ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજના આચાર્યએ વિદ્યાર્થીનીઓને ભાજપમાં જોડાવાનું તુઘલકી ફરમાન બહાર પાડતા હોબાળો મચ્યો છે. જેને લઈને કોંગ્રેસ અને એનએસયુઆઇએ વિરોધ પ્રગટ કર્યો છે અને આચાર્યના રાજીનામાંની માંગ કરી છે.
કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબેન ગોહિલે જાહેર કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપની પેજ કમિટીમાં જોડવા દરેક વિદ્યાર્થીની પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈને આવે. જાણે કોલેજ ભાજપના ચૂંટણી પ્રચાર માટે કામ કરી રહી હોય તેમ આ નોટિસ લખવામાં આવી હતી.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇ તેમજ સેનેટ સભ્યોએ આ નોટીસ સામે વિરોધ નોંધાવતા યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવે. આ અંગે વિવાદ વકરતાં કૉલેજ સત્તાધીશો દ્વારા ઈન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ બાબતે કોલેજના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમારી કોલેજે રાજકીય પક્ષ બાબતે હંમેશા તટસ્થતા રાખી છે ત્યારે આ પ્રકારની નોટિસ જાહેર થાય તે બાબત ગંભીર ગણાય. આ બાબતને અમે પૂરી ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને આવતીકાલે આ બાબતે બેઠક પણ બોલાવી છે. કોલેજમાં શૈક્ષણિક હેતુથી કોઇ કાર્યક્રમ થાય તેમાં કોઇ વાંધો ન હોય, પણ આ રીતે રાજકીય પ્રેરિત બાબતમાં આચાર્ય દ્વારા નોટિસ પાઠવવામાં આવે તે વ્યાજબી નથી.