અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવીને શહીદ થયેલી બંગાળની પ્રીતિલતા વાડેદાર

લાડકી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

સિંહાસન હિલ ઉઠે, રાજવંશોંને ભૃકુટી તાની થી
બૂઢે ભારત મેં ભી આયી ફિર સે નયી જવાની થી
ગુમી હુઈ આઝાદી કી કીમત સબને પહચાની થી
દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી
કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણ રચિત આ પંક્તિઓના ઉચ્ચારણ સાથે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્મરણ થાય. પંક્તિઓ કહે છે કે મનુજ નહીં અવતારી થી, હમકો જીવિત કરને આયી બન સ્વતંત્રતા નારી થી..!
રાણી લક્ષ્મીબાઈની વીરગાથાથી પ્રભાવિત અને પ્રેરાયેલાઓમાં એક પ્રીતિલતા વાડેદાર પણ હતી. અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવીને શહીદ થનારી પ્રથમ બંગાળી વીરક્ધયા! અંગ્રેજોના હાથમાં પડવાને બદલે સાઈનાઈડ ખાઈને મૃત્યુની ગોદમાં પોઢવાનું પસંદ કરનારી ચટગાંવની ચિનગારી!
પ્રીતિલતા ચટગાંવ, ચિત્તગોંગના ગરીબ પરિવારમાં જન્મેલી. અત્યારનું બંગલાદેશ. જન્મતારીખ ૫ મે, ૧૯૧૧. માતા પ્રતિભામયી. પિતા જગતબંધુ વાડેદાર. પ્રીતિલતા દરિદ્ર હતી. ખોરડું એનું નાનું હતું, પણ વાચન એનું વિશાળ હતું. ચિત્તગોંગની ડો. ખસ્તાગીર સરકારી ક્ધયાશાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે એ સેવા અને અનુશાસનના પાઠ ભણાવતી બાલચર સંસ્થાની સભ્ય બનેલી. સંસ્થાના સભ્યોએ બ્રિટિશ સમ્રાટ પ્રત્યે વફાદાર રહેવાના શપથ પણ લેવા પડતા. આ નિયમ નાનકડી પ્રીતિલતાને ખટકતો. આ નિયમે એના બાળમાનસમાં ક્રાંતિની ચિનગારી પ્રગટાવી.
એવામાં ક્રાંતિની આ ચિનગારી જ્વાળામાં પરિવર્તિત થાય એવી એક ઘટના બની. બંગાળના ક્રાંતિકારી માસ્ટર સૂર્યસેનની રેલવેનાં નાણાં લૂંટવાના આરોપ હેઠળ બ્રિટિશ પોલીસે ધરપકડ કરી. પોલીસ દ્વારા ક્રાંતિકારીઓનું દમન થતું જોઈને પ્રીતિલતાની દેશભક્તિની ભાવના જાગી ઊઠી. તેણે ક્રાંતિકારી ફિલસૂફી અને મહાન ક્રાંતિકારી નેતાઓનાં જીવનચરિત્રો વાંચવાનું શરૂ કર્યું. દેશની આઝાદી માટે બલિદાન આપનારી લક્ષ્મીબાઈ અને અન્ય વીરાંગનાઓની કથા પણ વાંચી, સાંભળી. ૧૯૨૮માં શાળાનું શિક્ષણ પૂરું કરીને ૧૯૨૯માં ઢાકાની એડન કોલેજમાં પ્રવેશ લીધો.
કોલેજમાં પ્રીતિલતાની દેશભક્તિની ભાવનાને પાંખો મળી. લીલા નાગના નેતૃત્વ હેઠળના ‘સ્ત્રી સંઘ’માં ક્રાંતિકારી યુવતીઓના ગુપ્ત સંગઠન ‘દીપાલી સંઘ’માં એ જોડાઈ. ભણવામાં પણ એ તેજસ્વી હતી. ઇન્ટરમીડિયેટ બોર્ડ પરીક્ષામાં એ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. કોલકાતાની બેથુન કોલેજમાં દાખલ થઈ. બે વર્ષ પછી, ડિસ્ટિન્ક્શન સાથે ફિલોસોફીના વિષય સાથે સ્નાતક થઈ. જોકે એની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પગલે કલકત્તા યુનિવર્સિટીએ એની ડિગ્રી જપ્ત કરી લીધી.
પ્રીતિલતા ચિત્તગોંગ પાછી ફરી. સ્થાનિક નંદકરણ અપર્ણચરણ ક્ધયાશાળાની આચાર્યા તરીકેની નોકરી શરૂ કરી. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ… પ્રીતિલતા એવી જ શિક્ષિકા હતી. બન્યું એવું કે પ્રીતિલતાને એ સમયના પ્રખ્યાત ક્રાંતિકારી નેતા, માસ્ટરદા તરીકે જાણીતા માસ્ટર સૂર્યસેન અને નિર્મલ સેનને જુગાંતર જૂથની ઢાલઘાટ છાવણીમાં મળવાનો મોકો મળ્યો. આ મુલાકાતને પગલે પ્રીતિલતાને દોડવું’તું ને ઢાળ મળ્યો. એની પાંખોને ઊંચી ઉડાન ભરવા ખુલ્લું આકાશ મળ્યું. જોકે બિનોદ બિહારી ચૌધરી નામના સભ્યએ પ્રીતિલતા ઇન્ડિયન રિપબ્લિકન આર્મીમાં જોડાય એનો વિરોધ કર્યો, પણ સૂર્યસેને એની પસંદગી કરી, કારણ કે પોલીસની બાજ નજર ક્રાંતિકારી પુરુષો પર રહેતી, એથી શસ્ત્રોની હેરાફેરી કરવામાં એક સ્ત્રી તરીકે પ્રીતિલતા પર કોઈ ઝાઝો સંદેહ કરે એવી શક્યતા નહોતી. જોકે પ્રીતિલતાએ ઝડપથી પુરવાર કરી દીધું કે પોતે અન્ય ક્રાંતિકારીઓની હરોળમાં બિરાજી શકે એવી સક્ષમ છે. પોતે પણ યોજના ઘડી શકે છે અને હુમલાઓનું નેતૃત્વ કરવા પણ સમર્થ છે! આ આત્મવિશ્ર્વાસ માટે એની પ્રેરણામૂર્તિ સૂર્યસેન બન્યા.
માસ્ટર સૂર્યસેન ઉપરાંત ક્રાંતિકારી રામકૃષ્ણ બિશ્ર્વાસ પણ પ્રીતિલતાના પ્રેરણાસ્રોત હતા. રામકૃષ્ણને ચિત્તગોંગના પોલીસ જનરલ ઇન્સ્પેક્ટર ક્રેગને ઠેકાણે ભૂલથી રેલવે અધિકારી તારિણી મુખર્જીની હત્યાના આરોપસર અલીપુર સેન્ટ્રલ જેલમાં બંદી બનાવાયેલા. રામકૃષ્ણનું કુટુંબ અલીપુર જેલમાં જઈને એમને મળી શકે એમ નહોતું. એ વખતે પ્રીતિલતા કલકત્તામાં હતી. એ રામકૃષ્ણની બહેન બનીને જેલમાં એમને મળી. અદાલતી કાર્યવાહી પછી રામકૃષ્ણને ફાંસીએ ચડાવી દેવાયા. એમની શહીદીને પગલે પ્રીતિલતા બમણા ઝનૂનથી માસ્ટરદા સાથે ક્રાંતિમાં પરોવાઈ.
માસ્ટરદાની આગેવાનીમાં કાર્યરત પ્રીતિલતાનું કામ માત્ર શસ્ત્રોની હેરફેર પૂરતું સીમિત નહોતું. બંગાળના અન્ય ક્રાંતિકારીઓની જેમ તેણે માર્શલ આર્ટ્સની તાલીમ લીધેલી. લાઠી ખેલમાં નિપુણ હતી અને બંદૂકબાજીમાં નિષ્ણાત. ક્ધયાઓને હથિયાર ઉઠાવીને બ્રિટિશરો વિરુદ્ધ લડવા માટે તૈયાર કરતી. પ્રીતિલતા દારૂગોળો અને વિસ્ફોટકો પહોંચાડવાનું કામ કરતી તથા રાષ્ટ્રીય ચોપાનિયાં લખતી. પરિણામે ૨૧ વર્ષની થતાં સુધીમાં તો બંગાળની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં એનું નામ ચમકવા લાગ્યું.
સૂર્યસેનના નેતૃત્વમાં કામ કરતી પ્રીતિલતા ખુદ આગેવાની લેતી થઈ ગઈ. ૧૯૩૦માં સૂર્યસેન અને પ્રીતિલતાના નેતૃત્વમાં સાઠ જણની ટુકડી ચિત્તગોંગના બે શસ્ત્રાગાર કબજે કરવા નીકળી પડેલી. જોકે એમાં નિષ્ફળતા મળી, પણ ટેલિફોન અને ટેલિગ્રામના વાયરો કાપીને કલકત્તા સાથેનું જોડાણ તોડવામાં સફળતા મળી. ક્રાંતિકારીઓએ રેલવે નેટવર્કમાં ભંગાણ કર્યું અને રિઝર્વ પોલીસ લાઈન પણ કબજે કરી લીધી.
હવે યુરોપિયન ક્લબનો વારો હતો. પહાડની તળેટીમાં આવેલી આ ક્લબ ભારતીયો પર બ્રિટિશરોના વર્ચસ્વનું મહિમામંડન કરવા ઉપરાંત વસાહતવાદ અને જાતિવાદનું પ્રતીક હતી. ક્લબના દરવાજે પાટિયું લટકાવવામાં આવેલું, જેમાં લખાણ હતું કે ‘કૂતરાઓ અને ભારતીયોને પ્રવેશ નથી.’ ક્રાંતિકારીઓને આ લખાણ અત્યંત અપમાનજનક લાગ્યું. તેમણે પ્રતિકારરૂપે ક્લબ પર હુમલો કરવાની યોજના ઘડી. માસ્ટરદાએ આ મિશન પાર પાડવા પ્રીતિલતાને નેતૃત્વ સોંપ્યું.
૨૩ સપ્ટેમ્બર ૧૯૩૨… યુરોપિયન ક્લબ પર હુમલો કરવાનો દિવસ. મિશન પર જઈ રહેલા સહુ ક્રાંતિકારીઓને પોટેશિયમ સાઈનાઈડની ગોળીઓ આપવામાં આવી. દુશ્મનના હાથમાં પડવા કરતાં મૃત્યુને ભેટવું સારું, એવી સમજ સાથે ક્રાંતિકારીઓ યોજનાને પાર પાડવા નીકળી પડ્યા. પ્રીતિલતાએ પંજાબી પુરુષનો વેશ ધારણ કરેલો. તેના સાથીઓએ શર્ટ સાથે ધોતી અથવા લુંગી પહેરેલી. રાત્રે પોણાદસે સહુ ક્લબ પહોંચી ગયા. ક્લબમાં ચાલીસેક લોકો નાચગાનની મજા માણી રહેલા. પ્રીતિલતાએ ક્લબની ખુલ્લી બારીમાંથી બોમ્બ અંદર નાખીને હુમલો કર્યો. બોમ્બ ફાટ્યો
અને ક્લબમાં ચીસાચીસ થઈ ગઈ. એક સ્ત્રી મૃત્યુ પામી, સાત સ્ત્રીઓ અને ચાર પુરુષો ઘાયલ થયાં.
યુરોપિયન ક્લબમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પાસે રિવોલ્વરો હતી. તેમણે હુમલાનો વળતો જવાબ આપ્યો. અંધાધૂંધ ગોળીબાર કર્યો. પ્રીતિલતાને એક ગોળી વાગી. તે જખમી થઈ, એથી સહેલાઈથી પોલીસના હાથે પકડાઈ જાય તેમ હતું, પણ ઘાયલ તોય સિંહણ જેવી પ્રીતિલતા સાઈનાઈડની ગોળી ગળી ગઈ ને શહાદત વહોરી. તેના પોસ્ટમોર્ટમ અહેવાલમાં રિવોલ્વરની ગોળી નહીં, બલકે સાઈનાઈડની ગોળી મરણનું કારણ હોવાનું જણાવાયું. પ્રીતિલતાના મૃતદેહની તપાસમાં પોલીસને થોડાંક ચોપાનિયાં, રામકૃષ્ણ બિશ્ર્વાસની તસવીર, બંદૂકની ગોળીઓ, વ્હિસલ-સિસોટી અને હુમલાની રૂપરેખા દર્શાવતો નકશો મળી આવ્યાં. સાથે એક પત્ર મળ્યો. એમાં લખેલું કે ‘ચટગાંવ શસ્ત્રાગાર કાંડ પછી જે માર્ગ અપનાવવામાં આવશે, તે ભાવિ વિદ્રોહનું પ્રાથમિક સ્વરૂપ હશે. ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળતાં સુધી આ સંઘર્ષ જારી રહેશે.’
પ્રીતિલતાનું મૃત્યુ થયું, પણ બંગાળની પ્રજાના હૃદયમાં જીવિત છે. ચિત્તગોંગના એક રસ્તાનું નામકરણ પ્રીતિલતાને નામે કરાયું છે. યુરોપિયન ક્લબને અડીને પ્રીતિલતાની કાંસ્ય પ્રતિમા ૧૯૨૦માં ઊભી કરવામાં આવી છે. પ્રીતિલતાના યોગદાનને બિરદાવવા ‘ખેલેં હમ જી જાન સે’ નામનું હિંદી ચિત્રપટ પણ બનાવાયું.
દેશની આઝાદીને કાજે પ્રીતિલતા જી જાનથી ખેલી, એ નિર્વિવાદ સત્ય છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.