વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખી દુનિયામાં ભારતના નામનો ડંકો વગાડ્યો છે અને આ જ કારણ છે કે મહાસત્તા ગણાતું અમેરીકા પણ હવે ભારતની પ્રસંશા કરતું થઈ ગયું છે. વાત કરીએ અન્ય દેશોની તો આગામી 1-2 અઠવાડિયામાં દુનિયાના 3 મોટા નેતા ભારતની મુલાકાતે આવવાના છે. આવો જોઈએ કયા છે આ ત્રણ દેશના દિગ્ગજ નેતાઓ અને ક્યારે તેઓ ભરતની મુલાકાતે આવવાના છે. સૌથી પહેલાં તો આ અઠવાડિયાની અંતમા જ એટલે કે 25-26મી ફેબ્રુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારત આવશે, ત્યાર બાદ 2જી માર્ચે ઈટલીના નવા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ભારતનો પ્રવાસ કરશે અને એમના પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ 8 માર્ચે પોતાના પહેલા ભારત પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચશે.
ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળ્યા પછી સ્કોલ્ઝની આ પહેલી ભારત યાત્રા છે અને આ મુલાકાતમાં તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જેમાં તે પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી બે વખત જર્મનીનો પ્રવાસ કરી ચૂક્યા છે. આથી ઓલાફે ભારત આવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અનેક મુદ્દા પર તેમની સાથે વાતચીત કરશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ત્યાર બાદ ઈટલીના નવા ચૂંટાયેલા વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની બીજી માર્ચે નવી દિલ્હી આવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વડા પ્રધાનપદ સંભાળ્યા પછી મેલોનીનો આ પહેલો ભારતનો પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન મેલોની પીએમ મોદી સાથે મુલાકાત કરશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે બંને દેશ વેપાર અને સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરવા ઉપરાંત આતંકવાદ સામે લડાઈ સહિત પોતાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા વિચારણા કરશે.
અંતમાં માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવશે. 8મી માર્ચે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ પોતાના પહેલા ભારત પ્રવાસે આવશે. જેમાં તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. ગયા વર્ષના અંતમાં ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી જી-20 સમિટમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને પોતાની ભારત યાત્રાની જાહેરાત કરતાં કહ્યું હતું કે હું માર્ચ મહિનામાં ભારતના પ્રવાસે આવીશ. અમે લોકો એક બિઝનેસ પ્રતિનિધિ મંડળની સાથે ભારત આવીશું. આ એક મહત્વપૂર્ણ વિઝીટ હશે અને એને કારણે બે દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે.
G-20ના વિદેશ મંત્રીઓની બેઠક
આ રાષ્ટ્રાધ્યક્ષો સિવાય ભારતની અધ્યક્ષતામાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓની એક બેઠક પણ 1-2 માર્ચે દિલ્લીમાં યોજાશે, જેમાં રશિયા, અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત જી-20ના સભ્ય દેશોના વિદેશ ખાતાના પ્રધાનો ભાગ લેશે અને ભારતની અધ્યક્ષતામાં જી-20 સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.