નવ મહિનાની ગર્ભવતી મહિલાને ટ્રકે કચડી, બાળક સુરક્ષિત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુપીના ફિરોઝાબાદમાં ભલભલાનું કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. એક સગર્ભા મહિલાનું દર્દનાક અકસ્માતમાં મોત થયું હતું. જોકે, આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, આ અકસ્માતમાં તેનું ગર્ભાશય ફાટી ગયું હતું. એમાંથી બાળકી બહાર રસ્તા પર પાંચેક ફૂટ દૂર જઇને પડી હતી. મહિલાના શરીરના ટૂકડેટૂકડાં થઇ ગયા પણ નવજાત બાળકીનો વાળ પણ વાંકો નહોતો થયો. બાળકીને સલામત રીતે જોઈને લોકોના આશ્ચર્યની કોઈ સીમા નહોતી રહી. હવે લોકો તેને મિરેકલ બેબી અથવા મિરેકલ બેબી કહીને સંબોધી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આગરા જિલ્લાના ઘનૌલામાં રહેતો રામુ બુધવારે પત્ની કામિની સાથે બાઈકથી સાસરે જતો હતો. કામિની નવ મહિનાની ગર્ભવતી હતી. તેને પિયરની ઘણી યાદ આવતી હતી, તેથી તેણે તેના પતિ પાસે પિયર લઇ જવાની જીદ પકડી અને કહ્યું કે, બાળક થયા પછી ચાર મહિના સુધી હું પિયર નહીં જઇ શકું. પત્નીની જીદ સામે નમતું જોખી રામુ કામિનીને લઇને બાઇક પર નીકળ્યો હતો. કામિનીનું પિયર તેના ઘરથી 40 કિમી દૂર છે.
રામુએ જણાવ્યું કે થોડે દૂર ગયા બાદ કામિનીએ ચા માટે કહ્યું. ‘અમે લોકોએ એક ઢાબા પર ચા પીધી અને આગળ વધ્યા. થોડે દૂર પહોંચ્યા ત્યાં પાછળથી આવી રહેલી ટ્રકે અમારી બાઇકને પાઠળથી ટક્કર મારી, જેના કારણે કામિની પડી ગઇ અને ટ્રકનું પૈડું કામિની પર ફરી વળ્યું હતું. તેના પેટનો આખો નીચેનો ભાગ કચડાઈ ગયો હતો અને બંને પગ અલગ થઈ ગયા હતા. કામિનીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.’ કામિનીના ગર્ભમાં રહેલી બાળકી રસ્તા પર દૂર જઇને પડી. પડવાને કારણે તેના પેટના અંદરના ભાગમાં થોડી ઇજા થઇ હતી. બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં હવે તે જોખમથી બહાર છે.
કામિનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના કાકાને પણ ભારે આઘાત લાગતા તેમનું મૃત્યુ થયું હતું. કામિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિજનોને સોંપવામાં આવ્યો છે. ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. ચાલકની શોધખોળ ચાલુ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.