વડા પ્રધાન અબુ ધાબીમાં: સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદને મળ્યા

દેશ વિદેશ

અબુ ધાબી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સંયુક્ત આરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા હતા. બન્ને નેતાઓએ સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતા પ્રગાઢ અને વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. ગયા મે મહિનામાં સંયુક્ત આરબ અમીરાતના એ વખતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનના અવસાન નિમિત્તે શોક વ્યક્ત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી ગયા હતા. તેમણે જર્મનીથી ભારત આવતાં વચ્ચે અબુ ધાબીમાં ટૂંકા ગાળાનું રોકાણ કર્યું હતું.
સંયુક્ત આરબ અમીરાતના હાલના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદે શાહી પરિવારના સભ્યોની સાથે પ્રેસિડેન્શિયલ ઍરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. શેખ મોહમ્મદ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની સાથે નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત હતી. ૭૩ વર્ષીય શેખ ખલીફા લાંબી બીમારી બાદ ગઈ ૧૩ મેએ અવસાન પામ્યા હતા. (એજન્સી)
————
જી-૭ શિખર પરિષદ: વડા પ્રધાન મોદીએ વૈશ્ર્વિક નેતાઓ સાથે ચર્ચા કરી

સંયુક્ત રાષ્ટ્રસંઘ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં જી-૭ રાષ્ટ્રોની શિખર પરિષદમાં હાજરી આપ્યા પછી સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. જી-૭ શિખર પરિષદમાં વિશ્ર્વના વિવિધ દેશોના નેતાઓ સાથે વૈશ્ર્વિક મહત્ત્વના વિષયો પર મંત્રણા સહિતની ગતિવિધિઓને પગલે જર્મનીની મુલાકાતમાં સફળતા મળ્યા પછી મોદી શ્લોસ એલ્માઉથી અબુ ધાબી જવા વિમાનમાં રવાના થયા હોવાનું વિદેશ મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું. વડા પ્રધાન જર્મનીમાં વિવિધ રાષ્ટ્રોના નેતાઓ જોડે મંત્રણા ઉપરાંત મ્યુનિચમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીમાં પર્યાવરણને સાનુકૂળ વિકાસ, પરિવર્તનશીલ પરિસ્થિતિઓમાં નિભાવ શક્ય બને એવી જીવનશૈલી અને આરોગ્યની દૃષ્ટિએ વૈશ્ર્વિક સ્વસ્થતાની દિશામાં ભારતના પ્રયાસોની ચર્ચા કરી હતી. એ મુલાકાત દરમિયાન વડા પ્રધાને બ્રિટન, જાપાન, ઇટાલી, દક્ષિણ આફ્રિકા, કૅનેડા, ફ્રાન્સ અને અમેરિકાના રાષ્ટ્રીય નેતાઓને મળીને દ્વિપક્ષી અને વૈશ્ર્વિક વિષયોની ચર્ચા કરી હતી. તેઓ યુરોપિયન યુનિયનનાં પ્રમુખ ઉરુસ્લા વોન ડેર લેયેન તથા ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિદોદોને પણ મળ્યા હતા. (એજન્સી)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.