નવી દિલ્હી: ઔષધોના મૂલ્યમર્યાદા નિર્ધારક નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (એનપીપીએ)એ ઍન્ટિ-બાયોટિક અને ઍન્ટિ-વાઇરલ મેડિકેશન્સ સહિત ૧૨૮ દવાઓની મહત્તમ મૂલ્યમર્યાદામાં ઘટાડો કર્યો છે. નવી મૂલ્યમર્યાદા નક્કી કરાઈ હોય એવાં ફોર્મ્યુલેશન્સમાં ઍન્ટિ-બાયોટિક ઇન્જેક્શન્સ એમોક્સિસિલિન અને ક્લાવુલેનિક ઍસિડ, વૅન્કુમાયસિન, અસ્થમાની સારવાર માટેની સાલબુટામોલ, કૅન્સરની સારવાર માટેની ટ્રાસ્ટુઝુમેબ, બ્રેઇન ટ્યૂમરની સારવાર માટેની ટેમોઝોલોમાઇડ તેમ જ પેઇન કિલર આઇબુપ્રુફેન અને તાવની સારવાર માટેની પેરાસેટામોલ જેવી દવાઓનો સમાવેશ છે.
નવા નોટિફિકેશન પ્રમાણે એમોક્સિસિલિનની એક કૅપ્સ્યુલની કિંમત રૂ.૨.૧૮, સીટ્રિઝિનની એક ટેબ્લેટની મહત્તમ કિંમત રૂ.૧.૬૮, એમોક્સિસિલિન અને ક્લાવુલેનિક ઍસિડ ઇન્જેક્શનના રૂ.૯૦.૩૮, આઇબુપ્રુફેનની ૪૦૦ મિલિગ્રામની ટેબ્લેટના રૂ.૧.૦૭ નક્કી કરવામાં આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (એનપીપીએ)એ ૧૨ શેડ્યુલ્ડ ફોર્મ્યુલેશન્સની છૂટક કિંમતો પણ નક્કી કરી છે. એ મુજબ ઍન્ટિ-ડાયાબિટિસ કૉમ્બિનેશન ડ્રગ ગ્લિમિપેરાઇડ, વોગ્લિબોઝ અને મૅટફોર્મિન (એક્સ્ટન્ડેડ રિલીઝ)ની મહત્તમ કિંમત ૧૩.૮૩ નક્કી કરવામાં આવી છે. પેરાસેટામોલ, ફેનિલેફ્રિન હાઇડ્રોક્લોરાઇડ, ડિફેનહાઇડ્રેમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને કૅફેઇનના કૉમ્બિનેશનની એક ટેબ્લેટની મહત્તમ કિંમત રૂ.૨.૭૬ નક્કી કરવામાં આવી છે.