મુંબઈઃ શિવસેનાનું ચિહ્ન અને પક્ષ બંને ગુમાવી દીધા બાદ હવે ઉદ્ધવ ઠાકરેએ આજે માતોશ્રી પર શિવસૈનિકોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચોર લોકોને ચૂંટણીમાં એનો રસ્તો દેખાડ્યા વિના શાંત નહીં બેસીશું. તેથી આજથી જ ચૂંટણીની તૈયારીઓ કરવાનું શરૂ કરી દો, એવું તેમણે હાજર જનસમુદાયને સંબોધીને જણાવ્યું હતું.
આગળ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હવે આગળ ચોર બજારના માલિકને અને ચોરને ચૂંટણીમાં મજા ચખાડ્યા વિના શાંત બેસીશું નહીં. આ યોગાનુયોગ નથી. આજે મહાશિવરાત્રિ પણ છે અને આજે શિવજયંતિ પણ છે. જાણે આ જ દિવસોનું મૂહુર્ત જોઈને શિવસેનાનું નામ અને ચિહ્ન ચોરવામાં આવ્યું છે. પરંતુ જેમણે આ ચોર્યું છે એમને ખ્યાલ નથી કે તેમણે મધમાખીઓના મધપૂડા પર પથ્થરો માર્યો છે. આજ સુધી તેમણે માત્ર મધમાખીઓએ ભેગા કરેલાં મધનો સ્વાદ જ ચાખ્યો છે, પણ તેમને મધમાખીને ડંખનો અહેસાસ નથી. હવે આ ડંખ મારવાનો સમય આવી ગયો છે.
એટલું જ નહીં ઉદ્ધવે તો એવું પણ કહ્યું હતું કે જે રીતે ચોર લોકોને આ શિવસેનાનું નામ અને ચિહ્ન આપવામાં આવ્યું છે, જે રીતે આ આખું ષડયંત્ર રતાયું છે તે જોતા કદાચ એવું લાગી રહ્યું છે કે આ લોકો મશાલ ચિહ્ન પણ છીનવી લેશે.
આ આપણી પરીક્ષા છે, લડાઈ પૂરી નથી થઈ પણ હવે શરૂ થઈ છે. મારા હાથમાં હવે કંઈ જ નથી. હું તમને કંઈ પણ નહીં થવા દઉં. આ લોકોએ શિવસૈનિકોનો સંયમ જોયો છે, પણ તેમનો સંયમનો બાંધ તોડશો નહીં અને હવે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દો, એવો ઈશારો પણ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો.