(અમય ખરાડે)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈ આવવાના હોવાથી ગુરુવાર રાતથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સીએસએમટી-શિર્ડી અને સીએસએમટી-સોલાપુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા મોદી મુંબઈ આવવાના હોવાથી કાર્યક્રમના સ્થળ આસપાસના પરિસરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડા પ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન ૧૭૦૦ પોલીસ અધિકારી-કર્મચારી બાજનજર રાખશે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સુરક્ષાવ્યવસ્થામાં સબ-ઈન્સ્પેક્ટરથી ઉપરની રૅન્કના ૨૮૦ અધિકારી ગોઠવી દેવામાં આવ્યા છે. એડિશનલ કમિશનર, ત્રણ ડેપ્યુટી પોલીસ કમિશનર અને ૧૧ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરક્ષાવ્યવસ્થા પર દેખરેખ રાખશે.
એ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, રાયટ ક્ધટ્રોલ પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ (ક્યૂઆરટી) સાથે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) અને ડૉગ સ્ક્વોડ પણ તહેનાત રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં રાખી ગુરુવાર બપોરથી જ સીએસએમટી ખાતે પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ડૉગ સ્ક્વોડની મદદથી પ્લૅટફોર્મ્સ પર ચકાસણી કરવામાં આવી રહી હતી.