પીઢ સ્થાનિક ગુજરાતી નેતાને પોસ્ટર પરથી કર્યા આઉટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈશાન મુંબઈના ગુજરાતીઓના ગઢ ગણાતા મુલુંડ પરાના ભાજપના એક ભૂતપૂર્વ નગરસેવક પ્રકાશ ગંગાધરેએ પોતાના વિસ્તારમાં કોંકણ મહોત્સવ-૨૦૨૨નું આયોજન કર્યું છે. આ આયોજન પાછળ આગામી મુંબઈ મનપાની ચૂંટણીમાં વિજય મેળવવાની ઈચ્છા હોવાનું હવે છુપું નથી, પરંતુ જે રીતે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા અને પોસ્ટરો પરથી સ્થાનિક ફાયરબ્રાન્ડ ગુજરાતી નેતાને હદપાર કરવામાં આવ્યા છે અને તેના પરથી એવા સવાલ કરવામાં
આવી રહ્યા છે કે શું ગંગાધરેને ગુજરાતીઓના મતો નથી જોઈતા?
મુલુંડના વોર્ડ નંબર ૧૦૪ના નગરસેવક પ્રકાશ ગંગાધરે દ્વારા મુલુંડના નીલમ નગરમાં જ કોંકણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને નીલમ નગરમાં જ રહેતા ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય અને મોટા ગજાના ગુજરાતી નેતા કિરીટ સોમૈયાને તેમની આમંત્રણ પત્રિકામાં કે પછી પોસ્ટરો પર સ્થાન આપવામાં આવ્યું નથી. અહીં ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા આક્રમક કાર્યકર્તા છે અને ભાજપ માટે તેમણે અનેક મોટા કામ કર્યા છે. શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતાઓને નિયંત્રણમાં રાખવામાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તેમની જ ફરિયાદને કારણે સંજય રાઉત જેવા નેતાને ૧૦૦ દિવસ કારાવાસ ભોગવવો પડ્યો હતો.
તેમની આ કૃતિથી આ વિસ્તારમાં રહેતા ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને તેઓ હવે એવા સવાલ કરી રહ્યા છે કે શું ગંગાધરેને ગુજરાતીઓના મતની જરૂર નથી?
આ મુદ્દે પ્રકાશ ગંગાધરેનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કોંકણ મહોત્સવનો સમારોપ ચોથી ડિસેમ્બરે થવાનો છે તેને માટે અલગ પોસ્ટરો-બેનરો તૈયાર કરવામાં આવશે. સમાપન સમારોહમાં ભૂતપૂર્વ સંસદસભ્ય હાજર રહેવાના છે અને તેમને નવા પોસ્ટરો-બેનરો પર સ્થાન આપવામાં આવશે.