જળવાયુ પરિવર્તન સામે લડવા ભારતે પરંપરા અને આધુનિકતાનો સુમેળ સાધ્યો

વીક એન્ડ

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા

વિશ્ર્વમાં અત્યારે ઠેર ઠેર જળવાયુ પરિવર્તનની અસરો દેખાઈ રહી છે. સામાન્ય રીતે ઠંડા મોસમના પ્રદેશ યુરોપ અને અમેરિકા ગરમીમાં શેકાઈ રહ્યા છે, તો બીજી બાજુ, ચીન, પાકિસ્તાન, ભારત જેવા દેશોના અમુક હિસ્સાઓ અતિવૃષ્ટિને કારણે હેરાન-પરેશાન છે. કુદરતમાં માનવની વધી રહેલી દખલગીરીનો કુદરત આ રીતે જવાબ આપી રહી છે. એકવીસમી સદીમાં વૈશ્ર્વિક આરોગ્ય સામે સૌથી મોટું જોખમ જળવાયુ પરિવર્તન છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અનુસાર ૨૦૩૦થી ૨૦૫૦ વચ્ચે ફક્ત ક્લાઈમેટ ચેન્જને કારણે કુપોષણ, મેલેરિયા, ડાયેરિયા અને હીટ સ્ટ્રોકથી પ્રતિ વર્ષ ૨.૫ લાખ આસપાસ લોકોનાં મૃત્યુ થવાની સંભાવના છે. આ વિષે જાગૃત થઈને કામ કરવાનો યોગ્ય સમય અત્યારે જ છે.
સવાલ થાય કે જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ સામે લડવાનો ઉપાય શું? જવાબ સરળ છે, વધુ ને વધુ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ. જળવાયુ પરિવર્તન રોકવા હંમેશાં આધુનિક ટેક્નિક અપનાવવાની જરૂર નથી હોતી. સ્વદેશી જ્ઞાન અને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગથી બહેતર કામ થઈ શકે છે. ભારતીયો આ કળામાં સદીઓથી પારંગત છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી આવી કેટલીક રીતો પર નજર નાખીએ.
—————–
લદાખમાં સિંચાઈ માટે બરફના સ્તૂપોનો ઉપયોગ
લદાખના તાપમાનનો તો બધાને અંદાજ છે જ, પણ બરફની વચ્ચે જીવતા લોકો પણ પાણી માટે ટળવળતા હોય છે. ત્યાં એક નવા આવિષ્કાર અન્વયે એપ્રિલ અને મે મહિનામાં બરફનો આર્ટિફિશિયલ ગ્લેશિયર અથવા સ્તૂપ એક સરળ સિંચાઈ પ્રણાલી છે. લદાખમાં વસંત ઋતુમાં ખેતી કરવા ખેડૂતો આ રીતનો ઉપયોગ કરે છે. આ વિસ્તારની વસ્તી ત્રણ લાખ લોકોની છે, પણ વરસાદ ફક્ત દસ સેન્ટિમીટર જેટલો જ પડે છે, એટલે આ ટેક્નિક અહીં ખૂબ ઉપયોગી છે. ‘થ્રી-ઈડિયટ્સ’ ફિલ્મથી જાણીતા બનેલા એન્જિનિયર સોનમ વાંગચૂક દ્વારા ૨૦૧૩માં શિયાળાનાં તાજા પાણીને આ રીતે વિશેષ પ્રકારે જમા કરવાની ટેક્નિક વિકસાવવામાં આવી હતી.
—————
ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં ક્લાઈમેટ ચેન્જની અસર ઓછી કરવા ૨૦ ગામે ભેગાં થઈને વૃક્ષારોપણ કર્યું છે. આમ કરવાથી ૫૦ એકર જમીન પર નાનકડું જંગલ તૈયાર થયું છે. આ નાનકડું જંગલ કુદરતી સાઇક્લોન બેરિયર તરીકે કામ કરે છે.
૨૦૨૦માં ‘સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયર્નમેન્ટ’ દ્વારા પ્રકાશિત રિસર્ચ પેપર મુજબ વર્ષ ૨૦૪૦ સુધીમાં પૂરનું જોખમ ૧૨.૫૫ ટકાથી વધીને ૨૭.૩૫ ટકા થઈ શકે છે. તે ઉપરાંત જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદરને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશનાં ગંભીરરૂપે પ્રદૂષિત શહેરોમાંથી એક હોવાનું ટાઇટલ મળ્યું છે. આ બધાં કારણોએ ગ્રામીણોને જંગલ બનાવવા પ્રેરિત કર્યા. એક મીડિયા રિપોર્ટ અનુસાર ‘આ કામ માટે વન વિભાગ દ્વારા અપાયેલી સહાય સિવાય અન્ય કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નહોતો.’
—————–
મહારાષ્ટ્રમાં પૂરમુક્ત ગામ
મહારાષ્ટ્રના ચિપલૂણમાં વર્ષ ૨૦૨૧માં આવેલા પૂરમાં ૨૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેટલાં ગામડાંઓમાંથી નદી વહેતી હતી એ બધાં ગામડાંઓ પ્રભાવિત થયાં હતાં. વર્ષ ૨૦૧૫માં ભીષણ પૂર પછી, ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે કાજલી નદીના પુનર્સ્થાપનનું કામ કરવામાં આવ્યું. આ પ્રક્રિયામાં ગ્રામીણ ક્ષેત્રોમાં જળસંકટ હલ કરવાનું કામ કરતા એક એનજીઓ દ્વારા ગ્રામીણોની મદદ માટે પહેલ કરવામાં આવી. એક ખાનગી સંસ્થાએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. પરિણામે સિત્તેર વર્ષ બાદ આ વિસ્તાર પૂરમુક્ત બની શક્યો.
————-
મહારાષ્ટ્રમાં ક્લાઈમેટ ચેન્જનો પ્રભાવ ઓછો કરવા વોટરશેડ મેનેજમેન્ટ
મધ્ય મહારાષ્ટ્ર ઘણી વાર દુકાળગ્રસ્ત થાય છે, પણ વોટરશેડ મેનેજમેન્ટનો ઉપયોગ કરીને અહમદનગરના હિવરે બજારના રહેવાસીઓએ પોતાના વિસ્તારને ભારતના સમૃદ્ધ ગામમાં પલટાવી નાખ્યો છે. ત્યાં ઓછા વરસાદને કારણે વારંવાર દુકાળ પડતો હતો અને પાક બરબાદ થઈ જતો હતો. ૧૯૯૮માં રોજગાર ગેરન્ટી યોજના અંતર્ગત અહીં જળસંરક્ષણનું કામ શરૂ થયું, જેને કારણે ગામવાસીઓ અને ખાસ કરીને ખેડૂતોનું જીવન બદલાઈ ગયું. એક રિપોર્ટ અનુસાર ગામના ૨૧૬ પરિવારમાંથી ચોથા ભાગના કરોડપતિ છે!! ગામની વ્યક્તિદીઠ આવક દેશભરનાં ગ્રામીણ ક્ષેત્રોમાં (૨૦૦૮ પ્રમાણે) ટોપ ૧૦ની સરાસરી ટકાવારી કરતાં બે ગણી વધારે હતી!!
—————-
મેઘાલયમાં લિવિંગ રૂટ બ્રિજ
મેઘાલયમાં આખા દેશ કરતાં સૌથી વધુ વરસાદ પડે છે, પણ ત્યાં વારંવાર પૂર અને વાવાઝોડાં પણ આવે છે. મોન્સૂન દરમ્યાન બે કાંઠે વહેતી નદીઓ અને તોફાન અનોખા લિવિંગ રૂટ બ્રિજ સિવાયના બધા પુલોને પોતાની સાથે ઢસડી જાય છે. તેનો મુકાબલો કરવા મેઘાલયનાં ૭૦ ગામડાંઓમાં ૧૦૦થી વધુ પ્રાકૃતિક પુલ જોવા મળે છે. આ પુલ પ્રકૃતિ અને માનવરચનાનો અનોખો સુમેળ છે. પહેલાં નદી પર વાંસનું એક માળખું તૈયાર થાય છે. ત્યાર બાદ મોટે ભાગે રબરના ઝાડનાં મૂળિયાં તેની સાથે ત્યાં સુધી જોડવામાં આવે છે જ્યાં સુધી એ માળખું મજબૂત ન બની જાય. પછી મૂળિયાંને ધીમે ધીમે વધવા માટે છુટ્ટાં મૂકી દેવાય છે. યુનેસ્કોની વૈશ્ર્વિક વારસાની સૂચિમાં આ રૂટ બ્રિજને અસ્થાયી શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
—————-
પશ્ર્ચિમ બંગાળના વેરાન પહાડ પર રિફોરેસ્ટિંગ
પશ્ર્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના એક ગામ ઝરભગડાએ એક વેરાન પહાડને ફરીથી જંગલમાં ફેરવીને ન માત્ર પાણીની સમસ્યા હલ કરી, પણ એ વિસ્તારમાં પડતી ભીષણ ગરમી પર પણ કાબૂ મેળવ્યો. આ ગામ ચારેય બાજુથી ૫૦ કિલોમીટર વેરાન જમીનથી ઘેરાયેલું હતું, જેને કારણે અહીં રહેતા લોકોને ઋતુઓની અતિશયતાનો સામનો કરવો પડતો હતો.
૧૯૯૭ સુધી ત્રણસો પરિવારોને મોસમનો માર સહન કરવો પડતો હતો, પણ આજે આ પહાડ અને આસપાસનો ૩૮૭ એકર વિસ્તાર હર્યાભર્યા જંગલમાં ફેરવાઈ ગયો છે. આ જંગલ અનેક વન્યજીવોનું ઘર પણ છે. આ યોજના એક એનજીઓ દ્વારા લાગુ કરવામાં આવી હતી. હવે ગામમાં ઠંડી હવા અનુભવાય છે અને ભૂગર્ભ જળનો સ્તર પણ વધ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.