‘મુંબઈ સમાચાર’ની પૂર્તિઓના
નવા રૂપરંગ માટે અભિનંદન
મુંબઈ સમાચારની તમામ પૂર્તિઓ ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર બની રહી છે. કેટલા બધાં જાણીતા પત્રકારો – આશુ પટેલ, રાજ ગોસ્વામી, હરિ દેસાઈ, વિક્રમ વકીલ, ભરત ભારદ્વાજ, અભિમન્યુ મોદી, પ્રફુલ્લ શાહ, ગીતા માણેક, અનિલ રાવલ, ભરત પટેલ, મુકેશ પંડયા, હેન્રી શાસ્ત્રી, વિપુલ વૈદ્ય, વર્ષા અડાલજાના લેખો આ પૂર્તિઓમાં વાંચવા મળી રહ્યા છે. ઉપરાંત પૂ. મોરારિબાપુના લેખો, લાડકી પૂર્તિ, અલભ્ય ગ્રંથ વિશ્ર્વ, પુસ્તકોની દુનિયા જેવી કોલમો, સાહિત્યના અને સાંસ્કૃતિક સમાચારો બહુ ઓછા ગુજરાતી દૈનિકોમાં વિષયોનું આટલું વૈવિધ્ય જોવા મળે છે. દરેક ગુજરાતીએ મુંબઈ સમાચાર વાંચવું જોઈએ. ગુજરાતીઓ ગર્વ લઈ શકે તેવી વિભૂતિ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. મુનશીજી વિશેની પૂર્તિ વાંચીને તો મન પ્રસન્ન થઈ ગયું. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત નવનીત સમર્પણના તંત્રી દીપક દોશી, ગીતા માણેક, આશુ પટેલ, તંત્રી નીલેશ દવે, અભિમન્યુ મોદી, ભરત ભારદ્વાજના મુનશીજી વિશેના માહિતીસભર લેખો આ પૂર્તિમાં વાંચી ઘણી નવી વાતો જાણવા મળી. તંત્રી નીલેશ દવેને ખૂબ ખૂબ અભિનંદન.
હેમંત એન. ઠક્કર
—————-
યોગીનો સપાટો:
ખૂનખાર ૧૬૮ ખૂની ઠાર, અન્ય રાજ્યો વિચારે તો રામરાજ્ય બને
યુ.પી.માં બે યુવતીઓની હત્યા કરનારાઓને પોલીસે તપાસ કે માથાકૂટમાં પડ્યા વગર ઠાર કરી દીધા. દિલ્હીમાં શ્રદ્ધાના ૩૫ ટુકડા કરનાર આફતાબ જેવાના આવા હાલ કરી દેવા જોઈએ જેથી રોજબરોજ યુવતીઓ ઉપર દુષ્કર્મ, હત્યા, રેપ, છેડતી, સિગરેટના ડામ, ગર્ભાશયમાં વસ્તુઓ ઠોકીને જે કૃત્ય કરે છે જે હાજાં ગગડી જાય છે. ચારથી દસ વર્ષની છોકરીઓ સાથે આવી નિર્દયતા કરે છે આ સરકાર કેમ ચલાવ છે, જેમ યોગી કરે છે તેમ અન્ય રાજ્યોએ પણ કરી દાખલો બેસાડવો જોઈએ. યોગીએ ખંડણી ચોર, ગુંડા, લફંગા વી.ને ગેંગસ્ટર એકટ હેઠળ તેને પકડી જેલમાં ધકેલ્યા છે. ૬૯૪૯ અપરાધીઓની ધરપકડ કરી છે. જેનાં માથે ઈનામો છે તેઓની દુકાન, રહેણાંક, પ્લોટો, બાંધકામ, વી. બુલડોઝર મોકલાવી કબજે કરેલ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦,૦૦૦ એન્કાઉન્ટર થયા છે. ઉદયભાણ યાદવ, બલરાજ ભાટી, ગૌરી યાદવ જેવા કુખ્યાતોને ઠાર કરેલ છે. આવી રીતે દેશનાં અન્ય રાજ્યો વલણ અપનાવે તો ગુનાખોરીનું નામ ઘટી જાય અને દેશમાં રામરાજ્ય સ્થપાય જેથી ભારત મહાન બને.
હીરાલાલ વી. ઊનડોઠવાલા, ચેમ્બુર.
—————
ઘડિયાળ….
સુખ દુ:ખનો અહેસાસ કરાવનારી,
આ કોણે બનાવી છે ઘડિયાળ?
પરિણામ ગમે એવું આવે.
તોએ અટકતી નથી ઘડિયાળ?
સેકંડ, મિનિટ ને કલાકનો કાંટો,
સાથ મળીને કામ કરે છે,
ફરજ નિષ્ઠાનો પાઠ ભણાવે છે,
હચમચતો રાખે છે. પૂરો સંસાર.
કોઈ ભલેને દીવાલે લટકાવે,
કોઈ ભલેને કાંડે બાંધે,
એના એક કાંટા પર,
ધ્યાન રાખી દુનિયા,
ચલાવે છે, પોતાનો વ્યવહાર
રોજ તારીખિયાનું પાનું ફડાવે છે,
જિંદગીનો ચડાવ ઉતાર દેખાડે છે,
માનવજિંદગીની એક એક
પળનો હિસાબ માગે છે, વારંવાર.
નથી કુદરતે એનો,
આકાર બનાવ્યો, નથી ઈશ્ર્વરે,
એમાં જીવ પૂર્યો માનવીની જિંદગીને,
અતૂટ બંધને બાંધીને, ફેરવી રહી છે
દુનિયાની ઘટમાળ.
રચનાકાર: નવીનચંદ્ર કાચલિયા (નવસારી)
—————
“ગગનચુંબી ઈમારતોમાં આગ
તા. ૨૯/૦૧/૨૦૨૩ના “મુંબઈ સમાચારમાં બહુમાળીય ઈમારતમાં રહેતા લોકોના જીવ જોખમમાં શીર્ષક હેઠળ પ્રગટ થયેલ અહેવાલ વાંચ્યો. ફાયરબ્રિગેડે થોડા સમય પહેલા મુંબઈની અમુક બહુમાળીય ઈમારતના કરાયેલ સર્વેમાં ૧૪૭માંથી ૬૩ ઈમારતોમાં ફાયર સેફટી સિસ્ટમ ઠપ્પ હોવાનું જણાયું હતું. ભૂતકાળમાં પણ, શહેરના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા કરાયેલ, આવી ઈમારતોના “ફાયર ઓડિટનો અહેવાલ લાલ બત્તી સમાન છે, જે જણાવે છે કે શહેરની આવી બહુમાળી ઈમારતોમાંથી ૮૦ ટકા ઈમારતો ‘ફાયરપ્રૂફ’ નથી. આમ આ ઈમારતો એક કરતાં વધુ વખત મોતના પિંજરા સમાન પુરવાર થયેલ છે.આગની આવી દરેક દુર્ઘટના વખતે અત્યાર સુધીનો અનુભવ કડવો જ રહ્યો છે કારણ કે ત્યારે દરેક વખતે આવી ઈમારતોમાં ફાયર ફાઈટિંગ સાધનોની ઊણપ છતી થતી રહી છે. મુંબઈમાં ૬૦-૭૦ માળના મકાનમાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડની મર્યાદા એ છે કે તેમની પાસેની સૌથી ઊંચી (૯૦ મીટર ઊંચી સીડી) માંડ ૩૦-૩૨ માળ સુધી જ પહોંચી શકે છે.આગ લાગવા માટે મકાનના ફોલ્ટી વાયરિંગ તથા ઘર/ઑફિસ/દુકાનના ડેકોરેશનમાં કરાતો જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ પણ એટલો જ જવાબદાર છે વધુમાં, આવા નભને આંબવા મથતાં મકાનોમાં કાચનો વધુ પડતો ઉપયોગ આગ ઓલવવાની કામગીરીમાં અડચણરૂપ થતો હોવા છતાંયે સુરક્ષાને જોખમે મકાનોને કાચથી શણગારવાની ઘેલછા ઓછી થતી નથી. આવી દરેક દુર્ઘટનામાં એ વાત જણાઈ છે કે આવી ગંગનચુંબી ઈમારતોમાંના આગ બુઝાવવાનાં સાધનો કાં તો અપૂરતાં છે યા તો આ સાધનોની યોગ્ય જાળવણી થતી નથી, જેને કારણે ‘દશેરાને દિવસે જ ઘોડો દોડતો નથી.’ શહેરમાં જ્યારે આવી ઊંચી ઈમારતોમાં આગ લાગવાની દુર્ઘટનાઓ છાશવારે બને છે ત્યારે આપણે ‘કુંભકર્ણની ઊંઘ’માંથી જાગવાની જરૂરત નથી લાગતી?
કિશોરકુમાર જીવણદાસ વેદ.
—————
વડીલો અને એકલતા
કોવિડે ઘણી ઑફિસોની કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. હજુ ઘણી કંપનીઓના કર્મચારી ઘરેથી કામ કરે છે. મોટાભાગનું કામ મોબાઈલ અને કોમ્પ્યુટર પર થાય છે.
ઘરેથી કામ કરતા કર્મચારીઓ ઑફિસના કામ સિવાય ગેમ જોવામાં અને ફાલતુ વાતો કરવામાં ઘણો સમય વેડફતા હોય છે.
તેમના વડીલોને વાત કરવાનું મન થાય અને પુત્ર કે પુત્રવધૂના રૂમમા પ્રવેશ કરે તો હંમેશા સંતાનોને કોમ્પ્યુટર પર કામ કરતા જુએ છે. સંતાનોની ઑફિસના કામમાં ખલેલ ન પહોંચે એમ માનીને વાત કરતા નથી અને એકલતા અનુભવે છે, પરંતુ તેમને જાણ હોતી નથી કે સંતાનો ઑફિસના કામ સિવાય ઘણો સમય એમ જ મોબાઈલ ઉપર વેડફતા હોય છે. માતા-પિતા સાથે વાત કરવી જરૂરી છે.
વર્ક ફ્રોમ હોમના કાંઈ ચોક્કસ કલાકો હોતા નથી અને વડીલોને તેમના યોગ્ય સમયે જમવાનું આપવાનું પણ ધ્યાન રહેતું નથી.
આભાર સાથે આદર્શ વોરા.