પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન ફૂલ જેવું હતું. ફૂલ જેવા હળવા રહીને તેઓ જીવનભર સમાજમાં સુગંધ અને સુંદરતા પ્રસરાવતા રહ્યા. સ્વામીજીની જન્મશતાબ્દી નિમિતે આયોજિત મહા મહોત્સવને લાખો ફૂલ છોડ વડે શણગારવામાં આવ્યો છે. ડગલેને પગલે રોપવામાં આવેલા લાખો રંગબેરંગી ફૂલછોડ મુલાકાતીઓની આંખોને ઠંડક અને મનને પ્રવિત્રતાનો અનુભવ કરાવે છે.
પ્રમુખસ્વામી મહારાજની મહા મૂર્તિની ફરતે ઢાળ પર લાખોની સંખ્યામાં પીટુનિયા અને પેન્સી નામના ફૂલછોડ ઉગાડવામાં આવ્યા છે. ક્રિસેન્થીમમ છોડનો ઉપયોગ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિની સૌથી ટોચની રીંગમાં કરવામાં આવ્યો છે. જે પ્રમુખસ્વામી મહારાજના ગળામાં ફૂલોની મોરી માળા પહેરાવી હોય તેવું દ્રશ્ય ઊભું કરે છે.
આ ઉપરાંત ગ્લો ગાર્ડનમાં ફ્રી-હેન્ડ લેન્ડસ્કેપ ડિઝાઇનના ૩ ફૂટથી ૮ ફૂટ ઊંચાઈના ટેકરાઓ બનાવવામાં આવ્યા છે. જે ટેકરાઓની અંદરનો ભાગ કૃત્રિમ ગ્લો ધરાવતાં ફૂલોનો છે અને બહારનો ભાગ પીટુનિયાના વાસ્તવિક ફૂલોનો છે. ગ્લોગાર્ડનમાં કુલ ૧,૪૦,૦૦૦ છોડ ઉગાડવા આવ્યા છે.
વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરનાર ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝની પ્રતિમાને ફરતે લજામણી વાવવામાં આવી છે જેને સ્પર્શ કરવાથી તેના પાન તરત બીડાઈ જાય છે. ઊંટ રણ પ્રદેશનું પ્રાણી છે. ઊંટની પ્રતિમાની આસપાસ રણપ્રદેશમાં ઊગતા જુદા જુદા છોડ રોપવામાં આવ્યા છે.
આ ઉપરાંત નગરમાં ઠેર ઠેર મોર, ફૂલદાની, અક્ષરધામ છત્રીની કલાકૃતિઓ ઊભી કરીને તેના પર ટ્રેઇલિંગ પીટુનિયા ફૂલ લટકાવવામાં આવ્યા છે.
આ દરેક ફૂલની કાળજી માટે એક ખાસ સેન્ટ્રલ ઈરીગેશન સીસ્ટમ ઊભી કરવામાં આવી છે જેની મદદથી સમયાંતરે ફૂલ છોડ પર
પાણીનો છંટકાવ થયા કરે છે જેથી કોઈ પણ સમયે ફૂલ તાજા અને સુંદર દેખાય.