સિકંદરાબાદ: ભારતના મોટા ભાગના રાજ્યમાં સેમી હાઈ સ્પીડની ટ્રેન દોડાવવાની યોજના અંતર્ગત આજે આઠમી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લીલી ઝંડી આપી હતી. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન (કલાકના ૧૩૦ km ઝડપ)ને હવેથી સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડાવવામાં આવશે.
વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપ્યા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘વંદે ભારત એક્સપ્રેસ’એ એવા ભારતનું પ્રતીક છે, જે દરેક પ્રવાસીને શ્રેષ્ઠ સુવિધા આપશે. આ ટ્રેન એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગુલમીની માનસિકતામાંથી બહાર નીકળીને આત્મ નિર્ભરતા તરફ આગળ વધે છે.
પંદર દિવસમાં બીજી વંદે ભારત એક્સપ્રેસને દેશમાં ચાલુ કરવામાં આવી છે. એના અંગે PM મોદીએ કહ્યું હતું કે નવા વર્ષની આ પહેલી ટ્રેન છે, જ્યારે પંદર દિવસમાં આ બીજી ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જે પુરવાર કરે છે દેશમાં કેટલી ઝડપથી ‘વંદે ભારત અભિયાન’ પ્રગતિ કરી રહ્યું છે. અલબત્ત, જ્યાં જ્યાં ગતિ, ત્યાં ત્યાં પ્રગતિ છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે એવો સમય પણ જોયો છે, જ્યારે આપણે ત્યાં વિકાસ અને કનેક્ટિવિટીનો લાભ બહુ ઓછા લોકોને મળતો હતો. અને એનાથી દેશની મોટા ભાગની જનતાનો સમય ખાલી અવરજવરમાં વીતી જતો હતો, તેનાથી આમ આદમી અને માધ્યમ વર્ગને નુકસાન થતું હતું, જ્યારે આજે જૂના વિચારોને છોડીને આપણે આગળ વધી રહ્યા છીએ. જોકે ‘વંદે ભારત ટ્રેન’ એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અલબત્ત, પ્રબળ ઇચ્છાશક્તિ હોય ત્યારે સૌથી મુશ્કેલ લક્ષ્ય જ કેમ ન હોય પણ ચોક્કસ હાંસલ કરી શકાય છે.
જ્યારે કનેક્ટિવિટી અને ઈન્ફરાસ્ટ્રક્ચરનો સંગમ થઈ જાય તો સપનાઓ હકીકત સાથે જોડાય જાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
અહીંના કાર્યક્રમમાં રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવની સાથે રેલવે બોર્ડ અને ઝોનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.