પ્રજામત

પ્રજામત

વડા પ્રધાન અને ઉદ્ઘાટનો
સવારના પહોરમાં ન્યૂઝ પેપર ઉઘાડતાં જ હેડ લાઈનમાં વાંચવા મળે છે કે આજે વડા પ્રધાને આનું ઉદ્ઘાટન કર્યું અને આજે આનો શિલાન્યાસ કર્યો- આનું લોકાર્પણ કર્યું- અને તે પણ દેશના એક છેડેથી બીજા છેડા સુધી બધા જ ઉદ્ઘાટનો- લોકાર્પણ- શિલાન્યાસ મોદીજીના હસ્તે જ થાય! કહેવાય છે કે મોદીજી ૧૮ કલાક કામ કરે છે- તો ક્યારે કરે છે- બધો સમય તો એક જગ્યાએથી- બીજી જગ્યાએ લકઝરી વિમાનમાં ઉડવામાં જ વેડફાઈ જાય છે. દેશના કામ ક્યારે થાય છે!
ખાલી મોદીજી જ નથી જતા પણ તેની સાથે તેનો ૧૫૦ માણસનો રસાલો પણ જાય છે. શા માટે સ્થાનિક નેતાઓને મહત્ત્વ આપવામાં નથી આવતું- આવાં ઉદ્ઘાટનો- શિલાન્યાસ કે લોકાર્પણ જે તે જગ્યાના સ્થાનિક નેતા અથવા તે ખાતાના પ્રધાનોના હસ્તે કરી દેવામાં આવવા જોઈએ જેથી ફાલતું ખર્ચ- સમય અને માનવશક્તિ બચાવી શકાય. આ નગ્ન સત્ય શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી નહીં સમજતા હોઈ. દેશમાં અનેક સારા અને સ્વચ્છ નેતાઓ છે. તેને પણ પોતાની કાબેલિયત બતાવવાનો મોકો આપવો જોઈએ.
બાકી બધામાં રાજકીય ફાયદો- ગેરફાયદો જોવાનો હોય તો આ દેશને ભગવાન જ બચાવી શકે.
– કલીમ ટી. કપાસી, અંધેરી (ઈસ્ટ), મુંબઈ-૫૯
———
ગુરુ કેવા હોવા જોઈએ?
સૌ પ્રથમ ‘મુંબઈ સમાચારે’ બે શતાબ્દી પૂરી કરી ત્રીજી શતાબ્દીમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે તમને તેમ જ મુંબઈ સમાચારના સમગ્ર કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારાં વર્ષોમાં ‘મુંબઈ સમાચાર’ વધુ ને વધુ પ્રગતિ કરતું રહે અને સમાચાર સહિત વિદ્વાન લેખકો દ્વારા લખાયેલા લેખથી જ્ઞાન પીરસતું રહે એ જ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.
તા.૧૩મી જુલાઈના અંકમાં ‘ઈન્ટરવલ’ પૂર્તિમાં ‘કવર સ્ટોરી’માં શ્રી મુકેશ પંડ્યાનો ‘ગુરુ કેવા હોવા જોઈએ?’ના શિર્ષક હેઠળનો લેખ વાંચ્યો. પહેલા જ ફકરામાં એમણે પ્રાચીન ભારતમાં ગુરુકુળનું શિક્ષણ અને આજના શિક્ષણની જે વાત કરી છે તે બિલકુલ યથાર્થ છે. આ વિશે ટી.વી. પર આવતી આધ્યાત્મિક ચેનલમાં કોઈ એક ચેનલમાં એક કથાકારે તેમની કથામાં આ વિશે કહ્યું હતું કે આજનું શિક્ષણ એ આજીવિકા શિક્ષણ છે, જીવન શિક્ષણ નથી અને પછી તેનું વિશ્ર્લેષણ કરી તેના વિશે વિસ્તારથી સમજાવ્યું હતું.
મારી પાસે ‘શ્રીમદ્ ભગવતગીતા પાઠશાળા’ માધવબાગ મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક પ્રાર્થના-પ્રીતિ છે. તેમાં ગુરુ વંદનાના એક શ્ર્લોકમાં ગુરુ કેવા હોવા જોઈએ વિશેનું સુંદર આલેખન કર્યું છે.
આ શ્ર્લોકનું ગુજરાતી અર્થઘટન નીચે પ્રમાણે છે.
અર્થાત્ બહ્મના આનંદરૂપ, શિષ્યોને પરમસુખ આપનાર, કેવલ સ્વરૂપ, જ્ઞાનની મૂર્તિ જેવા, સુખદુ:ખ વગેરે દ્વંદ્વોથી મુક્ત, આકાશ જેવા નિર્લેપ અને ગંભીર, ‘તત્ત્વમસિ’ આદિ મંત્રો જેનું લક્ષ્ય છે એવા, એકસ્વરૂપ, નિત્ય, નિર્મળ અચળ, સર્વની બુદ્ધિના સાક્ષીરૂપ, સર્વ ભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના એવા શ્રી સદ્ગુરુને હું નમન કરું છું.
– ઋષભ મજમુદાર, બોરીવલી (વેસ્ટ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.