રાષ્ટ્રપતિ ચૂંટણી 2022: શિવસેના દ્રૌપદી મુર્મુનું સમર્થન કરશે, રાઉતે આપ્યા સંકેત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પક્ષના સભ્યોના મોટા બળવા બાદ શિવસેના નરમ પડવાના સંકેતો છે. તે હવે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકે છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. આ સંકેત આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે  આ નિર્ણયનું કારણ આપ્યું છે.
રાઉતે કહ્યું કે સોમવારે અમે શિવસેનાની બેઠકમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના મુદ્દા પર ચર્ચા કરી. મુર્મુને સમર્થન આપવાનો અર્થ એ નથી કે અમે ભાજપને સમર્થન આપીએ છીએ. અમે આદિવાસી નેતાના નામે દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકીએ છીએ. અમે ભૂતકાળમાં પણ આવા નિર્ણયો લેતા આવ્યા છીએ. શિવસેના કોને સમર્થન આપશે તે એક-બે દિવસમાં સ્પષ્ટ થશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ અંગે નિર્ણય લેશે.
રાઉતે વધુમાં કહ્યું કે વિપક્ષ ટકી રહેવો જોઈએ. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા પ્રત્યે પણ અમારી સદ્ભાવના છે. ભૂતકાળમાં અમે રાષ્ટ્રપતિ પદ માટે પ્રતિભા પાટિલને ટેકો આપ્યો હતો. તે એનડીએના ઉમેદવાર ન હતા. અમે પ્રણવ મુખર્જીને પણ સમર્થન આપ્યું હતું. રાઉતે કહ્યું કે શિવસેના કોઈપણ દબાણમાં નિર્ણય લેતી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણીના મુદ્દે યોજાયેલી બેઠકમાં શિવસેનાના ઘણા સાંસદોએ મુર્મુના સમર્થનની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં સંજય રાઉત કથિત રીતે અલગ પડી ગયા હતા. તેમણે શિવસેના દ્વારા સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાની અપીલ કરી હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મોટાભાગના સાંસદોના અભિપ્રાય સાથે સહમત થઈને મુર્મુના સમર્થનની જાહેરાત કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે.
મુર્મુને શિવસેનાના સંભવિત સમર્થન પર પ્રતિક્રિયા આપતા, ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું, “અમે તેનું દિલથી સ્વાગત કરીશું.”
દરમિયાન, મુર્મુ અને સિંહા બંને રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર માટે આ અઠવાડિયે મુંબઈમાં હોવાની અપેક્ષા છે અને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓને મળવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.