મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દરેકરે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે રાજ્યમાં અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે ગઠબંધન સરકાર તરફથી 48 કલાકમાં અંધાધુંધ રીતે 160થી વધુ સરકારી આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ સત્તાનો દુરુપયોગ છે. પ્રવીણ દરેકરે રાજ્યપાલને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. આ પત્રમાં પવિણ દરેકરે લખ્યું છે કે હું એક મત્વના મુદ્દે તમારું ધ્યાન દોરવા ઇચ્છુ છું. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં રાજકીય સ્થિતિ ખૂબ અસ્થિર થઇ ગઇ છે. શિવસેનામાં મોટાપાયે વિદ્રોહ અને એ પછી રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે તરફથી રાજીનામુ આપવાની જાહેરાત કરવામાં આવી. એમણે મુખ્યપ્રધાન આવાસ પણ ખાલી કરી દીધું છે. આ બધા વચ્ચે રાજ્ય સરકાર તરફથી અંધાધુંધ રીતે સરકારી આદેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. અગાઉ મહાવિકાસ આઘાડી તરફથી કયારેય આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં નિર્ણયો લેવામાં આવ્યા નથી. 160થી વધુ સરકારી આદેશ 48 કલાકમાં જાહેર કરવામાં આવ્યા. આ પ્રકારની વિકાસ યોજના સંદેહ પેદા કરે છે. અઢી વર્ષથી અસમંજસમાં પડેલી મહાવિકાસ આઘાડી સરકાર કરોડો રૂપિયા મંજૂર કરી રહી છે. એટલે આ ગંભીર અને સંદેહાત્મક સ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે તમે જાણો છો કે રાજ્યના ગૃહ પ્રધાનને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જવુ પડ્યું છે. મહારાષ્ટ્રના વ્યાપક હિત અને લોકોના હિતમાં આપણે આ ફંડના દુરુપયોગ પર રોક લગાવવા માટે તમારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઇએ.
સમયસર સમાચાર બદલ આભાર