દિલ્હીની મોડલ બસ્તી પ્રાથમિક શાળાના શિક્ષકે એક વિદ્યાર્થિનીને શાળાના પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી. વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એમસીડી સ્કૂલની બે મહિલા શિક્ષકોએ પરસ્પર ઝઘડામાં પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને પેપર કટર વડે માર્યુ હતું અને પછી તેને પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટનામાં વિદ્યાર્થિનીને માથામાં ઈજા થઈ હતી, જેની હિંદુ રાવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થિનીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
ડીબીજી રોડ પોલીસ સ્ટેશનની પોલીસ જ્યારે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધવા હૉસ્પિટલ પહોંચી ત્યારે તેણે જણાવ્યું હતું કે ટિચરે પહેલા તેને કાતર મારી હતી, એના વાળ પણ કાપવાની કોશિશ કરી હતી. તેણે ક્લાસમાં કંઇ પણ ધમાલ, દાદાગીરી નહોતી કરી છતાં પણ ટિચરે તેને નીચે ફેંકી દીધી હતી.
પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લઈ આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષક પર
ભૂતકાળમાં પણ બાળકોને માર મારવાનો આરોપ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શિક્ષકના આ વર્તનથી પરેશાન થઈને કેટલીક મહિલાઓએ અગાઉ ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ નિવેડો નહોતો આવ્યો અને શિક્ષકના વર્તનમાં પણ કોઈ ફેરફાર નહોતો થયો.