Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

ચૂંટણીપંચની સ્વતંત્રતા અંગે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે તમામ સરકારોએ ચૂંટણીપંચની સ્વતંત્રતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખી છે. ૧૯૯૬ બાદથી સરકારોએ કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશ્નરને નેતૃત્વ કરવા છ વર્ષનો કાર્યકાળ આપ્યો નથી. એ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે, ચૂંટણીપંચ સ્વાયત્ત છે તેથી તેના વડા તરીકે શ્રેષ્ઠ વ્યક્તિની નિમણૂક થવી જોઈએ પણ તમામ પક્ષોએ ચૂંટણી કમિશ્નરની અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગી કેવી રીતે કરવી તે અંગે બંધારણમાં સ્પષ્ટતા નથી કરાઈ તેનો લાભ લીધો છે. જસ્ટિસ કે. એમ. જોસેફસાહેબના અધ્યક્ષપદ (વડપણ) હેઠળની બૅન્ચે કરેલી આ ટિપ્પણી રાજકીય પક્ષો માટે આકરી ટિપ્પણી છે. જેને તમામ રાજકીય પક્ષોએ ગંભીરતાપૂર્વક લક્ષમાં લેવી જોઈએ. સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યક્ત કરીને અટકી જવાના બદલે ચૂંટણી કમિશ્નરની પસંદગી અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગી કેવી રીતે કરવી તે અંગેનાં ધારા-ધોરણો નક્કી કરે એ પણ ખૂબ જ જરૂરી છે. એ સિવાય સિસ્ટમ (પ્રણાલિ)માં સુધારો નહીં થાય. ચૂંટણીપંચને વધુ સ્વતંત્રતા આપવા દિનેશ ગોસ્વામી સમિતિએ ૧૯૯૦માં ભલામણો કરી હોવા છતાં સંસદમાં હજુ સુધી કાયદો ઘડાયો નથી. તેનો અર્થ તો એજ થયો કે કોઈ જ રાજકીય પક્ષો આ અંગે ગંભીર નથી. આ દુ:ખદ અને ખૂબ જ ખેદજનક કહેવાય.
– મહેશ વી. વ્યાસ, પાલનપુર
————-
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી
થોડા થોડા વખતે જે. એન. યુ.ચર્ચામાં આવે છે. મેં પહેલાં પણ લખેલું કે આ કેમ્પસ સત્વરે બંધ કરી અહીં બીજી કોઈ સારી પ્રવૃત્તિ કરનાર સંગઠનને સોંપી દેવું જોઈએ. કારણ કટ્ટરપંથી ટુકડે ટુકડે ગેંગ અહીં સક્રિય છે અને એની દેશ વિરોધી માનસિકતાનું પ્રદર્શન કરતી રહે છે. અહીંના ઘણાં છાત્ર વિદ્યાર્થી કરતાં રાજકરણી વધારે દેખાય છે. આ વખતે બ્રાહ્મણ વિરોધી માહોલ બનાવ્યો છે અને ભીંતો પર બ્રાહ્મણ પાછા જાવ એવાં સૂત્રો લખાયાં છે. અહીંના છાત્રો સમજે છે કે દિલ્હીમાં આનાથી સસ્તું રહેવાનું અને ખાવાનું નહીં મળે એટલે એક જ કલાસમાં ત્રણ ત્રણ વરસ કાઢે છે. કેમ્પસમાં પોલીસ પણ પરવાનગી વગર નથી આવી શકતી એટલે કોઈ ડર પણ નથી. છેલ્લે ટુકડે ટુકડે ગેંગના ખાલિદ ઉંમરને સજા થઈ પણ આપણાં કાયદા અને ન્યાય પ્રણાલીને કારણે જામીન પર છૂટી ગયો છે. આ યુનિવર્સિટી અને એની હૉસ્ટેલમાં એડમિશન વખતે જ વિદ્યાર્થી પાસે લેખિતમાં લેવું જોઈએ કે એ અહીં ભણવા સિવાય બીજી રાજકીય કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં ભાગ નહીં લે અને જો પકડાય તો તરત કાઢી મૂકવામાં આવશે.
– જીતેન્દ્ર શાહ, હૈદરાબાદ.
————–
મુંબઈ સમાચારની ફન વર્લ્ડ એટલે ઈતિહાસ,
ભૂગોળ, વિજ્ઞાન ગદ્ય-પદ્ય સહેલગાહ
મુંબઈ સમાચારની ફનવર્લ્ડ એટલે ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન ગદ્ય-પદ્યની સહેલગાહ જેવું વાંચન મળે છે જેમાં આજની પેઢી અને વરિષ્ઠ નાગરિકોને વાંચીને આનંદ થાય છે જેમાં અજબગજબનું જ્ઞાનને જાણવાજોગ મળે છે. ગામડાઓ, કિલ્લાઓ, હેરીટેજ મકાનો, કૂવા-તળાવો, વનસ્પતિઓ, ઔષધીઓ, જૂની ફિલ્મો, ગીતો, ફિલ્મી કલાકારો, તેમની ફિલ્મો, ગાયન, ગામડાની પારંપરિક ચીજોની ઓળખાણ, ગુજરાતી કલાકારો, તેમની ઓળખ, તેમણે ગાયેલાં કે બનાવેલ ગીતો, તેમાંય ખાસ નવરાત્રિમાં ગવાતાં ગીતોની મહેફિલમાં ઘણી મઝા આવી કારણ કે વરિષ્ઠો વાંચતા વાંચતા બાળપણને ગામડા થતી ગરબી, રીતરિવાજ, કેમ રમાતી વિ. આછો પરિચય થતાં બાળપણ યાદ આવી જાય છે. ગામડાની જૂની સંસ્કૃતિ, ઘરમાં કે ખેતરનાં ઓજારોની માહિતી, દરેક ભાષાના શબ્દોની જોડી એવો ભાષા વૈભવ, ચતુર આપો જવાબનાં ઉખાણાં વાંચી નાની કે દાદીના ખોળા યાદ આવી જાય. ગુજરાત મોરી મોરી રે, ઓળખાણ પડી, માઈન્ડ ગેમ, ઈર્શાદથી બહુ મઝાનું વાંચન મળે છે જે ગૌરવરૂપ છે કે જેનાથી આપણી સંસ્કૃતિ તાજી થાય અને જળવાઈ રહે. ખરેખર ફન વર્લ્ડ એ વાચકો માટે જ્ઞાન, ગમ્મત અને ગામડા અને શહેરોની સંસ્કૃતિ વંચાય અને જળવાય એમાં જ મઝા છે.
હીરાલાલ વી. ઊનડોઠવાલા, ચેમ્બુર.
————–
મુલુંડને લગતી વિવિધ સમસ્યાઓ
અમે શ્રી મુલુંડ ગુજરાતી સમાજ આપના સમાચાર પત્રના માધ્યમથી મુલુંડને લગતી વિવિધ પ્રકારની સમસ્યાઓ પ્રત્યે આપનું ધ્યાન દોરવા માગીએ છીએ અને આશા રાખીએ છીએ કે મુલુંડગરાઓની લાગણીઓ અને સમસ્યાઓને આપનું છાપું યોગ્ય સ્થાન આપી અમને અનુગ્રહીત કરશે.
૧) ભારતીય સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ એવી ગૌમાતાઓને છેલ્લા કેટલાય સમયથી એલ. બી. એસ. રોડસ્થિત નાથુલાલજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાંથી છાની રીતે બીજે ખસેડવામાં આવી રહી છે જેના વિરોધમાં મુલુંડના ગૌભક્તો અને ગૌપ્રેમી સંસ્થાઓએ તા. ૨૨-૧-૨૩ના મૂક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરઘસ કાઢયું હતું જેમાં હજારોની સંખ્યામાં મુલુન્ડવાસીઓ જોડાયા હતા. અમારી માગણી છે કે કોર્ટમાં ચાલતા કેસ StamP No. WPST/1172/2023“નો જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી ટ્રસ્ટવાળા ગાયોને ક્યાંય પણ ન ખસેડે.૨) આખી દુનિયામાં આજે પર્યાવરણને લઈને યોગ્ય પગલાંઓ લેવાઈ રહ્યાં છે અને એમાં આપણી સરકાર પણ તીવ્રતાથી આગળ વધી રહી છે. એવી વખતે મુલુંડ સ્મશાન ભૂમિમાં હજુ સુધી ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ શરૂ કરવામાં નથી આવ્યું. સ્મશાનમાં બળતા લાકડાના ધુમાડાથી પર્યાવરણને તો નુકસાન થાય જ છે પણ સ્મશાનને અડીને હેવી ટ્રાફિક વાળા ડમ્પિંગ રોડ અને એની ઉપરના બિલ્ડિંગોમાં રહેતા હજારો રહેવાસીઓને આંખ અને ફેફસાના રોગ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.૩) મુલુંડના રસ્તાઓ પર અમુક જગ્યાએ રાતના અંધારપટ છવાયેલો હોય છે અને અમુક જગ્યાએ નવા પોલ નાખ્યા પછી જૂના પોલ હજૂ કાઢયા નથી એના કારણે નાગરિકોને કનડગત થયા કરે છે.૪) રસ્તા પરના સિગ્નલો પર કેટલીક જગ્યાએ વાહનોના ચાલક લાલ સિગ્નલ થયાં છતાં વાહન પૂરજોશમાં હંકારી જાય છે અને કોઈ પોલીસવાળા દૂર દૂર સુધી દેખાતા નથી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન રોકવા તાત્કાલિક કેમેરા લગાવીને નિયમભંગ કરનારને ચાલાન મોકલવું જોઈએ.આશા છે લાગતાવળગતા સરકારી વિભાગો અને લાગતીવળગતી સંસ્થાઓ ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય પગલાં લઈ મુલુંડવાસીઓને રાહત આપશે.
શરદભાઈ પટેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular