હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 40 બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. શિમલામાં વિધાનસભ્ય દળની બેઠક પહેલા હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે ફરી એકવાર મુખ્યપ્રધાન પદ માટે દાવો રજૂ કર્યો છે. પ્રતિભા સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વીરભદ્ર સિંહના નામ અને કામ પર વોટ માંગવામાં આવ્યા છે. વીરભદ્ર સિંહના વિકાસ મોડલને લઈને લોકોએ કોંગ્રેસને સત્તામાં આપી છે. મુખ્યપ્રધાન પદની વિચારણા કરતી વખતે હાઈકમાન્ડ આ હકીકતને નજરઅંદાજ નહીં કરે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુમત મળ્યા બાદ શિમલાના રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. બેઠકમાં તમામ 40 વિજેતા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. વિધાનસભ્યોની પસંદગી બાદ મુખ્યપ્રધાનનું નામ હાઈકમાન્ડની મંજૂરી બાદ જ ફાઈનલ થશે.
વીરભદ્રસિંહ 6 ટર્મ અને 21 વર્ષ માટે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે રહી ચુક્યા છે વર્ષ 2021માં તેમની તબિયત ખરાબ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું. પ્રતિભા સિંહ તેમના પત્ની છે. તેઓ હિમાચલના મંડીમાંથી લોકસભાના સાંસદ છે. તેઓ આ વિધાનસભા ચૂંટણી લડ્યા નથી, જોકે તેમણે કોંગ્રેસ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. જો તેમને કોંગ્રેસના નવા સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમણે છ મહિનામાં કોઈ વિધાનસભાની બેઠક જીતવી પડશે.
હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસમાં હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ ઉપરાંત હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી આગળ ચાલી રહ્યા છે.