ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક મેળવીને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપમાં પ્રધાન મંડળ અંગે કવાયત શરુ થઇ ગઈ છે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપી દીધું છે અને હાલના પ્રધાનમંડળનું વિસર્જન થયું છે. નવી સરકાર વતી સોમવારે 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. એ સાથે જ નવા પ્રધાન મંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરશે.
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી સમારોહ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને ભાજપ સષિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
શપથગ્રહણ સમારોહ પહેલા નવી સરકારના પ્રધાનમંડળમાં કોનો કોનો સમાવેશ થશે એ અંગે તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ મંત્રી મંડળમાં 12 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. હર્ષ સંઘવીનું પ્રધાન પદ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તેમને ફરીથી ગૃહ વિભાગ ફાળવવામાં આવે એવી શક્યતા છે. શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને પ્રધાન પદ ફાળવવામાં આવે એવી ચર્ચા છે. નવા ચૂંટાયેલા યુવા નેતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પ્રધાનપદ મળી શકે છે. ત્યારે અમદવાદના વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મનીષાબેન વકીલ, અક્ષય પટેલ, દર્શના વસાવા, ડી.કે. સ્વામી, મુકેશ પટેલ, ગણપત વસાવા, સંગીતા પાટીલ, વિનુભાઈ મોરડીયા, વિજય પટેલ, જીતુભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ અથવા નરેશ પટેલને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું : કેબિનેટનું વિસર્જન, નવી કેબિનેટમાં કોને મળશે સ્થાન?
RELATED ARTICLES