જ્યારે મારી થોડી ઘણી ફિલ્મો ચાલી ત્યારે પપ્પાએ મને કહેલું ‘મારી તો નાની ‘હાટ’ હતી, તેં એમાંથી મોટી ‘હાટડી’ બનાવી છે!’

પુરુષ

પ્રિય પપ્પા…-સંજય છેલ
મારા પપ્પા છેલશંકર આણંદજી વાયડા. દ્વારકાના ગૂગળી બ્રાહ્મણ. ભૂજ મંદિરના પૂજારી. જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના વિદ્યાર્થી અને ખૂબ જ પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર. તેઓ બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા. મારા પપ્પાનો સ્વભાવ યુનિક હતો. એમનો ગુસ્સો, બોલવાની સ્ટાઈલ, વેધક સિનિકલ રમૂજ, તેવર અને ખુદ્દારી આ બધાનું એમનામાં એક અજીબ કોમ્બિનેશન હતું.
પપ્પાએ ૧૯૬૨થી લઈને અત્યાર સુધી ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાઓમાં પાંચસો ઉપરાંત નાટકોના સેટ્સ ડિઝાઈન કર્યા હતા. ફિલ્મો, ટીવી સિરિયલો અલગ. એમાં પણ ચારસો પચાસથી વધારે ગુજરાતી નાટકો કર્યાં છે. (આટલાં બધાં ગુજરાતી નાટકો કોઈએ કર્યાં તો ઠીક, જોયાં પણ નહીં હોય.) લગભગ પચાસ વર્ષ સતત નાટકો કરવાં અને જોવાં એ પણ પોતાનામાં એક રેકોર્ડ છે.
સ્વજનોની વાતો કરુણ કે ભાવભીની જ હોવી જોઈએ એવી એક ફેશન છે. મા-બાપ એટલે ઈશ્ર્વર સમાન અને ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં’વાળા ગીતને યાદ રાખવું જોઈએ. એ બધું બરાબર છે, પણ એમના વિશે પબ્લિકમાં રૂમાલ ભીનો કરી નાખતા પ્રસંગો જ શા માટે કહેવા જોઇએ એ મને સમજાતું નથી? એટલે જ હું અત્યારે મારા પપ્પા વિશેની માત્ર પ્રસન્ન વાતોને જ વધારે યાદ કરવા માગું છું.
પપ્પા હયાત હતા ત્યારે ફાધર્સ ડે ક્યારેય ઊજવ્યો નહોતો. કદાચ મને તે પરાયો લાગતો, ક્યારેય તે આપણો ઉત્સવ નહોતો લાગતો. માર્કેટિંગની ગિમિક ભાસતો, પણ હવે પપ્પા હયાત નથી, ત્યારે આ શબ્દ અચાનક મને પોતીકો લાગવા લાગ્યો છે! પપ્પાને ગયાને ઘણો સમય થઈ ગયો, પણ હજીયે એ વાત ગળે ઊતરતી નથી કે એ નથી. કડવી દવા ગળામાં અટકી જાય અને મોંનો સ્વાદ કડવો કરી નાખે એવું જ. અમે પપ્પાનાં કપડાં, ડેસ્ક, સ્કેચનાં કાગળિયાં, ચશ્માં, ફોન, દવાઓ, ચંપલો એમ ને એમ જ રાખ્યાં છે. મારાં મમ્મી પૂછે કે આ બધાનું હવે શું કરવું છે? ત્યારે મારી પાસે તેનો કોઇ જવાબ નથી હોતો અને હું એ બધાથી આંખો ચોરી લઉં છું. પપ્પાનાં કપડાં અમુક રસિક મિત્રોને આપવાનાં છે. ખાસ તો એમના કલરફુલ ટ્રેડમાર્કવાળા ઝભ્ભા! હું સ્કૂલમાંથી કોલેજમાં આવ્યો ત્યારે એમનાં શર્ટ કે ચંપલ-શૂઝ પહેરીને ચાલ્યો જતો, ત્યારે પપ્પા મારા પર બહુ ગુસ્સે થતા. મારા પગ પહોળા એટલે જૂતાં પહોળાં થઈ જાય, જે એમને નહોતું ગમતું, પરંતુ હવે જ્યારે એ રોકવાવાળા રહ્યા નથી, ત્યારે એમનાં જૂતાંમાં પગ નાખવાનું મન થતું નથી. આમ પણ પપ્પાનાં જૂતાંમાં કે પેગડામાં પગ નાખવાનું મારું ગજું નથી. પપ્પાએ સાતસો-આઠસો નાટકોના સેટ્સ ડિઝાઈન કર્યા, સતત પચાસ વર્ષ ‘કલા: છેલ-પરેશ’ નામ નાટકોમાં ગુંજતું રહ્યું.
હવે દર રવિવારે મમ્મીને ત્યાં જમવા જાઉં છું ત્યારે પપ્પાની ખાલી ખુરશી જોઉં છું, ત્યારે મને એમ થાય છે કે હમણાં તેઓ ક્યાંકથી આવશે અને મને પૂછશે: શું ચાલે છે? પપ્પાની સ્પીચના કે જાહેર પ્રોગ્રામોના જૂના વીડિયો જોયા કરું છું. ખરેખર તો એ જ્યારે હતા ત્યારે આટલી નિકટતા નહોતી. એ હયાત નથી ત્યારે મારી અંદર, મારી સ્મૃતિઓમાં તેઓની યાદ આવે છે. હજીયે લોકો મળે છે ત્યારે પૂછે છે ‘તમે સંજય છેલ એટલે પેલા નાટકોમાં સેટ્સ બનાવો છો એ જને?’ પહેલાં તો હું આવા સવાલોથી ચિડાઈ જતો અને કહી બેસતો ‘ના, હું ફિલ્મો-ટીવી વગેરેમાં લેખક છું. ફિલ્મો ડિરેક્ટ કરી છે. એ છેલ એટલે છેલ-પરેશવાળા મારા પપ્પા, હું નહીં!’ પણ હવે હું ચૂપચાપ ‘હા’ પાડી દઉં છું. કદાચ મારી એ ‘હા’માં પપ્પાનો ભારી-ઓથોરિટીવાળો અવાજ ગુંજે છે.
આજે હું મારી જાતને નિરખું છું ત્યારે મારા ચહેરામાં, મારા બોલવામાં, કમર પર હાથ મૂકીને ઊભા રહેવાની અદામાં એમનો આભાસ ઝલકે છે. એમના મિત્રો કહે છે કે હવે હું એમની જેમ જ દાંડીકૂચ સ્ટાઈલમાં ચાલુ છું. એમની જેમ જ વાતે વાતે ભડકી જાઉં છું. મને ખબર નથી કે એવું છે કે નહીં, પણ જો પહેલાં ખબર હોત તો એમની બીજી ઘણી બધી સારી વાત મેં આત્મસાત્ કરી હોત.
પપ્પા સાથે છેલ્લાં ઘણાં વર્ષ બહુ બહાર જવાનું, વાતો કરવાનું બનતું. આજે પપ્પા નથી ત્યારે એમનું નિખાલસ હસવું, તીખા કટાક્ષ અને સતત કામ કરવું બહુ યાદ આવે છે. નાનપણમાં મને યાદ છે કે અમારે ત્યાં બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી.વી. હતું, જે વારંવાર બગડી જતું. એક વાર ટી.વી.નો સાઉન્ડ જતો રહ્યો તો પપ્પાએ આઈડિયા વિચાર્યો. ટી.વી.ની સાથે રેડિયો ચાલુ કર્યો એટલે દૃશ્ય ટી.વી.નું અને અવાજ રેડિયોનો અને પછી જે ધમાલ સર્જાઈ કે પૂછો નહીં. ટી.વી. પર ખેતી વિષયક દૂરદર્શનના કાર્યક્રમમાં કોઈ કિસાનભાઈ બોલતા હોય અને રેડિયોમાં કંઈક રોમેન્ટિક વાતો ચાલતી હોય, બેઉનું ફની મિશ્રણ! આવી એમની વિચિત્ર હ્યુમર. પછી એ જ ટ્રિક વાપરીને મેં એક ટી.વી. ચેનલ પર જૂની ફિલ્મોનાં દૃશ્યો પર કોઈ વિચિત્ર સંવાદો-ગીતો-અવાજો ડબ કરીને ‘દેખ તમાશા દેખ’ નામની એક કોમેડી સિરિયલ બનાવેલી. પછી તો અન્ય ચેનલોએ પણ એની કોપી કરેલી. એ જ રીતે આજે પપ્પાનો ચહેરો યાદ આવે છે. તેમનો ઝાંખો ઝાંખો ચહેરો કશુંક અલગ જ કહે છે, પણ તેમનો અવાજ કંઈક અલગ જ સંભળાય છે મારા કાનમાં.
પપ્પાનો ખાસ મનપસંદ શૅર આછોપાતળો યાદ આવે છે, જે પપ્પાએ કોઈક વરસાદી સાંજે ફોન કરીને મને સંભળાવેલો:
‘અય બારિશ, ઈતના ના બરસ કે વો આ ના સકે
આયે તો ઈતના બરસ કે વો જા ના સકે!’
વરસાદ ગમે તેવો વરસે કે ના વરસે, જનારા નથી આવતા. પ્રિયતમ માટે લખાયેલા શૅરનો અર્થ મારા માટે બદલાઈ ગયો છે, કારણ કે મને આ શૅર સંભળાવનાર કદીયે પાછા આવી નહીં શકે.
એમની સાથેના કેટલાક મજેદાર કિસ્સા તમને કહું. હું સ્કૂલમાંથી યુનિફોર્મ, ખાસ કરીને સફેદ શર્ટ બહુ મેલું કરીને આવતો. તો એક વાર એમણે મને કહ્યું, ‘અંદર ગંજી પહેરતો જા!’ મને ગંજી પહેરવું ગમે નહીં. એટલે મેં બહાનું કાઢ્યું, ‘ગંજીથી બહુ ગરમી થાય છે!’ તો તરત પપ્પાએ પંચ માર્યો, ‘એમ? તો તારી ટીચરો એમનાં કપડાંમાં બ્રા-પેટીકોટ પહેર્યા વિના જ સ્કૂલમાં આવે છે?’ હું હસી પડ્યો અને પછી સ્કૂલની રિસેસમાં રોજ મારા મિત્રોને આ જોક સંભળાવતો. એસ.એસ.સી.માં હતો ત્યારે અમારી સ્કૂલમાં ખાખી પેન્ટનો યુનિફોર્મ. ખાખી રંગ જોઈને મને હું ટપાલી કે પ્યુન હોઉં એવું લાગે. હાફ પેન્ટ સુધી ઠીક હતું, પણ ખાખી ફુલપેન્ટ! તો પપ્પા મને એ સમયે બાંદ્રા લિંકિંગ રોડ પર જીન્સની દુકાને લઈ ગયા. જીન્સનું ખાખી રંગનું ડેનિમનું કપડું અપાવી, રેડીમેડ જીન્સ પેન્ટની સ્ટાઈલમાં સીવડાવી આપ્યું. ત્યારે બાળકો માટે જીન્સ હજી એટલાં પ્રચલિત નહોતાં અને એ પણ સિવડાવવાની વાત તો ઈમ્પોસિબલ. પછી હું જીન્સ પહેરીને સ્કૂલે ગયો. નેચરલી શાળાના મેનેજમેન્ટે વિરોધ કર્યો કે સ્કૂલમાં જીન્સ ન ચાલે, પણ મને તો ફેશનના ધખારા એટલે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંથી નહીં ઊતરવા માટે જે લડત ચલાવેલી એમ મેં પણ ચલાવી, પરંતુ ઘર સુધી વાત ન પહોંચે એની તકેદારી પણ રાખેલી. ટૂંકમાં ફેશનની, સ્ટાઈલ મારવાની અને હીરોગીરીની કુટેવ ત્યારથી જ પપ્પાએ નાખેલી. પપ્પા પોતે પણ સ્ટાઈલિશ. સૌથી અલગ દેખાય એવા ઝભ્ભા, નીચે જીન્સ કે ટ્રાઉઝર્સ, ખભે ચામડાનો થેલો, આર્ટિસ્ટ જેવી દાઢીને કારણે રસ્તામાં એ સૌથી અલગ દેખાઈ આવે. પછી હું કોલેજમાં જતો થયો એટલે ચૂપચાપ એમનાં શર્ટ પહેરી લેતો. પપ્પા શર્ટ ઈસ્ત્રી કરીને બહાર કાઢે અને હું પહેરીને જતો રહું એટલે એ બહુ ભડકે! એમનાં શૂઝ પહેરીને પહોળાં કરી નાખું એટલે મને વઢે. ઘરમાં ક્યારેક કોઈ ઝઘડો થયો હોય, મમ્મી-પપ્પા વચ્ચે સખત બોલાચાલી થઈ હોય તો હું ખૂણામાં ચૂપચાપ મૌન થઈને બેસી રહું. પપ્પા જુએ કે હું જરા રડમસ થયો છું એટલે પછી પોતાનું કોઈક નવું પરફ્યુમ કે નવું શર્ટ હળવેકથી મારી પાસે મૂકી દે. પ્રેમ વ્યક્ત કરવાની એમની આ રીત. મારા પપ્પા શબ્દોના નહીં, પણ રંગો અને આકારોના માણસ.
મારો જન્મ ફક્ત ‘એન્જિનિયર’ બનીને સરખી કાયમી નોકરી કરવા માટે થયો છે, એવું મારી મમ્મી માનતી. ઈનફેક્ટ, હજીયે માને છે, પણ દસમા ધોરણ પછી મારે આગળ શું ભણવું કે કઈ લાઈન લેવી એ વિશે પપ્પાએ ક્યારેય કોઈ દબાણ નહોતું કર્યું, પરંતુ તેમનો મૂક સહકાર હંમેશાં મારી સાથે રહ્યો. જોકે ભણ્યા પછી હું એકાંકીઓ અને લખવાના રવાડે ચઢેલો ત્યારે એમને ચિંતા થઈ હતી. પપ્પા કાંતિ મડિયા કે શફી ઈનામદાર જેવા તેમના મિત્રો પાસે ચિંતા વ્યક્ત કરતા. મને પણ એક વાર કહેલું કે ‘એક વાર એકાંકીમાં ઈનામ મળી ગયુંને? હવે વારે વારે તારે શું પ્રૂવ કરવું છે? આગળ કંઈક કર.’ ‘સતત આગળ કંઈક કરતા રહેવું’ એ એમનું કેરેક્ટર!
૧૯૬૦-’૭૦માં નાટકોમાં એમને માત્ર પચાસ રૂપિયાનું કવર મળતું ત્યારથી લઈને મૃત્યુ પર્યંત એમણે હંમેશાં સતત કર્મ જ કર્યું છે. નાટકો હોય, નવીનભાઈ ઠક્કર ઓડિટોરિયમની મેનેજર તરીકે પાર્ટટાઈમ નોકરી હોય, ગુજરાતી ફિલ્મો હોય, ટી.વી. સિરિયલો હોય કે લગ્ન સમારંભના મોટામસ સેટ્સ હોય, છેલ્લાં પચાસ વર્ષમાં (૧૯૬૪થી ૨૦૧૪) સતત તેમણે કામ કર્યું હતું. કોઈ મને પૂછે કે મને સૌથી વધારે ઈર્ષ્યા કોની થાય? તો હું કહીશ છેલ વાયડા, મારા પપ્પાની. કમસે કમ મુંબઈ અને ગુજરાતમાં તો આવે જ આવે, કારણ કે જાહેર સ્થળે ક્યાંક કોઈને હું મળું અને ‘સંજય છેલ’ તરીકે મારો પરિચય આપું તો સામેની વ્યક્તિ તરત જ કહે, ‘ઓહ તમારું નામ તો બહુ સાંભળ્યું છે!’ આ સાંભળીને આપણે જરા ફુલાઈએ ત્યાં તો સામેથી પંચ આવે, ‘તમે નાટકોમાં સેટિંગનું કરો છોને? બધાં નાટકોમાં તમારું જ નામ હોય છે.’ એટલે આપણી છવ્વીસ હિન્દી પિક્ચરોની મહેનત સાવ ધૂળમાં! જ્યાં જાઉં ત્યાં આવું સાંભળવાનું? કેટલી વાર કોઈ માણસ સહન કરે? જ્યારે મારી થોડી ઘણી ફિલ્મો ચાલી, નામ થયું ત્યારે પપ્પાએ એક વાર સારા મૂડમાં મને કહેલું, ‘મારી તો નાની ‘હાટ’ હતી, તે એમાંથી મોટી ‘હાટડી’ બનાવી છે!’ પણ જોકે આવો મૂડ એમનો કાયમ નહોતો રહેતો. એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલ વગેરે જોતા અને જુએ ત્યારે ભાગ્યે જ એમને ગમતી, પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની, એવી અમારી વચ્ચે મૂક સમજૂતી હતી!
મેં મધ્યમવર્ગીય સંઘર્ષ, પૈસાનો અભાવ, ચડતીપડતી જોઈ છે તોય મારો એટિટ્યુડ મૂર્ખતાની હદ સુધીનો નવાબી છે, એ પણ પપ્પાને કારણે જ. એમણે શરૂઆતથી એક લાઈફ સ્ટાઈલ રાખી અને મૃત્યુ સુધી ખુમારીથી નિભાવી. ક્યારેક એમની તબિયત સારી ન હોય અને હું મારી એક્સ્ટ્રા ગાડી એમને વાપરવા આપું તો ડ્રાઈવર અને પેટ્રોલના પૈસા ધરાર પોતે જ આપે. એમની આવી ખુદ્દારીને કારણે જ મારામાં પણ વિપરીતથી વિપરીત સંજોગોમાં હસતા રહેવાની કે ટકી રહેવાની તાકાત આવી છે. અમુક વાતો સંતાનોને શીખવવી નથી પડતી, એ ડી.એન.એ.માં ઊતરી આવે છે.
મારા પપ્પા બહુ આદર્શ પતિ કે અફલાતૂન પિતા હતા એમ પ્રશસ્તિ ગાથા કહેવાનો મારો કોઈ આશય નથી. મારે અને એમને લગભગ ‘મુઘલ-એ-આઝમ’ના સલીમ-અકબર જેવાં ગંભીર ઈક્વેશન જ રહ્યાં, પણ એકંદરે છેલ વાયડા માણસ ઇન્ટરેસ્ટિંગ. એમની હાથ નીચેના કોન્ટ્રાક્ટરો કે કામ કરવાવાળા ગાડીઓ, ટ્રકો લઈને કરોડપતિ થઈ ગયા, પણ છેલ વાયડાએ પરવા ન કરી. ટી.વી. સિરિયલોથી કંટાળ્યા તો તરત પડતી મૂકી. ‘કંકુ’ કે ‘કાશીનો દીકરો’ જેવી ૩૫થી વધુ ગુજરાતી ફિલ્મો પણ એમણે ‘હાઈએસ્ટ પેઈડ’ કલાનિર્દેશક તરીકે કરી, પણ પછી ગુજરાતી ફિલ્મોનો સ્તર પડવા માંડ્યો તો તરત છોડી દીધી, કારણ કે તેઓ મૂળ નાટકનો જીવ. પપ્પાના મોઢે મેં સૌથી વધારે વાર કોઈ એક વાક્ય સાંભળ્યું હોય તો એ એક જ ‘આવતા અઠવાડિયે મારે તો બે નવાં નાટક આવે છે, ભાઈ મારી પાસે ટાઈમ નથી!’ બસ નવાં નાટકોનું આગમન એ જ એમનું નાનકડું રજવાડું. નાનપણથી એમની આ ‘નવા નાટક’ની ઘેલછાનો હું સાક્ષી છું. ઘણી વાર રવિવારે સાંજે તેજપાલ કે ભવન થિયેટરમાં નાટકના સેટ પર ટીંગાડવા માટેની ફોટોફ્રેમ ઉઠાવીને હું છેક વિલે પાર્લાથી ટાઉન સુધી જાઉં. સ્ટેજ પર શોની પહેલાં પપ્પાની બૂમાબૂમ સંભળાય, લાઈટો ગોઠવાતી હોય, પપ્પા બેકસ્ટેજવાળાને ધમકાવતા હોય, નાટકના સેટને રંગનો છેલ્લો ટચ અપાતો હોય. બસ, આ બધું મને એક જાદુઈ દુનિયા જેવું લાગતું. એ જાદુઈ દુનિયામાં હું પોતે ક્યારે ખેંચાઈ ગયો એની મને ખબર જ ન પડી અને પછી ફિલ્મો -સિરિયલો તરફ નસીબજોગે જતો રહ્યો, પણ મારી બધી પ્રવૃત્તિઓના પાયામાં પેલાં નાટકોના કેન્વાસના સેટની ભીની સુવાસ છુપાયેલી છે. પપ્પાએ મારી ફિલ્મ ‘ખૂબસૂરત’માં સેટ્સ ડિઝાઈન કરેલા ત્યારે અમારે ખૂબ મતભેદ થયેલા, પણ એમણે મારી બધી જીદોને પૂરી કરેલી. એમની સાથે કામ કરવું સહેલું નહોતું. એમની આ સુપરહિટ છેલ-પરેશની જોડી કેમ આટલાં વરસ ટકી રહી એ પણ એક કોયડો છે. છેલ વાયડા અને પરેશ દરૂ પાર્ટનર ખરા, પણ સ્વભાવ બેઉનો બી.જે.પી. અને કમ્યુનિસ્ટ પાર્ટી જેવો સાવ વિપરીત! પરેશભાઈ ઓછું બોલે એટલે જ એમની આ પાર્ટનરશિપ આટલી લાંબી ટકી હશે એમ હું માનું છું.
બાળક બોલતાં શીખે તો પહેલો શબ્દ ‘મા’ હોય છે એવું બધું લખીને લેખકોએ કેરિયર બનાવી છે, પણ હું એમાં સહમત નથી, કારણ કે મારો દીકરો ઓશો પહેલો શબ્દ ‘દાદા’ એમ બોલતાં શીખેલો! વાંકડિયા વાળ સાથે ગોળમટોળ ઓશો ત્યારે ‘દા-દા…આઆઆ’ એમ ટ્યુનમાં બોલતો અને પપ્પાનો ગંભીર ચહેરો મલકાઈને બાળક જેવો બની જતો. પછી એકાદ વાર ઓશોને રમાડતી વખતે પપ્પાએ ઓશોને બેચાર ચમચી વ્હિસ્કી ચટાડેલી અને ઓશો પછી મૂડમાં આવીને લથડિયાં ખાવા માંડેલો. એ જોઈને પપ્પા ઓશોની સાથે ખૂબ ખીલતા, ખૂબ હસતા. જિંદગીના ફ્લેશબેકનાં આવાં બે-ચાર પ્રસન્ન દૃશ્યોથી વિશેષ શું યાદ રાખવા માટે લાયક હોય છે?
થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં એમનું સન્માન થયું, ત્યારે શૂટિંગમાંથી મેં ભાગીને છેલ્લી ઘડીએ પ્લેનની ટિકિટ કઢાવી અને તેમને સરપ્રાઈઝ આપવા સ્ટેજ પર પહોંચી ગયો, ત્યારે મને જોઇને પપ્પાની ભાગ્યે જ ભીની થતી આંખમાં પાણી આવ્યાં, એ પાણી એટલે મારી આજ સુધીની બીજી બધી ઉપલબ્ધિથી વધીને દીકરા તરીકેની સાચી ઉપલબ્ધિ.
એક વાર ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે પપ્પા રાત્રે બરોડાની ટ્રેનમાં નીકળવાના હતા. સાંજે મને લઈને પાર્લાની માર્કેટમાં ગયા પછી ત્યાંની એક શબરી હોટેલમાં ઉપર ગયા અને મને કહ્યું કે તું ફલાણું કામ કરીને ઉપર આવ. મેં સાંભળવામાં ભૂલ કરી કે શું એ ખબર નહીં, પણ હું તો ઘરે આવી ગયો. એક કલાક પછી પપ્પા ધૂંવાંપૂંવાં થતા ઘરે આવ્યા અને મને વઢ્યા કે તને ઉપર હોટેલમાં આવવાનું કહેલુંને? (એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા અને અમારે ઘરે તો સાદો ફોન પણ નહોતો.) પપ્પાની સામે હું સાવ ચૂપ રહ્યો. એમ પણ એમના ગુસ્સા સામે કોઈ બોલી પણ ન શકે. પછી પપ્પાએ વઢીને કહ્યું કે ‘હું બરોડાથી આવું ત્યાં સુધીમાં નાણાવટી હૉસ્પિટલમાં જઈને કાનનું ચેકઅપ કરાવી રાખજે!’ ત્યારે તો હું કંઈ બોલ્યો નહીં, પણ આજે કહેવા માગું છું કે કાન સાફ કરાવીને પણ શું કરીશ? તમે શું કહેવાના એની તો મને સાંભળ્યા વિના ખબર જ છે! તમે તો એમ જ કહેશો કે ‘મારે તો આ રવિવારે ત્રણ નવાં નાટકો આવે છે, ભાઈ, મારી પાસે ટાઈમ નથી!’

1 thought on “જ્યારે મારી થોડી ઘણી ફિલ્મો ચાલી ત્યારે પપ્પાએ મને કહેલું ‘મારી તો નાની ‘હાટ’ હતી, તેં એમાંથી મોટી ‘હાટડી’ બનાવી છે!’

  1. I was moved to tears after reading it. My story too. Years ago I saw a Broadway Play in New York City, ‘I never sang for my father’. The story was about a father and his son. Though they cared for each other and intensely loved each other, some misunderstanding had driven them to the point where they were not even talking to each other. Son became a legendary singer and used to wow the audiences. In the West there is a custom that you sing a special song addressing the person you love. This is done face-to-face. It is called serenading. The father became old and died. There had been no reconciliation between the father and his son. Now the son was full of remorse and regret that he had not ever serenaded his father while he was alive. His singing at father’s funeral was how he poured out his heart and deep sorrow. For some Fathers’ Day comes after they are gone. Cherish every moment together. Lost time will not come back. Make sure you don’t end up with regrets only.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.