રાષ્ટ્રપતિની આજે ચૂંટણી: દ્રૌપદી મુર્મૂ નિશ્ર્ચિત

દેશ વિદેશ

નવી દિલ્હી: દેશના પંદરમા રાષ્ટ્રપતિની સોમવારે યોજાનારી ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલ્લું ભારે છે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા માટે વિજય મેળવવો લગભગ અશક્ય છે.
એનડીએ ઉપરાંત શિવસેનાના બન્ને જૂથ, બિજુ જનતા દળ (બીજદ) સહિત અનેક રાજકીય પક્ષે દ્રૌપદી મુર્મૂને ટેકો જાહેર કર્યો છે. ૨૧ જુલાઈએ મતપેટીઓ ખોલીને મતગણતરી કરવામાં આવશે. પચીસમી જુલાઈએ દેશના વડા ન્યાયમૂર્તિ નવા રાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે.
સંસદ અને વિધાનસભાઓમાં ચૂંટાયેલા સભ્યો મતદાન કરશે, જ્યારે નિયુક્ત કરવામાં આવેલા સભ્યો મતદાન નહીં કરી શકે. દરેક રાજ્યોના વિધાનસભ્યોના મતના મૂલ્ય તે રાજ્યની વસતિ, વિધાનસભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય છે. દરેક મતદાર તેના સિંગલ ટ્રાન્સફરેબલ વોટમાં પ્રેફરન્સમાં પસંદગી અનુસાર ઉમેદવારોના ક્રમ આપી શકશે. મતપદ્ધતિને ધ્યાનમાં રાખતાં મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વપરાશ અનુકૂળ જણાયો નથી. તેથી મતપત્રકોમાં પસંદગી દર્શાવીને મતપેટીમાં નાખવાની રીત અપનાવવામાં આવી છે.
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના લોકપ્રતિનિધિઓ તથા અન્ય પક્ષોના સમર્થનને ધ્યાનમાં રાખતા દ્રૌપદી મુર્મૂનો વિજય મહદંશે નિશ્ર્ચિત છે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા માટે વિજય
મેળવવો લગભગ અશક્ય છે. એનડીએ ઉપરાંત શિવસેનાના બન્ને જૂથ, બિજુ જનતા દળ, વાયએસઆર કૉંગ્રેસ, બહુજન સમાજ પક્ષ, ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમ (એઆઈએડીએમકે), તેલુગુ દેશમ, જનતા દળ (એસ), શિરોમણિ અકાલી દળ અને ઝારખંડ મુક્તિ મોરચા જેવા પ્રાદેશિક પક્ષોએ દ્રૌપદી મુર્મૂને ટેકો જાહેર કર્યો છે. તેથી બે તૃતીયાંશ અથવા ૬૦ ટકા મત દ્રૌપદી મુર્મૂને પ્રાપ્ત થવાની અપેક્ષા છે. સંસદસભ્યો અને વિવિધ રાજ્યોના વિધાનસભ્યોના મતોના નિર્ધારિત મૂલ્યની ગણતરી અનુસાર કુલ ૧૦,૮૬,૪૩૧ મતોમાંથી ૬.૬૭ લાખ મતો એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ફાળે જવાની ધારણા છે. રાષ્ટ્રના સર્વોચ્ચ બંધારણીય પદે બિરાજમાન થનારાં આદિવાસી સમુદાયનાં પ્રથમ મહિલા બનવાનું માન દ્રૌપદી મુર્મૂને ફાળે જવાનું નિશ્ર્ચિત મનાય છે.
આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે લોકપ્રતિનિધિઓ મતદાન કરશે. આ ચૂંટણીમાં ૪૮૦૦ ચૂંટાયેલા સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરશે. સંસદભવન તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનભવનોમાં મતદાન યોજાશે. મતપેટીઓ તથા વિશિષ્ટ પ્રકારની શાહી જેવી મતદાન માટેની સામગ્રી સંસદભવન તેમ જ વિધાનભવનોમાં પહોંચી ગઈ છે.
સોમવારે દેશના પંદરમા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન માટે સંસદસભ્યો અને વિધાનસભ્યો સજ્જ થયા છે, ત્યારે કેટલીક આંકડાકીય માહિતી મહત્ત્વપૂર્ણ ગણાય છે. વિવિધ રાજ્યોના અને વિવિધ સ્તરના લોકપ્રતિનિધિઓના મતોનું મૂલ્ય ઓછું વત્તું છે. ઉત્તર પ્રદેશના વિધાનસભ્યોના મતોનું મૂલ્ય સૌથી વધારે અને સિક્કિમના વિધાનસભ્યોના મતોનું મૂલ્ય સૌથી ઓછું છે. વર્ષ ૧૯૭૧ની વસતિ ગણતરી પ્રમાણે રાજ્યની કુલ જનસંખ્યાને આધારે તેના પ્રત્યેક વિધાનસભ્યની વોટ વેલ્યૂ નક્કી થાય છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા નહીં હોવાથી પ્રત્યેક સંસદસભ્યના મતનું મૂલ્ય ૭૦૮થી ઘટાડીને ૭૦૦ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ૪૦૩ વિધાનસભ્યોમાં દરેકના વોટની વેલ્યૂ ૨૦૮ હોવાથી ક્યુમ્યુલેટિવ વેલ્યૂ ૮૩,૮૨૪ થાય છે.
તમિળનાડુ અને ઝારખંડના દરેક વિધાનસભ્યના વોટની વેલ્યૂ ૧૭૬, મહારાષ્ટ્રના પ્રત્યેક વિધાનસભ્યના વોટની વેલ્યૂ ૧૭૫, બિહારના પ્રત્યેક વિધાનસભ્યના વોટની વેલ્યૂ ૧૭૩ અને આંધ્ર પ્રદેશના દરેક વિધાનસભ્યના વોટની વેલ્યૂ ૧૫૯ છે. તમિળનાડુ વિધાનસભામાં ૨૩૪ સભ્યો હોવાથી તેની ક્યુમ્યુલેટિવ
વોટ વેલ્યૂ ૪૧,૧૮૪ અને ઝારખંડ વિધાનસભામાં ૮૧ સભ્યો હોવાથી તેની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૧૪,૨૫૬ થાય છે. ૨૮૮ સભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૫૦,૪૦૦, ૨૪૩ સભ્યો ધરાવતી બિહાર વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૪૨,૦૩૯ અને ૧૭૫ સભ્યો ધરાવતી આંધ્ર પ્રદેશ વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૨૭,૮૨૫ છે.
નાના રાજ્યોમાં સિક્કિમના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૭, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૮, નાગાલૅન્ડના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૯, મેઘાલયના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૧૭, મણિપુરના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૧૮, ગોવાના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૨૦ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીના પ્રત્યેક વિધાનસભ્યના મતનું મૂલ્ય ૧૬ છે. સિક્કિમ વિધાનસભામાં ૭૨ સભ્યો હોવાથી તેની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૨૨૪, ૪૦ સભ્યોની મિઝોરમ વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૩૨૦, ૬૦ સભ્યોની અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૪૮૦, ૬૦ સભ્યોની નાગાલૅન્ડ વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૫૪૦, ૬૦ સભ્યોની મેઘાલય વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૧૦૨૦, ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૧૦૮૦ અને ૪૦ સભ્યોની ગોવા વિધાનસભાની ક્યુમ્યુલેટિવ વોટ વેલ્યૂ ૮૦૦ છે.
દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિપદે નીલમ સંજીવ રેડ્ડી બિનહરીફ ચૂંટાયા હતા. વર્ષ ૧૯૭૭મા પાંચમા રાષ્ટ્રપતિ ફખરૂદ્દિન અલી અહમદના અવસાન પછી યોજાયેલી ચૂંટણીમાં રેડ્ડી નિર્વિરોધ ચૂંટાયા હતા. વર્ષ ૧૯૭૫ની પચીસમી જૂને જાહેર કરવામાં આવેલી કટોકટીનો બે વર્ષનો સમયગાળો વર્ષ ૧૯૭૭ની ૨૧ માર્ચે પૂર્ણ થયા પછી ઉપરાષ્ટ્રપતિ બારસપ્પા દારપ્પા જત્તીએ થોડા મહિના કાર્યવાહક રાષ્ટ્રપતિની કામગીરી સંભાળ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાનારા એકમાત્ર નીલમ સંજીવ રેડ્ડી હતા. અગાઉ વર્ષ ૧૯૬૯માં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રેડ્ડી વરાહગિરિ વ્યંકટગિરિ સામે હારી ગયા હતા. એ વખતે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસ પક્ષમાં તેમના વિરોધીઓને પરાસ્ત કરવાના ઇરાદે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ‘આત્માના અવાજ’ મુજબ મતદાન કરવાની હાકલ કરી હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.