નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં બુધવારે જણાવ્યું હતું કે દેશમાં હવે સિક્સ-જી શરૂ કરવાની તૈયારીઓ જોર પકડી રહી છે. દેશમાં સિક્સ-જી શરૂ કરતા હજુ થોડા વર્ષો લાગશે, પણ તેની રૂપરેખા ઘડાઈ ગઈ છે. મોદીએ ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઈટીયુ) એરિયા ઑફિસ ઍન્ડ ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ ભારત સિક્સ-જી વિઝન ડોક્યૂમેન્ટ્સનું અનાવરણ અને સિક્સ-જી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ટૅસ્ટ બૅડનું લૉન્ચિંગ કર્યું હતું.
વડા પ્રધાને ‘કૉલ બીફોર યુ ડિગ’ મોબાઈલ ઍપ પણ લૉન્ચ કરી હતી.
ભારત ટેલિકોમ ટૅક્નોલૉજીનો માત્ર વપરાશકર્તા દેશ રહેવાને બદલે ઝડપથી આ ટૅક્નોલૉજીનો નિકાસકર્તા દેશ બની રહ્યો છે, એમ મોદીએ કહ્યું હતું.
માત્ર ૧૨૦ દિવસના સમયગાળામાં દેશના ૧૨૫ શહેરમાં ફાઈવ-જી સેવા શરૂ કરવામાં આવી હતી, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં ઈન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા પચીસ કરોડ હતી જે હવે વધીને ૮૫ કરોડ થઈ ગઈ છે.
દેશના શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારમાં ઈન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે, એમ તેમણે કહ્યું હતું. ભારતનું ટેલિકોમ અને ડિજિટલ મૉડેલ સરળ, સુરક્ષિત, પારદર્શક અને વિશ્ર્વસનીય હોવાનું તેમણે કહ્યું હતું.
આ દાયકો ભારતની ટૅક્નોલૉજીનો છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં ખાનગી ક્ષેત્ર અને સરકારે મળીને દેશમાં પચીસ લાખ કિ.મી. કરતાં પણ વધુ ફાઈબર ઑપ્ટિક કેબલ બિછાવ્યા છે.
ભારતમાં ડિજિટલ ટૅક્નોલૉજી હવે સામાન્ય બની ગઈ છે અને દરેક લોકો માટે તે સરળતાપૂર્વક ઉપલબ્ધ છે. જનધન, આધાર અને મોબાઈલ (જેએએમ)ની ટ્રીનિટી વિશ્ર્વ માટે અભ્યાસનો વિષય છે, એમ મોદીએ કહ્યું હતું. ૧૦૦ કરોડ કરતા પણ વધુ મોબાઈલધારકો સાથે ભારત વિશ્ર્વની સૌથી મોટી કનેક્ટેડ લોકશાહી છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી) ઉ