ગુપ્તચર ખાતાનો હવાલો આપીને નાના પટોલેએ વધુ એક વાર ભાજપને ટાર્ગેટ કર્યો
મુંબઈ: અમરાવતી ચૂંટણીમાં રૂ. ૫૦ કરોડ આપીને પરિણામ ફેરવવાનો ભાજપનો કારસો હતો, પણ મેં કમિશનરને સંકેત આપ્યો અને પારોઠનાં પગલાં ભરાયાં, એવી સનસનાટીભર્યો રહસ્યોસ્ફોટ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કર્યો હતો. જોકે આ રકમ રૂ. ૧૦૦ કરોડ સુધી જવાની હોવાનું પણ સાંભળવા મળ્યું હતું, એવું પણ નાના પટોલેએ જણાવ્યું હતું. મુંબઈમાં ચાલી રહેલી કોંગ્રેસના નેતાઓની પરિષદમાં તેમણે આવો દાવો કર્યો હતો. હાલમાં જ અમરાવતી વિધાનપરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના ધીરજ લિંગાડેએ વિજય હાંસલ કર્યો હતો.
અમરાવતીના પરિણામમાં જંગી ફેરફાર કરવાની તૈયારી કરી રહેલા ભાજપની હિલચાલની વાત મને ગુપ્તચર ખાતા દ્વારા પ્રાપ્ત થઇ હોવાનું નાના પટોલેએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમરાવતીમાં એમવીએના ધીરજ લિંગાડેએ સૌથી વધુ મત મેળવ્યા હતા, પણ તેમને વિજયી જાહેર કરવામાં નહોતા આવી
રહ્યા. તેમની મતગણતરી ૩૦ કલાક સુધી ચાલી હતી. એ સમયે મને ગુપ્તચર ખાતામાંથી ફોન આવ્યો હતો. ગુપ્તચર ખાતાએ એવું કહ્યું હતું કે અમરાવતીનું પરિણામ બદલાવવાની તૈયારી ચાલી રહી છે અને એ માટે રૂ. ૫૦ કરોડની લેવડદેવડ કરવામાં આવી રહી છે. આ રકમ રૂ. ૧૦૦ કરોડ સુધી પણ જઇ શકે છે, એવી માહિતી મને મળતાં હું હલબલી ગયો હતો અને મને આખી રાત નીંદર નહોતી આવી.
જોકે ગુપ્તચર ખાતામાંથી ફોન આવ્યા બાદ મેં તાબડતોબ આ અંગેની જાણ કમિશનરને કરી હતી. આખી રાત ઊંઘ ન આવી અને મેં ધીરજ લિંગાડેને પણ આ બાબતની માહિતી આપી હતી. જોકે છેવટે ધીરજ લિંગાડે જ વિજયી થતાં અમે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
અમરાવતી ડિગ્રી મતદારસંઘ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે હવે અહીં કોંગ્રેસના માધ્યમથી એમવીએ પોતાનો ધ્વજ લહેરાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર ધીરજ લિંગાડેએ ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન ડો. રણજિત પાટીલને હરાવ્યા હતા.