રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે અને ભારત સરકાર વતી શોક વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે 17-19 સપ્ટેમ્બરના રોજ લંડનની મુલાકાત લેશે.
યુકેના ભૂતપૂર્વ વડા અને કોમનવેલ્થ ઑફ નેશન્સના વડા રાણી એલિઝાબેથ દ્વિતીયનું આઠ સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા.
રાણી એલિઝાબેથની શબપેટીને મંગળવારે બંકિગહામ પેલેસ ખાતે લાવવામાં આવી હતી. તે સમયે હજારો લોકોની ભીડ શેરીઓમાં ઉમટી હતી. માતાના મત્યુ બાદ ગાદીવારસ બનેલા ચાર્લ્સ, તેમના ત્રણ ભાઇ-બહેન, બે પુત્ર વિલિયમ અને હેરી અને પરિવારના અન્ય સભ્યોને રાણીની શબપેટી સોંપવામાં આવી હતી.
આ શબપેટીને વેસ્ટમિનિસ્ટર હૉલમાં ભવ્ય લશ્કરી સરઘસના ભાગરૂપે લઇ જવામાં આવશે અને લોકોને શ્રદ્ધાંજલિ આપવા રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે લંડનના વેસ્ટમિનિસ્ટર એબી ખાતે કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારમાં અમેરિકન પ્રમુખ જો બાઇડેન સહિત વિશ્વના ઘણા નેતાઓ હાજરી આપશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.