(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેર પોલીસ તેમજ મનપા દ્વારા રથયાત્રા રૂટ પર સર્વે કરવામાં આવ્યો છે. શહેરમાં રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનોનો સર્વે કરાયો છે. સમગ્ર ૨૨ કિલોમીટરના રૂટમાં ૩૧૨ ભયજનક મકાનો નોંધવામાં આવ્યા છે. આવા ભયજનક મકાનોમાં રથયાત્રાના દિવસે લોકોને પ્રવેશ ન કરવા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૩૧૨ ભયજનક મકાનોમાં પોલીસ હાજર રાખવામાં આવશે તેવું તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ રથયાત્રા યોજાતી હોય છે અને રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ રહે છે. લોકો રસ્તાઓ ઉપર તેમજ મકાનોની છત, ગેલેરી સહિતના ભાગોમાં ઊભા રહી જગન્નાથજીના દર્શન અને સ્વાગત કરે છે, પરંતુ શહેરના રથયાત્રાના રૂટ ઉપર આવેલા કેટલાક મકાનો વધુ માણસોનો વજન ઝીલી શકે તેવા નથી. જેથી આવા મકાનોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જોખમી મકાનોની યાદી બનાવવામાં આવે છે. જેમાં સૌથી વધારે શહેરના ખાડિયા વિસ્તારમાં ૧૮૦ ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી હતી. તો દરિયાપુરમાં ૧૦૯, જમાલપુરમાં ૧૦, શાહીબાગમાં ૦૯ અને શાહપુરમાં ૦૪ મકાનો ભયજનક હોવાનું જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.