Homeધર્મતેજકડવા રસના સેવન સાથે શરૂ થતો એક માત્ર ઉત્સવ: હિન્દુ નૂતન વર્ષ

કડવા રસના સેવન સાથે શરૂ થતો એક માત્ર ઉત્સવ: હિન્દુ નૂતન વર્ષ

પ્રાસંગિક – મુકેશ પંડ્યા

બુધવાર તા. ૨૨ માર્ચથી શરૂ થતું હિન્દુ નવું વર્ષ ખરા અર્થમાં નવું વર્ષ કહી શકાય. ઋતુઓનો રાજા ગણાતી વસંત ઋતુની આ મોસમ છે. આ ઋતુમાં પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ સોળે કળાએ ખીલતી હોય છે. શિયાળામાં બરફના સફેદ કફન હેઠળ ઢબૂરાઈ ગયેલી પૃથ્વી આ ઋતુમાં અંગડાઇ લે છે અને રંગબેરંગી પુષ્પોથી લચી પડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરવા માટે પણ ચૈત્ર સુદ એકમ એ ખૂબ જ શ્રેષ્ઠ સમય છે. જેમ શારદીય નવરાત્રિના હવન બાદ વાતાવરણ શુદ્ધ થાય છે અને બ્રહ્માંડની શુભ લહેરો વિના વિદને
દશેરાના દિવસે પૃથ્વી પર પધારતી હોય છે. એ જ રીતે હોળીના હવન બાદ શુદ્ધ થયેલા વાતાવરણમાં આ કોસ્મિક એનર્જીના તરંગો આ દિવસે પૃથ્વી પર સરળતાથી અને વિપુલ પ્રમાણમાં પધારે છે. આ શક્તિના શુભ તરંગોને ખેંચી લાવવા ઘણા ભારતીયો ખાસ કરીને મહારાષ્ટ્રવાસીઓ ઘરના દરવાજે ગૂડી (કળશ) બાંધે છે.
પરમ શક્તિને ઘર સુધી ખેંચી લાવવા એકમને દિવસે જે ગૂડી બંધાય એ જ ગૂડી પડવો. મંદિરની ટોચ પર પરમ શક્તિને આકર્ષવા જે કળશ મુકાય છે તેવા જ આકારનો તાંબા, પિત્તળ કે ચાંદીનો પણ નાના કદનો કળશ લોકો ઘરના દરવાજે લાકડીમાં ભરાવીને મૂકે છે. આ સાથે રેશમી વસ્ત્ર પણ હોય છે. રેશમમાં પણ શક્તિશાળી તરંગો ખેંચવાનો ગુણ છે. જેમ મંદિરોમાં કળશ અને ધજા હોય છે એ જ વ્યવસ્થા આ ગૂડીમાં હોય છે. આ ઉપરાંત ગૂડીને ફૂલ હારથી સજાવાય છે . જોકે આ ગૂડીને લીમડાનો હાર પહેરાવાય છે એનું વિશિષ્ટ મહત્ત્વ છે.
લીમડાનો હાર ગૂડીને જ નથી પહેરાવવાનો આપણે પણ આ મહિનામાં લીમડાનું સેવન કરવું જોઈએ.
લીમડાને આ વસંત ઋતુમાં જ મ્હોર આવે છે અને નવી કૂપળો ફૂટે છે જે કડવા પણ ગુણકારી હોય છે. અવકાશમાંથી આ સમયે આવતી કોસ્મિક એનર્જીને ઝીલવાની અદ્ભુત શક્તિ છે આ લીમડામાં.
ચૈત્ર મહિના પછી જે ગરમીના દિવસો શરૂ થાય છે તેમાં લીમડો આપણો રક્ષક બનીને આવે છે. લીમડો ગરમીમાં ઠંડક તો આપે જ છે. ઉપરાંત એન્ટિ વાઈરલ અને એન્ટિબેક્ટેરિયલ હોવાથી વિવિધ જાતના તાવથી બચાવે છે. આજ કાલ મુંબઈ જેવાં શહેરોમાં ફલૂની બીમારી વધતી ચાલી છે તેમાં લીમડાનું સેવન અતિ ઉપયોગી સાબિત થશે. ચૈત્ર મહિનામાં શક્તિરૂપી માતાની ઉપાસના થતી હોય છે. લીમડામાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પણ ગુણ છે. તમને યાદ છે ? કોરોના
માતો લીમડાનો ઉપયોગ કરીને જંતુનાશક સેનિટાઇઝર પણ બનવા લાગ્યા હતા. વળી જેમ યજ્ઞથી હવા શુદ્ધ થાય છે તેમ લીમડાથી આપણા શરીરનું લોહી પણ શુદ્ધ થાય છે.
લીમડામાં આવા તો અનેક ગુણો છે. હવે પછીની ગરમીમાં અને ત્યાર બાદના ચોમાસાના દિવસોમાં બીમારીથી બચવું હોય તો આ અઠવાડિયામાં લીમડાના ફૂલની ચટણી બનાવી કે પછી તેના પાનનો રસ કાઢી અવશ્ય ઉપયોગમાં લેજો.
વાત વાતમાં ચોક્લેટ અને કેકથી પ્રસંગોની ઉજવણી કરતી આપણી નવી પેઢી નાની ઉંમરે ડાયાબિટીસમાં સપડાય તે પહેલાં તેણે ભગવાને બનાવેલા કડવા રસની પણ આદત પણ પાળવી જોઈએ. અમેરિકાના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ જેની પેટન્ટ લેવા પડાપડી કરતા હતા તે લીમડાની આપણે ત્યાં કદર નથી. આપણા ઋષિમુનિઓનું અદ્ભુત જ્ઞાન રિવાજો અને પરંપરા રૂપે આપણી સમક્ષ છે,પણ અફ્સોસ એ વાતનો છે કે આ જાતનું શિક્ષણ અને જ્ઞાન આપણી નવી પેઢીને શાળા કે કોલેજોમાં શીખવા નથી મળતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular