ટોમેટો ફ્લુ: કેરળથી શરૂ થયેલો આ રોગ શું છે?

પુરુષ

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા

આપણે ત્યાં માણસ રોગમાંથી સાજો થાય તો કહીએ કે ફરીથી ટામેટા જેવો થઈ ગયો, પણ જો ટામેટાના નામનો જ રોગ હોય, ત્યારે સાજા થનારને શું કહેવું! કોઈ ફાલતુ જોક જેવું લાગતું હોય તો કહી દઈએ કે હા, ટામેટાના નામનો રોગ પણ છે ભાઈ! હજી આપણે કોવિડમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વળી એક નવા રોગે દેખા દીધી છે, જેનું નામ છે ટોમેટો ફ્લુ.
શરૂઆતમાં એવું લાગે છે કે આ ટામેટાથી થતો રોગ છે, પરંતુ વિડંબણા એ છે કે આ ફ્લુને તમે બજારથી લઈને તમારા ફ્રિજમાં જે ટામેટા જુઓ છો તેની સાથે કોઈ સંબંધ નથી.
૬ મે, ૨૦૨૨ – કેરળના કોલ્લમ જિલ્લામાં ટોમેટો ફ્લુનો પ્રથમ કેસ નોંધાયો હતો.
જુલાઈ ૨૬, ૨૦૨૨ – કેરળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં કુલ ૮૨ બાળકોને ટોમેટો ફ્લુ હોવાની પુષ્ટિ થઈ.
ઓગસ્ટ ૨૪, ૨૦૨૨ – દેશમાં ટોમેટો ફ્લુના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે.
કેરળ ઉપરાંત ઓડિશા, તમિળનાડુ અને હરિયાણા જેવાં રાજ્યોમાં અત્યાર સુધીમાં ટોમેટો ફ્લુના કેસ નોંધાયા છે. કેરળ પછી, ઓડિશામાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં કુલ ૨૬ બાળકોમાં આ ફ્લુની પુષ્ટિ થઈ છે. આ તમામ બાળકો ૧થી ૯ વર્ષની ઉંમરનાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ટોમેટો ફ્લુ સંબંધિત એડવાઇઝરી જારી કરી છે. આમાં રોગ, તેનાં લક્ષણો અને નિવારણ સંબંધિત ઘણી માહિતી આપવામાં આવી છે.
પ્રશ્ર્ન: રોગના નામમાં ‘ટામેટા’ શા માટે?
ઉત્તર: આ ફ્લુમાં શરીરના અલગ અલગ ભાગો પર ટામેટા જેવા લાલ રંગના ફોડલા નીકળવા લાગે છે. શરૂઆતમાં આ ફોલ્લાઓનું કદ નાનું હોય છે, પરંતુ ધીમે ધીમે તે વધવા લાગે છે અને નાના લાલ ટામેટા જેવા દેખાય છે. આ જ કારણ છે કે કેરળના કેટલાક સ્થાનિક લોકોએ આ રોગને ‘તક્કાલી પની’ નામ આપ્યું છે. ‘તક્કાલી પની’ એ મલયાલી શબ્દ છે જેનો અંગ્રેજીમાં અર્થ ‘ટોમેટો ફ્લુ’ થાય છે. કેરળમાં કોઈ પણ નવા રોગને નામ આપવાની જૂની પ્રથા છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેને હાથ, પગ અને મોઢાનો રોગ (ઇંઋખઉ) કહે છે. ‘ટોમેટો ફ્લુ’ એ સામાન્ય રીતે બોલચાલનો શબ્દ છે, જે જાણીતા વાઇરોલોજિસ્ટ ડો. જેકબ જોન જેવા નિષ્ણાતોને પસંદ નથી. ડો. જેકબ જોન અને તેમના જેવા અન્ય લોકો માને છે કે આ નામો ગૂંચવણમાં મૂકે છે. આપણે ટામેટા કે રીંગણ ફ્લુ જેવાં કોઈ નામ રોગને ન આપવાં જોઈએ.
પ્રશ્ર્ન: ‘ટોમેટો ફ્લુ’ શું છે?
ઉત્તર: ‘ટોમેટો ફ્લુ’ એ કોઈ અલગ કે નવા પ્રકારનો રોગ નથી, પરંતુ તે હાથ, પગ અને મોંનો રોગ છે. તેને અંગ્રેજીમાં ઇંઋખઉ એટલે કે હેન્ડ, ફૂટ, માઉથ ડિસીઝ કહે છે. એચએફએમડી વાઇરસનાં બે જૂથો, કોક્સસેકીવાઇરસ અને એન્ટરોવાઇરસને કારણે
થાય છે. સામાન્ય રીતે નાનાં બાળકો આ રોગનો શિકાર બને છે. આ કોઈ ગંભીર રોગ નથી, પરંતુ વાઇરલ રોગોમાં હંમેશાં વાઇરસના મ્યુટેશનની શક્યતા રહે છે, એટલે કે વાઇરસનું સ્વરૂપ બદલાય છે. જો વાઇરસ
પરિવર્તિત થાય છે તો જોખમ પણ વધે છે. ઉદાહરણ તરીકે, ચીન અને તાઈવાનમાં, વાઇરસના પરિવર્તનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. જોકે ભારતમાં અત્યાર સુધી ‘ટોમેટો ફ્લુ’થી મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ ડોક્ટરો અને વાઇરોલોજિસ્ટ તેના પર નજર રાખી રહ્યા છે.
પ્રશ્ર્ન: લક્ષણો શું છે?
ઉત્તર: તેનાં લક્ષણો પણ અન્ય વાઇરલ ચેપ જેવાં જ છે. તે હળવા તાવથી શરૂ થાય છે, પછી ભૂખ ન લાગવી, થાક લાગવો અને ગળામાં દુખાવો જેવાં લક્ષણો દેખાવા લાગે છે. નાના લાલ ફોલ્લા અથવા ફોલ્લા સામાન્ય રીતે જીભ, પેઢાં, ગાલની અંદર, હથેળીઓ અને પગની ઘૂંટીઓ પર તાવના બેથી ત્રણ દિવસ પછી દેખાય છે. આ ફોલ્લાઓ મંકીવાઇરસથી થતી ફોલ્લીઓ જેવા જ દેખાય છે.
પ્રશ્ર્ન: ચેપ કેવી રીતે ફેલાય છે?
ઉત્તર: આ રોગ નજીકના સંપર્ક, ગંદકી અથવા સાફ કર્યા વિના મોંની અંદર કંઈ પણ નાખવાથી, અન્યનાં વપરાયેલાં કપડાં પહેરવા વગેરેથી થઈ શકે છે. ખૂબ જ નાનાં બાળકોમાં, ગંદા નેપીના ઉપયોગથી પણ આ ચેપ ફેલાય છે.
પ્રશ્ર્ન: ટેસ્ટ કેવી રીતે થાય છે અને સારવાર શું છે?
ઉત્તર: ટોમેટો ફ્લુનાં લક્ષણો પણ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવાં જ હોય છે, તેથી ડોક્ટરો મોલેક્યુલર અને સેરોલોજિકલ ટેસ્ટ માટે ભલામણ કરે છે. જો ટેસ્ટમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા વાઇરસ, ઝોસ્ટર વાઇરસ અથવા હર્પિસનો કોઈ પણ પ્રકારનો ખુલાસો થતો નથી, તો ડોક્ટરો દર્દીમાં ટોમેટો ફ્લુની પુષ્ટિ કરે છે. હાલમાં, આ માટે કોઈ વિશિષ્ટ એન્ટિ-વાઇરલ સારવાર નથી.
ડોક્ટરો માત્ર સહાયક સારવારનો આશરો લઈ રહ્યા છે, જેમ કે તાવ માટે એન્ટિબાયોટિક્સ, રેશીઝ અથવા ખંજવાળ માટે એન્ટિસેપ્ટિક અથવા એન્ટિબાયોટિક ક્રીમનો ઉપયોગ. આ સિવાય વાઇરસની ઓળખ થતાં જ બાળકને દસ દિવસ માટે ક્વોરન્ટાઈન કરવાની સલાહ આપવામાં આવે છે.
વાઇરસનો ચેપ ઝડપથી ફેલાય છે, તેથી પરિવારના બાકીના સભ્યોથી પર્યાપ્ત અંતર જાળવવાની જરૂર છે. ખાવા-પીવા માટે અલગ અલગ વાસણો, સ્વચ્છ પથારી, કપડાં વગેરેની કાળજી લેવી જરૂરી છે. ક્યારેક મોઢાની અંદર ફોડલા આવવાને કારણે ખાવામાં તકલીફ થાય છે. આ કિસ્સામાં બાળકને વધુ પ્રવાહી ખોરાક આપવો જોઈએ.
પ્રશ્ર્ન: નવા વાઇરસના કેસ ફક્ત કેરળમાં જ શા માટે આવે છે?
ઉત્તર: દેશમાં કોરોનાનો પહેલો કેસ હોય કે મંકીવાઇરસ કે નિપાવાઇરસ કે પછી હવે ટોમેટો ફ્લુ – તેની શરૂઆત કેરળથી જ થાય છે. આવું કેમ? ડોક્ટર કહે છે, કેરળના લોકો અન્ય રાજ્યો કરતાં વધુ જાગૃત છે. તેઓ રોગો માટે પરીક્ષણ કરે છે અને પછી તેઓ તેમના વિશે પણ જાણતા હોય છે. કેરળમાં દર વર્ષે સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અહીંના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેનું કારણ એ છે કે લોકોનું વધુ જાગૃત હોવું અને તેમનું હોસ્પિટલમાં જવું. કોરોનાકાળમાં પણ આવું જ બન્યું હતું. બીજું કારણ અહીંનું વાતાવરણ પણ હોઈ શકે છે. કેરળની ઉષ્ણકટિબંધીય આબોહવા વાઇરસ અને તેના ચેપ માટે એકદમ અનુકૂળ છે. ત્રીજું અને ચોથું કારણ અહીંની વસ્તી ગીચતા અને સ્થળાંતર છે. કેરળના લોકો મોટી સંખ્યામાં વિદેશ જાય છે.
પ્રશ્ર્ન: શું પુખ્ત વયના લોકોને પણ ‘ટોમેટો ફ્લુ’ થઈ શકે છે?
ઉત્તર: આ શક્યતાને નકારી શકાય તેમ નથી. બાળકોને ઇંઋખઉથી વધુ જોખમ હોય છે, પરંતુ ચેપગ્રસ્ત બાળકના સંપર્કમાં આવવાથી પુખ્ત વયના લોકોને પણ આ રોગ થઈ શકે છે. જો પુખ્ત વયના લોકોમાં આ રોગ સાથે સંબંધિત કોઈ લક્ષણો જોવા મળે છે તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
પ્રશ્ર્ન: શું વિદેશમાં પણ ‘ટોમેટો ફ્લુ’ના કેસ નોંધાયા છે?
ઉત્તર: અમેરિકી સરકારી સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર ઉનાળાની ઋતુમાં અમેરિકામાં પણ આ રોગ ખૂબ સામાન્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.