Homeસ્પેશિયલ ફિચર્સપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: બાળકોની બાળનગરી મનોરંજન સાથે સંસ્કારોનું સિંચન

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: બાળકોની બાળનગરી મનોરંજન સાથે સંસ્કારોનું સિંચન

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને બાળકો બહુ પ્રિય હતાં તેઓ અવનવી રસપ્રદ વાર્તાઓ સંભળાવીને બાળકોમાં સંસ્કારનું સિંચન કરતા. સ્વામીજીની જન્મ શતાબ્દી નિમિતે આયોજિત મહોત્સવમાં ૧૭ એકરના વિસ્તારમાં ‘બાળનગરી’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાળનગરીમાં વિવિધ આકર્ષણો ઊભાં કરવામાં આવ્યાં છે. તમામ ઉંમરનાં બાળકો માટે મનોરંજક પ્રદર્શનો, શિક્ષણને લગતા શો અને ઇન્ટરેક્ટિવ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંચાલન બી.એ.પી.એસ.નાં બાળકો દ્વારા કરવામાં આવે છે. બાળ નગરીનાં વિવિધ પ્રદર્શનો બાળકોમાં સંસ્કાર,આદર, પુરુષાર્થ, ટીમ વર્ક, દયા, કરુણા અને નૈતિક જીવન જેવાં મૂલ્યોને પ્રેરિત કરે છે.
આ બાળ નગરીમાં ૩ પ્રદર્શનખંડો આવેલા છે. આ ત્રણેય પ્રદર્શનખંડોમાં બી.એ.પી.એસ.નાં બાળકો અને બાલિકાઓ ત્રણ અદભુત પરફોર્મન્સ વડે દરેક ઉંમરના દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રાણીઓની વાર્તાના માધ્યમથી આ પરફોર્મન્સ દર્શકોને મનોરંજન સાથે સાથે સંસ્કારમય, હિંમતવાન, ઉદ્યમી, ભક્તિમય બનવા પ્રેરે છે.
———-
ધી જંગલ ઓફ શેરુ:
બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિની સ્થાપના કરનાર અને પ્રમુખસ્વામી મહારાજના ગુરુ એવા યોગીજી મહારાજ વાર્તા દ્વારા સરસ બોધ આપતા. જેને ‘યોગીજી મહારાજની બોધકથાઓ’ કહેવાય છે. યોગીજી મહારાજની અનેક બોધકથાઓમાંથી એક કથાને આધારે ‘ધી જંગલ ઓફ શેરુ’ શો તૈયાર કરવામાં આવ્યો છે. પોતાના ઝુંડથી છૂટા પડી ગયેલું સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળી જાય છે અને પોતાની શક્તિ ભૂલીને ઘેટા જેવું બની જાય છે. આ સિંહબાળ એક બીજા સિંહને મળે છે ત્યારે તેને પોતાની શક્તિનું ભાન થાય છે. આ વાર્તા બાળકોને ગુરુમાં વિશ્ર્વાસ રાખી પોતાની આંતરિક શક્તિને ઓળખવાનો અને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું શીખવે છે. બી.એ.પી.એસ.ના ૧૫૦થી વધુ બાળકો આ વાર્તા, સંવાદ, નૃત્ય અને સંગીતના માધ્યમથી ખૂબજ એનર્જી સાથે પ્રસ્તુત કરે છે.
નિયમ કુટિર: બાલનગરીમાં ૨ નિયમ કુટિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિયમ કુટિરોમાં બી.એ.પી.એસ. ૧૫૦થી વધુ બાળ-બાલિકાઓ બાલનગરીમાં આવેલાં બાળકોને નિયમગ્રહણ કરવાની પ્રેરણા આપે છે. જે બાળ-બાલિકા નિયમ ગ્રહણ કરે છે તેને ગિફ્ટના રૂપમાં એક સુંદર ચિત્રાત્મક પુસ્તિકા આપવામાં આવે છે. આ કુટિરોમાં બાળકો માતા પિતા આદર કરવાનો, દિવસની શરૂઆત ભગવાનની પ્રાર્થના કરવાનો, પ્રેરણાત્મક સાહિત્યનું વાંચન કરવાનો, મોબાઈલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, સારામાં સારો અભ્યાસ કરવાનો નિયમ લે છે.
——–
વિલેજ ઓફ બૂઝો
પ્રમુખસ્વામી મહારાજ બાળકોને હંમેશાં એક વાત જરૂર શીખવતા કે, ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’. પ્રથમ પ્રદર્શનખંડમાં ‘વિલેજ ઓફ બૂઝો’ નામના શો રજૂ કરવામાં આવે છે. જેમાં બૂઝો નામના એક આદિવાસી બાળકની વાર્તાને વીડિયો અને લાઈવ પરફોર્મન્સ દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. આ શો બાળકોને માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા શીખવે છે. માતાપિતા આપણને જે કંઈ આજ્ઞા કરે છે તે હંમેશાં આપણા સારા માટે જ હોય છે. માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ ક્યારેય સુખી થતું નથી.
———
ધી સી ઓફ સુવર્ણા: પ્રમુખસ્વામી મહારાજે સફળતા મેળવવા માટે બાળકોને એક સોનેરી સૂત્ર આપ્યું હતું, ‘પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા.’ આ સૂત્રને આત્મસાત કરી સુવર્ણા નામની એક નાની માછલી પોતાના જીવનમાં કેવી રીતે અદ્ભુત કાર્ય કરી બતાવે છે એ વાત ‘ધી સી ઓફ સુવર્ણા’ નામના શોમાં બી.એ.પી.એસ.ની ૧૫૦થી વધુ બાલિકાઓ સંવાદ, સંગીતના અને નૃત્ય માધ્યમથી પ્રસ્તુત કરે છે. આ બાલિકાઓ દર્શકોને સંદેશો આપે છે કે વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે સતત પ્રાર્થના અને પુરુષાર્થ કરે તો તેને સફળતા જરૂર પ્રાપ્ત થાય છે.
———-
બાળ મંડળ એકસપ્રેસ: આ ઉપરાંત બાળનગરીમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ બાળ મંડળની પ્રવૃત્તિઓને દર્શાવતી ૧૭૦ ફૂટ લાંબી ‘બાળ મંડળ એકસપ્રેસ’ સ્ટીમ એન્જિનવાળી ટ્રેન મૂકવામાં આવી છે.
જેમાં બાળકો પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
——–
ધી વિલેજ ઓફ શાંતિ: દીક્ષા ગ્રહણ કર્યા પહેલા પ્રમુખસ્વામી મહારાજનું નામ શાંતિલાલ હતું.
પ્રમુખસ્વામી મહારાજના બાળપણના ૬ પ્રસંગો દ્વારા તેમનામાં રહેલા ગુણોની રજૂઆત કરતું ‘ધી વિલેજ ઓફ શાંતિ’ નામના પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
———-
હીરોઝ ઓફ હિસ્ટરી: ભારતીય સંસ્કૃતિ અનેક મહાન રત્નોમાંથી ૮ સંસ્કૃતિરત્નોની પ્રતિમાઓ બાળનગરીમાં સ્થાપવામાં આવી છે. ધ્રુવ, પ્રહ્લાદ, ભરત, શ્રવણ, મીરાંબાઈ, શબરી, ગાર્ગી અને સીતાજીની પ્રતિમાઓ અહીં આવનાર દરેકને પ્રભુમય, શૂરવીર, ધ્યેયનિષ્ઠ, આજ્ઞાપાલક, પ્રભુભક્ત, શ્રદ્ધાવાન, જ્ઞાની અને સામર્થ્યવાન બનવાની પ્રેરણા આપે છે. બાળકો આ પ્રતિમાઓ સાથે ફોટો પડાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular