Homeલાડકીપ્રાઇવસી... તરુણાવસ્થા સમજણ ને સ્વીકારનું પ્રથમ પગથિયું...

પ્રાઇવસી… તરુણાવસ્થા સમજણ ને સ્વીકારનું પ્રથમ પગથિયું…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી  -શ્ર્વેતા જોષી-અંતાણી

પ્રાઇવસી.. પ્રાઇવસી.. પ્રાઇવસી.. આ શું મોકાણ માંડી છે ઘરમાં?? સવાર સવારમાં સ્નેહા તાડૂકી. લગભગ પાંચેક દિવસ રાહ જોયા બાદ વિહાએ યાદ કરાવ્યું હતું કે, મારા રૂમના દરવાજા પર પેલું બોર્ડ હવે ક્યારે લગાવી આપીશ? સ્નેહા તો એ દિવસે વિહાને સમજાવીને આખી ઘટના ભૂલી પણ ગયેલી. એને એમ કે, આવી તો હજાર વસ્તુઓ માટેની વિહા દ્વારા ડિમાન્ડ કરવામાં આવતી જેને વિહા ફરી યાદ કરતી પણ નહોતી. પણ આ વખતે હવે બાળક મટીને ટીનએજર બનેલી વિહા એમ કંઈ ભૂલે એવી નહોતી રહી એ બાબત પરત્વે સ્નેહા હજુ એટલી સજાગ નહોતી કદાચ. એમાં પણ વિહાએ બીજા દિવસે સ્કૂલમાં જઈ વેકેશનમાં બનેલી વાતો વચ્ચે હજુ તાજી તાજી એવી ગઈકાલની ઘટના સૌથી પહેલા આખી કરમકથની માફક કહી એટલે તુરંત જ ઈવા, ત્રિશા, નવ્યા, વિવાન એમ આખા ટોળાના એકોએક કાન વિહાની વાત ફરતે વિંટળાયા. વાત તો ખેર પૂરી બધાએ સાંભળી ના સાંભળી પરંતુ આપણા પેરેન્ટ્સ આપણને જરાપણ સમજતા નથી એ વાતમાં બધા તુરંત સહમત થઈ ગયા. કોઈ કહે મમ્મી મારો ફોન દરરોજ ચેક કર્યા કરે છે તો કોઈને ફરિયાદ કે પપ્પા બાજુમાં જ બેસે એટલે મારે ગેમ્સ રમાતી નથી, કોઈને પોતાના નવાસવા બનેલા બોયફ્રેન્ડ સાથે વાત થતી નથી તો કોઈને વાંચવાના સમયે ઉંઘાતુ નથી. દરેક જણે ભલે આવા સાચાખોટા કેટલાંય અલગ અલગ કારણો આપ્યાં, પરંતુ અંહી મુખ્ય પ્રશ્ર્ન એ છે કે, હકીકતમાં ટીનએજર્સને પ્રાઇવસીની જરૂર શા માટે પડે છે!?
નાના બીજમાંથી છોડ ઊગવાની પ્રક્રિયા માટેની આ એક કુદરતી નિશાની છે. મોટા થયે પોતાના નાના મોટા કામ જાતે કરવાથી માંડીને અચાનક આવી પડતી જવાબદારીઓનો ભાર ઊંચકવાની ક્ષમતા વિકસાવતા પણ કુદરત દ્વારા ટીનએઈજમાં જ શીખવવામાં આવતું હોય છે અને એટલા માટે જ આ અવસ્થાએ મળતી પ્રાઇવસી અને એના કારણે પડતી ટેવો તરુણાવસ્થા દરમિયાન કુદરતી રીતે થતાં માનસિક તેમજ શારીરિક વિકાસમાં બહુ મોટો ભાગ ભજવે છે.
પ્રાઇવસી એ આપણા સહુનો મૂળભૂત માનવીય અધિકાર છે. આપણી જાતને સમજવા, એને લાઈઝ કરવા, વિચારવા, વિઝ્યુલાઈઝ કરવા કોઈપણ પ્રકારની ખલેલ વગરનો સમય જરૂરી છે એ આપણે સુપેરે સમજીએ છીએ પરંતુ આપણી આસપાસ સતત એક અલગ એનર્જી સાથે જીવી રહેલા તરુણોને પણ આ પ્રકારની પ્રાઇવસી એટલી જ જરૂરી છે એ સમજવાની અવગણના કરવી આપણો સ્વભાવ બની ગયો છે જાણે, પરંતુ એ યાદ રાખો કે ટીનેજર્સ સાથે સુમેળભર્યા સંબંધો રાખવાની પ્રથમ શરત છે તેઓને એકલા છોડવા અને તેઓની પ્રાઇવસીનું માન જાળવવું જેથી કરીને તેઓ એક દિવસ કંટાળી વિહા માફક અચાનક ‘ટેન્ટ્રમ’ બતાવે નહી.
સામા પક્ષે એક ટીનએજર તરીકે સૌપ્રથમ તો એ સમજવું જરૂરી છે કે પ્રાઇવસીનો ખરો મતલબ શું થાય છે? માત્ર ક્યાંકથી સાંભળીને કે સોશ્યલ મીડિયા પર વાંચીને એના વિશે મત બાંધવા કરતાં એ જાણવું કે પ્રાયવસી પોતાના રૂમ, ફ્રેન્ડસ સાથેની વાતો, કે બોયફ્રેન્ડ સાથેની ચીટચેટ પૂરતી સીમિત નથી. પ્રાયવસી વિચારોની, વ્યક્ત થવાની તેમજ શરીરના બદલાવની સભાનતા સાથે પણ પૂરેપૂરી નિસ્બત ધરાવે છે.સ્નેહા-વિહાના કિસ્સામાં વિહાને ભલે આ સમજણ પાડવી જરુરી હતી તો સાથોસાથ સ્નેહાએ પણ એ સમજવાની સખ્ત જરુર હતી કે, વિહાના જીવનમાં “infant’ એટલે કે, નવજાત શીશુથી લઈને ટીનએઈજ -તરુણાવસ્થા એમ અત્યાર સુધીની આખી જીવન સફર દરમિયાન તેનો રોલ અલગ હતો અને હવે શરૂ થઈ રહેલા વિહાના પિન્કી પોન્કી પિક્ચરમાં પણ અલગ જ રહેશે.
ટીનએજર તરીકે તમને મળતી પ્રાઇવસીનો સમજણપૂર્વક ઉપયોગ કરવો પણ બહુ જરૂરી છે. સ્વતંત્ર અને જવાબદાર બનવા તેમજ માં-બાપનો માળો છોડી ઊડવાની તૈયારી કરવા ટીનેજર્સે કેવી રીતે પ્રાઇવસીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શીખવું એ અત્યંત જરૂરી છે. આમ તો જીવન પોતાની જાતે જીવવાની આ એક શરૂઆત છે. પોતે શું બનવા માગે છે, તેઓ કઈ જગ્યામાં વધુ કમ્ફર્ટેબલ છે, કેવા પ્રકારની વસ્તુઓ તેઓને આકર્ષે છે, ઉપરાંત સતત નર્ચર થઈ રહેલા તેઓનું મગજ પણ વિકસતું જતું હોય છે. નવી વિચારસરણીઓ અપનાવવી, સામાજીક, પ્રેકિટકલ, પોલિટીકલ કે રોમેન્ટીક બાબતોમાં તેઓ રસ લેતા થાય છે અને એટલા માટે જ આ સમય દરેક પેરેન્ટસ માટે બહુ આકરો બની રહે છે. ક્યારેક એવું લાગે કે આ પોતાનુ સંતાન જ નથી અથવા તો પોતાનુ બાળક પોતાનાથી દૂર જઈ રહ્યું છે તેઓ ભાવ ઉત્પન્ન થવો સામાન્ય છે. પરંતુ એનો મતલબ એવો નથી કે તમે તેઓની સ્કુલ બેગ ચકાસો, વારંવાર ફોન તપાસો, ક્લાસમાં કે તેના મિત્રો કે ટિચર પાસે સતત ઈન્ફોર્મેશન મંગાવતા રહો કે પછી તેઓની વસ્તુઓમાં વચ્ચે પડો. હા, આ બધું જ ધ્યાન રાખવું અતિ આવશ્યક પણ છે, પરંતુ તે મર્યાદામાં રહીને કરવાથી ટીનએજર્સ સાથે સારું સાયુજ્ય સાધી શકાય છે ઉપરાંત તેઓને ખોટાં રસ્તે વળતા પણ અટકાવી શકાય છે.
ટીનએઈજ અને પ્રાઇવસી બંન્ને એકી ગાંઠે બંધાયેલા છે એનાથી દૂર જવાની કોશિશ જીવનભરનો ગાળીયો ફેંકતી જાય છે તો એની બહુ નજીક જતાં પણ શ્ર્વાસ રુંધાય જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલેજ તેની સાથે રહી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો એ એક સફળ તરુણાવસ્થાની નિશાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular