આર્થિક પરિષદમાં મહારાષ્ટ્રનું વિઝન રજૂ કરશે: ૧.૪૦ હજાર કરોડના કરાર થશે
દાવોસમાં મહારાષ્ટ્રનું પેવેલિયન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે મુંબઈ આવી રહ્યા હોવાથી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની દાવોસની મુલાકાત પર સંકટ જોવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દાવોસ જવાના છે તે નક્કી થઈ ગયું છે. દાવોસની આર્થિક પરિષદમાં તેઓ મહારાષ્ટ્રનું વિઝન રજૂ કરશે અને ૨૦ ઉદ્યોગો સાથે રૂ. ૧.૪૦ હજાર કરોડના કરાર કરવામાં આવશે એવી શક્યતા છે. દાવોસમાં આટલી મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર પહેલી વખત એમઓયુ કરવાની છે. આ ઉપરાંત પાયાભૂત સુવિધા અને અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં મહારાષ્ટ્રની પ્રગતિ વિશે આખી દુનિયાના મહાનુભાવો, રોકાણકારો અને ઉદ્યોગોના પ્રમુખોની સાથે એકનાથ શિંદે ચર્ચા કરશે.
મુખ્ય પ્રધાન ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ પરિષદમાં હાજરી આપશે. કેબિનેટના તેમના સાથી ઉદ્યોગપ્રધાન ઉદય સામંત અને કેટલાક સિનિયર અધિકારીઓ પણ દાવોસમાં હાજરી આપશે. દાવોસમાં પરિષદ ૨૦ જાન્યુઆરી સુધી ચાલવાની છે, પરંતુ મુખ્ય પ્રધાન મંગળવારે રાતે ૮.૦૦ વાગ્યે મહાનુભાવો માટે ડિનર આયોજિત કરવામાં આવ્યું છે તેમાં હાજરી આપ્યા બાદ પાછા મુંબઈ આવી જશે.
મુખ્ય પ્રધાનની સ્પીચ મંગળવારે જ બપોરે ૩.૪૫ વાગ્યે રાખવામાં આવી છે. તેઓ શહેરોના બદલાઈ રહેલા
પરિપ્રેક્ષ્યના પડકારો તેમ જ પર્યાવરણ અનુરુપ શાશ્ર્વત વિકાસ પર પોતાની વાત રાખશે.
દાવોસમાં મહારાષ્ટ્રની પ્રગતિને આખી દુનિયા સમક્ષ અત્યાધુનિક અને પ્રભાવી સ્વરૂપે રજૂ કરવા મટો છેલ્લા ત્રણથી ચાર મહિનામાં મેટ્રો, કોસ્ટલ રોડ, એમટીએચએલ, હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ માગ્ર, મુંબઈ પુણે મિસિંગ લિંકને માટે તૈયાર કરાયેલી સૌથી મોટી ટનલની સાથે સાર્વજનિક પરિવહનમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ, પર્યાવરણના રક્ષણ માટે લેવામાં આવેલા પગલાં વગેરેને દેખાડવામાં આવશે.
મંગળવારે મુખ્ય પ્રધાન લક્ઝમબર્ગના વડાપ્રધાન, જોર્ડનના વડાપ્રધાન, સિંગાપોરના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન, બૅન્ક ઓફ જાપાન, સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખાણ ખાતાના પ્રધાન, સ્વિસ ભારત, ચેમ્બર ઓફ કોમર્સની સાથે મુલાકાત કરશે.