જાપાનીઝોની લાંબી આયુનું રહસ્ય શું છે?

102

પ્રાસંગિક – સોનલ કારિયા

જાપાનમાં અત્યારે વૃદ્ધોની સંખ્યા સૌથી વધારે છે એટલું જ નહીં ટાઈપ ટુ એટલે કે લાઇફસ્ટાઇલને કારણે થતા ડાયાબિટીઝ તેમ જ હૃદયરોગના દર્દીઓની સંખ્યા પણ પ્રમાણમાં ખૂબ ઓછી છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર વિશ્ર્વના કુલ ૧૯૫ દેશમાં જાપનીઝોની લાઇફસ્ટાઇલ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સૌથી વધુ સારી છે. તો ચાલો, જાણીએ કે જાપનીઝો એવું તે શું કરે છે કે તેઓ લાંબું અને સ્વસ્થ આયુષ્ય જીવી
રહ્યા છે.
જાપનીઝોના સ્વાસ્થ્યનું સૌથી મોટું કારણ તેમની પરંપરાગત જીવન પદ્ધતિ છે જેને જાપનીઝ ભાષામાં નગોમી કહે છે. જેનો અર્થ થાય છે સુસંવાદિત અને સંતુલિત જીવનશૈલી. જાપનીઝોના સ્વાસ્થ્યનું રહસ્ય આ નગોમી જીવનશૈલીમાં સમાયેલું છે.
આ જીવનશૈલીનું સૌથી મોટું પાસું ઇકિગાઈ વિચારધારા છે અર્થાત જીવન જીવવાનો હેતુ અથવા જેને કારણે જીવન સાર્થક બની શકે એવો જીવનનો હેતુ. જાપનીઝ લોકોમાં ઇકિગાઈ અંગે ખૂબ સજાગતા છે જેને કારણે તેમનું જીવન સુખી અને સાર્થક બને છે. જીવનનો એ હેતુ એટલે બાળકોને ધ્યાનપૂર્વક ઉછેરવા કે પછી કોઈ શોખમાં ઓતપ્રોત થવું જેવો કોઈ પણ હેતુ હોઈ શકે.
જાપનીઝ લોકોની જેમ જો લાંબી અને આરોગ્યપ્રદ જિંદગી ઇચ્છતા હો તો આ બાબતમાં તેમનું અનુકરણ કરવા જેવું છે એટલે કે જીવન જીવવાનો હેતુ શોધી કાઢો. તમારી ઇકિગાઈ કંઈ પણ હોઈ શકે. જેમ કે જરૂરિયાતમંદોની સેવા કરવાનો હેતુ પણ હોઈ શકે.
જાપનીઝ લોકોનો બીજો એક મંત્ર છે કે જરૂર પૂરતું
જ ખાવું. જાપાનના ઓકિનવા ટાપુ પરના ઘણાં બધા
લોકોને કોઈએ શતાયુ થવાના આશીર્વાદ ન આપ્યા હોય
તો પણ તેઓ સો વર્ષથી વધુ જીવે છે. આનું કારણ છે- હારા હાચી બૂ. આનો અર્થ થાય છે કે પેટ એશીં
ટકા ભરાઈ જાય એટલે ખાવાનું અટકાવી દો. તેઓ એવું માને છે કે જેટલી જરૂર હોય એના એંશી ટકા જેટલું જ ખાઓ તો તમારા કોષોની ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
આ અજમાવવા જેવું છે કારણ કે આ જ વાત આયુર્વેદ અને અન્ય શાસ્ત્રો પણ કહેતા આવ્યાં છે. જાપનીઝો કહે છે કે ખાવાનું જોઈને એના પર તૂટી ન પડો. તમારું પેટ ભરાઈ ગયું છે એની નોંધ લેતા મગજને વીસ મિનિટનો સમય
લાગે છે.
મતલબ કે તમે થાળીમાં વધુ પીરસો એ પહેલાં જરા થોભો. શક્ય છે કે તમને પોતાને જ ખ્યાલ આવશે કે પેટમાં વધુ ખોરાક માટે જગ્યા નથી અને તમે પોતે જ ખાવાનું અટકાવી દેશો.
કેઇઝન એ જાપનીઝ લોકોનો અન્ય એક મંત્ર છે. કેઇઝનનો અર્થ થાય છે કે સારો બદલાવ. જો કોઈ વ્યસન કે કોઈ આદત જે તમે બદલવા માગતા હો કે સારી આદત પાડવા માગતા હો તો કેઇઝન બહુ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ કેઈઝન મુજબ કોઈ પણ આદત બદલવા માટે નાનાં-નાનાં પગલાં લેવાં.
આપણે ઘણી વાર એકસાથે એકદમ ધરમૂળથી બધું બદલી નાખવા ધસી જઈએ છીએ. જેમ કે કોઈને સવારે મોડા ઊઠવાની આદત હોય અને તેને થાય કે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી જવું જોઈએ.
હવે જો નવ-દસ વાગ્યા સુધી સૂતી રહેતી વ્યક્તિ નક્કી કરે કે હું કાલથી ચાર વાગ્યે ઉઠવા માંડીશ તો શક્ય
છે કે તેનો આ સંકલ્પ એકાદ દિવસ પણ ન ટકે, પરંતુ
એને બદલે તે એકાદ અઠવાડિયું સાડા આઠ પછી
ધીમે-ધીમે સાત, પછી છ, પાંચ અને ચાર વાગ્યે ઊઠવાનું શરૂ કરે તો વહેલા ઉઠવાનો તેનો સંકલ્પ પૂરો થઈ શકે, પરંતુ પહેલે જ દિવસે સીધો ચાર વાગ્યે ઊઠવાની
કોશિશ કરે તો તેણે પોતાની જાતથી જ પરાજયનો સામનો કરવો પડે.
એ જ રીતે કોઈને એવું લાગતું હોય કે તે સતત મોબાઈલ ફોન પર મચ્યો રહે છે અને એ તેના માટે યોગ્ય નથી તો દાખલા તરીકે તે પહેલાં અમુક સોશ્યલ મીડિયા એપ ડિલીટ કરી શકે. જો આ કરવું મુશ્કેલ લાગતું હોય તો હોમ
સ્ક્રીન પરથી તેને અંદરની બાજુ મૂકી દેવા જેથી આદતવશ વારંવાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા એપ પર ન જવાય.
જાપનીઝ લોકોની નગોમી જીવનશૈલીનું મહત્ત્વનું પાસું છે સુસંવાદિતા. લાગણીઓ અને મનને શાંત રાખવું. આ બહુ જ મહત્ત્વનું છે. જાપનીઝ લોકો શક્ય હોય ત્યાં સુધી સંબંધોમાં સંઘર્ષ ટાળે છે. આને કારણે તનાવ અને વિવાદ ઘટી જાય છે. પોતાનાં સ્વજનો સાથે સુમેળભર્યા સંબંધો અને સંવાદિતા જાળવવાની બાબતને નગોમી જીવનશૈલીમાં પ્રાધાન્ય છે.
બીજા શબ્દોમાં કહીએ તો અંગત સંબંધોમાં મતભેદ હોય તો પણ મનભેદ ન થાય એની જાપનીઝ લોકો તકેદારી રાખે છે. તૂટે ત્યાં સુધી તાણવાને બદલે તેઓ જતું કરવામાં માને છે. આને કારણે તેમના મનમાં તનાવ નથી આવતો અને સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહેવાને કારણે ઘણા બધા રોગમાંથી તેઓ ઊગરી જાય છે.
લાંબું અને સ્વસ્થ જીવન જીવવું હોય તો જાપનીઝ લોકોની આ જીવનપદ્ધતિનું અનુકરણ ખૂબ લાભદાયી પુરવાર થઈ શકે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!