રાહુલ ગાંધીએ તાજેતરમાં લંડનમાં ભારતના લોકતંત્ર અંગે નિવેદન આપ્યું હતું. જેને લઈને ભાજપ તેમને સતત ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ કરી રહી છે. દરમિયાન ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરી છે.
સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવી જોઈએ. બીજેપી સાંસદે કહ્યું કે આગાઉ પણ આવું થઇ ચુક્યું છે 2005માં પ્રશ્નોના બદલામાં પૈસા લેવાના મામલે એક વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સ્પેશિયલ કમિટીએ સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાને કારણે 11 સભ્યોની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ યુરોપ-અમેરિકામાં સંસદ અને દેશની ગરિમાને સતત કલંકિત કરી છે. એટલા માટે તેમને સંસદમાંથી હટાવવાનો સમય આવી ગયો છે. દરમિયાન, ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે સંસદ ભવનમાં આઠ વરિષ્ઠ પ્રધાનોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં રાહુલ સામેના મુદ્દાને આગળ લઈ જવાની ચર્ચા થઈ હતી.
વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે “તેઓ સંસદમાં ભાજપના આરોપોનો જવાબ આપવા માંગે છે, પરંતુ તેમને નથી લાગતું કે તેમને ગૃહમાં બોલવા દેવામાં આવશે. ચાર મંત્રીઓ તરફથી સંસદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે, તેથી તેનો જવાબ આપવાનો મારો લોકશાહી અધિકાર છે. જો ભારતની લોકશાહી કામ કરી રહી છે, તો હું સંસદમાં મારી વાત કહી શકીશ.”