બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હાલમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘણા ક્રિકેટ પંડિતોનું કહેવું છે કે T20 ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને સોંપવું જોઈએ. પરંતુ ગૌતમ ગંભીરે આ મુદ્દે વાત કરતા બધાને ચોંકાવી દીધા છે.
દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન ગંભીરને ટીમ ઈન્ડિયાના ત્રણ ભાવિ કેપ્ટનના નામ પૂછવામાં આવ્યા હતા. આ સવાલ પર પ્રતિક્રિયા આપતા પૂર્વ ઓપનરે કહ્યું કે તેમના મતે પૃથ્વી શૉ સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે. પૃથ્વી શૉ સિવાય ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાનું કેપ્ટન તરીકે નામ લીધું હતું.
ગૌતમ ગંભીરનું આ નિવેદન પણ આશ્ચર્યજનક છે કારણ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની બેટિંગથી તબાહી મચાવનાર પૃથ્વી શો હાલમાં ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી શ્રેણી અને આગામી બાંગ્લાદેશ પ્રવાસ માટે પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી શૉ ભારતીય ટીમમાં જગ્યા નથી બનાવી શક્યા. આ દરમિયાન તેમને ઈજા પણ થઈ હતી. ઈજામાંથી પરત ફર્યા બાદ તેમણે ઘરેલુ ક્રિકેટમાં ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે.