પ્રજામત

પ્રજામત

પાણી પુષ્કળ છે પણ મેનેજમેન્ટ નથી
ગુજરાતમાં વારંવાર પાણીની તંગી અને દુષ્કાળ પડે છે. નર્મદા ડેમ સહિત અનેક ડેમ બન્યા છતાં પાણીની તંગી યથાવત્ રહી. સરકારો આવે છે અને જાય છે, પરંતુ પાણીની સમસ્યા ઉકેલાતી નથી. ગુજરાતમાં પાણી પુષ્કળ છે, પરંતુ મૅનેજમેન્ટ નથી. મોટી નદીઓના પૂરના પાણી દરિયામાં વહી જાય છે. જો આ પૂરના પાણીને નાના ડેમો અને તળાવોમાં વાળવામાં આવે તો પાણીની તંગી દૂર થાય પરંતુ આ કામ માટે મૅનેજમેન્ટનો અભાવ છે. મહીસાગર અને નર્મદાનું જળ નહેરો મારફતે સૂકા વિસ્તારોમાં પહોંચાડવા નહેરોનું અને પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવવું જોઈએ. પાણી દરેક સમસ્યાઓનો ઉકેલ છે. તે માટે સરકારની ઈચ્છાશક્તિ જરૂરી છે.
જગદીશ ડી. ઉપાધ્યાય, વલ્લભ વિદ્યાનગર
———
શિંદે – ફડણવીસ સરકારશ્રીને હાર્દિક અભિનંદન!
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારશ્રીએ ૧૯૭૫માં લાદવામાં આવેલ કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનારા રાજકીય કાર્યકરો માટેની ‘ઈમરજન્સી પેન્શન સ્કીમ’ પુન: આરંભ કરેલ છે.૨૦૧૮માં ફડણવીસ સરકારશ્રીએ આરંભ કરેલ કથિત યોજનાને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારશ્રીએ ૨૦૨૦માં રદ કરેલ.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેજીએ એમવીએ સરકાર દ્વારા રદ કરાયેલ ‘ઈમર્જન્સી પેન્શન સ્કીમ’ પુન: પ્રારંભ કરી સોનામાં સુગંધ ભેળવેલ છે એમ કહેવું અસ્થાને નથી જ!
સૌ. અનસૂયા કુંવરજી બારોટ, અંધેરી (પ.).
———
આંબા-આમલી
પોતાની હૈસિયત પ્રમાણે ઝાડુનું પ્રતીક મેળવનાર ‘આમ આદમી’ પક્ષના કેજરીવાલ સાહેબે ગુજરાતની ચૂંટણી જીતવા તીકડમ કર્યું અને ગુજરાતની મહેનતુ, સ્વમાની ને ખમીરવંત પ્રજાને ગાજર દેખાડયું કે અમારો પક્ષ જીતશે તો ૩૦૦ યુનિટ સુધીની વીજળી બીલ માફ કરીશ. આ રકમ તેઓ પોતાની અંગત મૂડીમાંથી નથી આપવાના બલકે મહેનત કરીને કમાયેલા પૈસાનો ઈન્કમ ટેક્ષ, અન્ય ટેક્ષ ભરનારી પ્રજાના પૈસામાંથી ચુકવશે.કેજરીવાલ સાહેબ આ દિલ્હી કે પંજાબ નથી પરંતુ ગુજરાતની મહેનતુ પ્રજા છે. તમે પોતે જાણો છો કે તમે તમારા મેરીટ (લાયકાત)થી ચૂંટાઈ નથી શકવાના તેથી ગુજરાતની પ્રજાને આંબા-આમલી બતાવીને જીતવાના તીકડમ કરો છો. ભુલતા નહીં કે આ ગુજરાતની ઈમાનદાર ને મહેનતકક્ષ પ્રજા છે. તેથી કરોળીયાની જેમ જાળું બાંધીને પ્રજાને ફસાવવાની કોશિષ ન કરો તો સારું. મુકુંદ સંઘવી – કાંદિવલી.
———
લોકો અને સ્વચ્છતા
આપણામાં કહેવત છે કે ‘સ્વચ્છતા દેવી સમાન છે’ પરંતુ આજે ઠેર ઠેર ગંદકીભર્યું વાતાવરણ નજરે પડે છે. ઘરના આંગણામાં,, ટોઈલેટોમાં, હોટલોમાં અને સ્ટેશનો પર દેખાતી ગંદકીથી આપણું નાક પકડવાની ફરજ પડે છે! રસ્તાઓ ઉપર ઉકરડા, ગંધાતી ગટરો અને થૂંકથી ભરેલા રસ્તાઓથી તોબાહ પોકારી જવાય છે. બારીમાંથી કચરો ફેંકવો, રસ્તામાં થૂંકવું, કેળાની છાલ નાખવી એ તો કેટલાક લોકોને જાણે જન્મસિદ્ધ હક્ક હોય એમ લાગે છે. આ બદીઓથી કોલેરા, ટાઈફોઈડ વિગેરે રોગો ફેલાય છે. લોકોએ પોતાની જવાબદારી સમજીને કોઈપણ જાતની ગંદકી ન કરતા સ્વચ્છતાને પહેલી પસંદગી આપવી જોઈએ.
શાપુર સ્યાવક્ષ શાહ ખંધાડિયા- બોરીવલી (પશ્ર્ચિમ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.