અકાળે એટેકને આવતાં અટકાવો

પુરુષ

તન-દુરસ્તી મન-દુરસ્તી-મુકેશ પંડ્યા

સાવધાન! અત્યારે વીસથી પિસ્તાલીસ વર્ષના યુવાનોને પણ ઓચિંતો હાર્ટએટેક ભરખી જાય છે
જો તમે નિયમિત સમાચાર વાંચતા હશો કે સોશિયલ મીડિયા પર પ્રવૃત્ત હશો તો તમને વીસથી પિસ્તાલીસ વર્ષનાં યુવાન-યુવતીઓમાં પણ જીવલેણ એટેક આવ્યાની જાણ થઇ હશે અને તેને લગતા વીડિયો પણ જોયા હશે. નાચતાં-ગાતાં કે રમતી વખતે કે પછી જિમમાં વર્કઆઉટ કરતી વખતે યુવાનોને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તેઓ ત્યાં જ ઢગલો થઇને પડી જાય છે. આ યુવાનો સારવારનો પણ મોકો નથી આપતા અને દુનિયા છોડી ચાલી જાય છે. તો શું આપણે મોં વકાસીને જોઇ રહેવું? શું એટેક આવતાં પહેલાં એવાં કોઇ લક્ષણો શરીર પર નહીં દેખાતાં હોય જેથી રક્ષણાત્મક પગલાં લઇ શકાય.
આ બાબતે વિવિધ ડૉક્ટરો અને નિષ્ણાતો તરફથી જે સલાહસૂચન મળ્યાં છે તે વાચકોએ વાંચી તેમની યુવા પેઢીને પણ સમજાવવાં જોઇએ.
વારસાગત હોય તો ચેતી જાઓ
એક નિષ્ણાત ડૉક્ટરસાહેબ કહે છે કે જેમનાં માતા-પિતાનો હાર્ટ એટેકનો અથવા ડાયાબિટીસનો ઇતિહાસ હોય કે બન્ને હોય તેમનાં યુવા સંતાનોને હાર્ટએટેક આવવાની સંભાવના સાધારણ યુવાનો કરતાં બમણી હોય છે. આ જિનેટિકલ સમસ્યા છે. એટલે આવાં સંતાનોએ પચ્ચીસથી ત્રીસ વર્ષની ઉંમરમાં હૃદયને લગતા તમામ રિપોર્ટો સાવચેતી ખાતર કઢાવી લેવા જોઇએ અને તે અનુસાર ડૉક્ટરની સલાહ લઇ પોતાની લાઇફસ્ટાઇલ ઘડવી જોઇએ.
આજકાલની સ્ટ્રેસવાળી લાઇફમાં હાઇ બ્લડપ્રેશર સામાન્ય થઇ પડ્યું છે.
એક અહેવાલ અનુસાર સાજા નરવા યુવાનોનું ચેક અપ કરતાં એમાંના ઘણા યુવાનોનું બ્લડપ્રેશર હાઇ હોવાની વાત માલૂમ પડી હતી.
આનો અર્થ એ થયો કે યુવાન ભણીને બહાર નીકળે, પોતાની કારકિર્દી ઘડવાનું શરૂ કરે ત્યારે જ તમામ પ્રકારના મેડિકલ રિપોર્ટ કાઢી તેનો ગંભીરતાથી અમલ કરવો જોઇએ.
દેખાદેખીથી વ્યસની ન બનો
આજના યુવાનોમાં ધૂમ્રપાન-મદ્યપાન અને ડ્રગ્સ લેવાનું ચલણ ખૂબ વધી ગયું છે. આ યુવાનોને ડર હોય છે કે જો તેઓ આ બધાં વ્યસન નહીં અપનાવે તો તેમની ગણતરી વેદિયા તરીકે થશે. મોટા ભાગના યુવાનો નાની વયે જ ભાત ભાતનાં વ્યસનોની ચુંગાલમાં સપડાય છે. યુવતીઓ પણ આમાંથી બાકાત નથી. તેનું મુખ્ય કારણ દેખાદેખી હોય છે. આ લોકો વ્યસન પાછળ આર્થિક ખુવારી તો વેઠે જ છે, સાથે સાથે શારીરિક મિલકત પણ ગુમાવતા જાય છે. આજકાલ યુવાનોના કામના કલાકો પર કોઇ નિયંત્રણ રહ્યું નથી. ઇન્ટરનેશનલ કંપનીઓમાં કામ કરનારાં યુવકયુવતીઓએ જે તે દેશના સમય પ્રમાણે કામ કરવું પડે છે જેને લીધે તેમની બોડી ક્લોક (જૈવિક ઘડિયાળ) ખોરવાય છે. કામનો બોજો તેમના શરીર અને મન પર પડે છે. સ્ટ્રેસ વધે છે. આનાથી છૂટવા તેઓ આસાનીથી વ્યસનોના બંધાણી થઇ જાય છે. આવા યુવાનોએ સ્ટ્રેસથી બચવાના બીજા ઉપાયો વિચારવા જોઇએ. નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવી જોઇએ, પરંતુ વ્યસનોથી તો દૂર જ રહેવું જોઇએ.
યાંત્રિક જીવન શરીરની યંત્રણા બગાડી મૂકે છે
એક સમય હતો જ્યારે લોકો પગથી ચાલી શકાતું હોય તો બસનો ઉપયોગ ન કરતા અને બસથી જવાતું હોય તો ટેક્સી કે કારનો ઉપયોગ નહોતા કરતા. આજનો યુવા વર્ગ ઘરેથી લિફ્ટમાં નીચે ઊતરે છે. બાઇક કે કાર કાઢે છે. એ ઉપલબ્ધ ન હોય તો રિક્ષા બોલાવી લે છે. બે-ત્રણ ગલી વટાવીને મિત્રને ત્યાં જવું હોય તો પણ રિક્ષા બોલાવી લે છે. બસસ્ટોપ સુધી પણ ચાલીને નથી જતા. તેમની એક દલીલ હોય છે કે તેઓ સમય બચાવવા આવું કરે છે, પરંતુ તેમણે એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે અન્ન પચાવવા પૂરતી પણ તેઓ કસરત કે હલનચલન માટે સમય નહીં કાઢે તો ભગવાન તેમનો ‘સમય’ વહેલો પૂરો કરશે. તેમને હવે બધી જ વસ્તુ એક ફોન કરીને મેળવવાની આદત પડી ગઇ છે. શોપિંગને બહાને જે હલનચલન થતું હતું એ પણ ઓછું થતું જાય છે. ઘેર બેઠાં શોપિંગ, ઘેર બેઠાં જ મોબાઇલ ગેમ્સ રમીને તેઓ બૌદ્ધિક રીતે કદાચ આગળ નીકળી ગયા હશે, પણ શારીરિક રીતે ઊણા ઊતરતા જાય છે. સહન કરવાનું શીખતાં જ નથી એટલે ઘણી વાર હાર્ટએટેક પણ સહન નથી કરી શકતા. આજે યંત્રોનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ શરીરની યંત્રણા ખોરવાતી જાય છે.
વધુ ને વધુ લોકોને ‘સીપીઆર’ પદ્ધતિ શિખવાડવી જોઇએ
તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયમાં જાહેર કાર્યક્રમો કરતાં કે કસરત કરતાં કરતાં અનેક કલાકારો-સેલિબ્રિટીઓ યુવા વયે જ એટેકનો ભોગ બની ગયા. આ તો સેલિબ્રિટી હતા એટલે વીડિયો જોવા મળ્યા. બાકી કેટલાય સામાન્ય લોકો આવા જાહેર કાર્યક્રમોમાં હાર્ટએટેકનો ભોગ બનતા હશે. આ સંજોગોમાં વધુ ને વધુ લોકોએ કાર્ડિયોપાલ્મોનરી રિસક્સિટેશન પદ્ધતિ શીખવી જોઇએ. આ પદ્ધતિમાં જો કોઇ માણસનું હાર્ટ ધબકતું બંધ થાય તો તેને યોગ્ય દબાણ આપીને પુન: ચેતનવંતું કરી શકાય છે. તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેના હૃદયને જીવતું રાખી શકાય છે. આ માટે ઓડિયન્સમાં ડૉક્ટર હોવા જરૂરી નથી. સામાન્ય માણસ પણ આ કામ શીખી શકે છે અને શીખવું જોઇએ. સરકારે પણ આ સમસ્યાને ગંભીરતાથી લઇને પોલીસ, ગાર્ડ, સુરક્ષા અધિકારીઓ કે સ્વયંસેવકો માટે આ પદ્ધતિ શીખવાનું ફરજિયાત કરવું જોઇએ. જાહેર કાર્યક્રમોમાં અતિશય ગિરદીને કારણે સફોગેશન (ગૂંગળામણ) વધવાની શક્યતા હોય છે. વધુ ગિરદી જોઇને નાચનારા કે ગાનારા પણ પોરસાઇને વધારે ઉત્તેજનાથી પરફોર્મ કરતા હોય છે ત્યારે નાજુક હૃદય પર વધારાનો બોજ આવે અને તે બોજ કોઇ સહન ન કરી શકે તે શક્ય છે. માટે આવા કાર્યક્રમોમાં કોઇ કાર્ડિયાક એરેસ્ટથી ફસડાઇ પડે તો તેની તાત્કાલિક સારવાર ઉપલબ્ધ હોવી જોઇએ. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.