં વધુ શાળાએ મોકલીશું, જેટલું ભણાવીશું, તેટલો જ વધુ આપણે તેમની સાથે પરિવાર અને દેશનો વિકાસ કરીશું. આ માનસિકતા કે છોકરીને શા માટે ભણાવવી? એ તો પારકી થાપણ છે, આ માનસિકતા આપણે શિક્ષણ દ્વારા જ બદલી શકીએ છીએ. વય એ શાળાના અભ્યાસ માટેનું પરિમાણ નથી. શાળાનો અભ્યાસ ૪ વર્ષમાં શરૂ થાય કે ૧૪ વર્ષમાં, અભ્યાસ કરવો જરૂરી છે કારણ કે તેનાથી પ્રગતિ થઈ શકે છે.
…તો મારાં માતા-પિતા મને ક્યારેય ટ્યૂશન માટે પણ ન મોકલત
હું વન સ્ટોપ સેન્ટર પર ગઈ જ્યાં ઘરેલુ હિંસા, ઈવ ટીઝિંગ સહિતની ઘણી બધી બાબતોથી પીડિત મહિલાઓ છે. ત્યાં તેમને કાનૂની, તબીબી, માનસિક અને આરોગ્ય સલાહ મળે છે. તેમને તેમના અધિકારો વિશે જણાવવામાં આવે છે. હું એક છોકરીને મળી જે ૯ વર્ષની ઉંમરે માનવ તસ્કરીનો શિકાર બની હતી. માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેને બચાવી લેવામાં આવી. તેનો ઉપયોગ કેવી કેવી રીતે થયો તે પણ હું બોલી શકતી નથી. રેસ્ક્યુ સેન્ટરે જાતે જઈને તેને બચાવી. આમાં માત્ર મહિલાઓ જ જઈને બચાવ કરે છે. બચી ગયેલી આ મહિલાઓએ સેન્ટરને એટલું મજબૂત બનાવ્યું છે કે તેઓ રાત્રે ૨ વાગ્યે છોકરીઓને સુરક્ષિત કરે છે. તેઓ એટલા પ્રેરણાદાયક છે કે હું તેમને સાંભળીને રડવા લાગી. હું ક્યારેય આટલી મજબૂત નહોતી કારણ કે મેં આવી પરિસ્થિતિઓ ક્યારેય જોઈ નથી કે સાંભળી નથી. એવી ઘણી છોકરીઓ છે જ આવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. તેની બહાદુરી જોઈને મને નવાઈ લાગી. હું પણ યુપીમાં મોટી થઇ છું. હું લખનઊની શાળામાં ભણી છું. એ યુપી અને આજના યુપીમાં ઘણો તફાવત છે. જો મારા પરિવારના સભ્યોને આ બધી બાબતોની જાણ હોત તો કદાચ પપ્પાએ મને ક્યારેય ટ્યૂશન માટે એકલી ન મોકલી હોત.
ઉત્તર પ્રદેશની પ્રગતિ જોઈને ખૂબ આનંદ થયો
ભારત સરકારની ન્યુટ્રિશન ટ્રેકર પહેલનો કેટલો સારી રીતે ઉપયોગ થાય છે તે મેં આંગણવાડી કેન્દ્રોમાં જોયું. હું હમણાં જ આફ્રિકાથી આવી છું. જો ત્યાં આવી જ ન્યુટ્રિશન ટ્રેકર એપ હોત, તો તે ત્યાંનાં બાળકો માટે ઘણી મદદ કરી શકત. જેના કારણે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી મહિલાઓને પણ ઘણી સુવિધા મળી હતી. પહેલા સબ રજિસ્ટરમાં વસ્તુઓ જાતે જ નોંધવી પડતી હતી, પરંતુ હવે બધું ડિજિટલ થઈ ગયું છે. એક મંત્રા ટ્રેકર એપ જોઈ, જે સગર્ભા માતાઓ અને તેમનાં બાળકો માટે રચાયેલ છે. તેના દ્વારા ડૉકટરો કુપોષિત માતાઓ અને બાળકો પર નજર રાખે છે. આમ પણ, યુપીમાં આટલી વસ્તી છે, આવી સ્થિતિમાં, ડિજિટલાઇઝેશનથી દરેકનું કામ સરળ થઈ ગયું છે. અહીં વસ્તુઓને મેન્યુઅલી હેન્ડલ કરવી અશક્ય છે. મેં અહીં નવજાત સંભાળ એકમો જોયા, જે અત્યાર સુધી માત્ર ખાનગી હોસ્પિટલોમાં હતા. આ બધી પ્રગતિ જોઈને હું ખૂબ જ ખુશ છું.
સખી જેવી યોજના મેં કોઈ દેશમાં જોઈ નથી
યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા કહે છે કે મને અહીં બૅંકિંગ કોરોસ્પોન્ડન્સ એટીએમ ખૂબ જ યોગ્ય લાગે છે. ખરેખર આ સ્ત્રીઓ છે, જેને સખી કહેવામાં આવે છે. તેમની પાસે એટીએમ મશીન છે. આજના સમયમાં દરેક વ્યક્તિ માટે બૅંક ખાતું હોવું જરૂરી છે, પરંતુ ATM દરેક જગ્યાએ નથી. આ સખીઓ મશીન સાથે લઈને ચાલે છે. તેમને દરેક ટ્રાન્ઝેક્શન માટે પૈસા પણ મળે છે. તેઓ તેમનાં ઘરોમાં આ રીતે આર્થિક ફાળો આપે છે. આ એ મહિલાઓ છે, જેમણે ક્યારેય કશું કમાયું નહોતું, ઘરમાં આર્થિક યોગદાન આપી શક્યા નહોતા, પણ આજે તેઓ માથું ઊંચું રાખીને ચાલી રહી છે. તેઓ તેમનાં ઘરોમાં ફાળો આપે છે. આ જે વસ્તુ મેં ભારતમાં જોઈ છે તે અન્ય કોઈ દેશમાં જોઈ નથી.
આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ ખૂબ જ મહેનતુ છે
આંગણવાડી કેન્દ્રની મહિલાઓને જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. તેઓ ખરેખર સખત મહેનત કરે છે. તેઓ ઘરે-ઘરે જાય છે. મહિલાઓ અને બાળકો સાથે, તે ચાર્ટ દ્વારા સમગ્ર પરિવારને પોષણ સમજાવે છે. મોંઘી દાળ અને ખોરાકનો વિકલ્પ સમજાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે એક મહિલાએ કઠોળ મોંઘા થવા વિશે જણાવ્યું, ત્યારે તેણે ચોળી ખાવાનો વિકલ્પ આપ્યો. તેઓ તેમને વિવિધ વસ્તુઓ વિશે જણાવે છે જે તેઓને પરવડી શકે છે. આ સાથે તેમને મોંઘી દાળની સમકક્ષ પોષણ મળતું રહેશે.