શિલોંગમાં મોદીની ગર્જના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ચૂંટણી રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે મેઘાલયની રાજધાની શિલોંગમાં રોડ શો કર્યો હતો. આ પછી તુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મેઘાલય અને નાગાલેન્ડની 60 વિધાનસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું છે. પીએમ મોદીએ શિલોંગમાં એક જનસભામાં કહ્યું કે પૂર્વોત્તરમાં લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અમે તેમને એક કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આજે તમે જે રીતે અદ્ભુત અને જીવંત રોડ શો કર્યો છે… તમારો આ પ્રેમ, તમારા આ આશીર્વાદ… હું તમારું આ ઋણ ચોક્કસપણે ચૂકવીશ. તમારા પ્રેમ અને આશીર્વાદનું ઋણ હું મેઘાલયનો વિકાસ કરીને, તમારા કલ્યાણના કાર્યોને ઝડપી બનાવીને ચૂકવીશ. તમારા આ પ્રેમને હું વ્યર્થ નહિ જવા દઉં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેઘાલય કેન્દ્ર સરકારની એક્ટ ઈસ્ટ પોલિસીનો આધારસ્તંભ બની રહ્યું છે. મેઘાલય હવે એવી સરકાર ઈચ્છે છે જે તેના પરિવારને બદલે લોકોને પ્રથમ સ્થાન આપે. મેઘાલયના દરેક ખૂણામાં સર્જનાત્મકતા છે. આ એવા લોકો છે જેઓ તેમના રાજ્યની સંસ્કૃતિ પર ગર્વ અનુભવે છે. ભારત સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને મેઘાલય આમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને તેના નેતાઓ પર પણ કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેમને દેશે નકારી કાઢ્યા છે, તેઓ દુઃખમાં ડૂબી ગયા છે અને હવે ‘મોદી તેરી કબર ખુદેગી’ કહી રહ્યા છે, પરંતુ દેશની જનતા ‘મોદી તેરા કમલ ખિલેગા’ કહી રહી છે. દિલ્હીના IGI એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર પર વડાપ્રધાને આ ટિપ્પણી કરી હતી.