નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ અને તેના પર થતા ખર્ચની ચર્ચા અવારનવાર થતી રહે છે. સરકારે આ અંગેના આંકડા રજૂ કર્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્રના જવાબમાં આ મુલાકાતોની વિગતો આપી હતી.
તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૨૧ વિદેશ યાત્રાઓ કરી છે જેના પર રૂ.૨૨.૭૬ કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસોની વિગતો પણ આપી અને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૮ વિદેશ પ્રવાસો કર્યા હતા જેના પર રૂ.૬.૨૪ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારે ૨૦૧૯થી રાષ્ટ્રપતિના પ્રવાસ માટે રૂ.૬૨૪૩૧૪૨૪ વડા પ્રધાનના પ્રવાસ માટે રૂ.૨૨૭૬૭૬૯૩૪ અને વિદેશ પ્રધાનના પ્રવાસ માટે રૂ.૨૦૮૭૦૧૪૭૫ ખર્ચ્યા છે.
મુરલીધરને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯થી રાષ્ટ્રપતિએ ૮ વિદેશ યાત્રાઓ કરી હતી જ્યારે વડા પ્રધાને ૨૧ અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે ૮૬ વિદેશ યાત્રા કરી
હતી.
૨૦૧૯થી વડા પ્રધાન મોદી ત્રણ વખત જાપાન બે વાર અમેરીકા અને એક વખત સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિની આઠમાંથી આઠ મુલાકાત રામનાથ કોવિંદે કરી હતી જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગયા સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી.