(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. જોકે મોહનથાળના પ્રસાદ સાથે ચિક્કી પણ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાને આ જાહેરાત કરવી પડી હતી.
અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં માઇ ભક્તોના રોષને ધ્યાનમાં લઇને સરકારે પોતાનું અગાઉનું અકડ વલણ પડતું મૂકવું પડ્યું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋશિકેશ પટેલે આ અગાઉ એવી જાહેરાત કરી હતી કે, અંબાજીમાં અપાતી ચિક્કીનો પ્રસાદ મોહનથાળ કરતા વધુ સમય સુધી ટકી રહે તેઓ છે. તેમજ અંબાજીમાં મોહનથાળની જગ્યાએ સિંગદાણાની ચિક્કી જ ચાલુ રાખવામાં આવશે પરંતુ આજે મંગળવારે આખરે તેમને યુ ટર્ન લઇને મોહનથાળને ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી હતી.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે ભારે રોષ છવાતા મંગળવારએ ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પત્યા બાદ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.
આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરના સંતો અને સમાજની અને જે લોકો માતાજીના નિયમિત દર્શન કરવા માટે આવે છે તે લોકોની લાગણી હતી કે, તમે આ પ્રસાદ ચાલુ રાખો એટલે અમે ટ્રસ્ટ સાથે પણ વાત કરી હતી. સારા મોહનથાળનો પ્રસાદ બને તે માટે અમે કેટલાક સૂચનો પણ આપ્યા છે. જેમ દવા ઉપર તેની સામગ્રી લખી હોય તે જ રીતે મોહનથાળ પર પણ સામગ્રી લખેલી હોવી જોઇએ તે સાથે સરસ મજાનું પેકિંગ પણ હોવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસાદમાં સિંગદાણાની ચિકી અને મોહનથાળ બંને ચાલુ રહેશે. જેમને જે પ્રસાદ લેવો હોય તે લઇ
શકે છે.
સરકારની પ્રાયોરિટી લોકો છે તેમની આસ્થા છે અને આ આસ્થા જળવાઇ રહે તે માટે ચાલુ એજન્સી કે અન્ય એજન્સીઓને ટેમ્પલ કમિટિ સાથે ચર્ચા કરીને પૂરતા નિર્દેશ આપવામાં આવશે.
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ થશે: ગુજરાત સરકાર ઝૂકી
RELATED ARTICLES