પ્રજામત

પ્રજામત

આચાર સંહિતા જાળવવામાં અડીખમ- ‘મુંબઈ સમાચાર’

વર્તમાનમાં અખબાર સમાજ જીવનની આરસી છે. સમાજની તસવીર એમાં પ્રતિબિંબિત થતી હોય છે. લોકોમાં વૈચારિક ક્રાંતિ આણવાનું સામર્થ્ય તથા જનસમુદાયમાં વિવેકબુદ્ધિ કેળવવાનું કાર્ય અખબારો દ્વારા પણ થઈ
શકે છે.
‘મુંબઈ સમાચાર’ દીર્ઘ કારકિર્દીની વણથંભી કૂચ તરફ આગળ વધી રહ્યું છે. એ એની લોકપ્રિયતાનો પુરાવો છે. લેશમાત્ર ડર્યા વગર નીડરપણે રજૂઆત કરવાની અનોખી પ્રણાલિકાઓ આપે જાળવી રાખી છે.
લોકમાનસ પર મૂલ્યોનો ગજબનો પ્રભાવ પાડે છે. હલકી કક્ષાનું લખાણ- ઉત્તેજક- અશોભનીય શબ્દો કે બીભત્સ ફોટાઓથી વાચકોની મનોવૃત્તિને બહેકાવી વેચાણ વધારવાના પ્રયાસોથી મુ. સ. દૂર રહ્યું છે. એ આપની અનેરી ખાસિયત ગણાય. ભદ્ર- સંસ્કારી ઘરોમાં બધા જ વાંચી શકે એવી આચારસંહિતા જાળવવામાં આ અખબાર અડીખમ લાગે છે અને તેના લીધે સેંકડો વાચકોના દિલમાં છવાઈ ગયું છે.
વિચારવા પ્રેરે અને તે અંગે કશુંક કરવા બળ મળે તેવા ગતિશીલ લેખોને તથા જુલમોની સામે અવાજ ઉઠાવી પ્રજાકીય હિતો તથા સંસ્કૃતિની ધરોહરની રક્ષા કરે એવા લેખોને ‘વાચકની કલમ’ વિભાગ દ્વારા પ્રાધાન્ય આપી શકાય. ટૂંકમાં વિકૃતિઓ- બદીઓને ખુલ્લી પાડી સંસ્કારી- સદાચારી પ્રજાનું ઘડતર કરવામાં તથા ઉચ્ચ મૂલ્યોને કેન્દ્રમાં રાખી સમર્થ બની મું. સ. ફૂલે ફાલે એજ અભ્યર્થના.
– સેવંતી મ. સંઘવી (થરાદ), અંધેરી-પૂવ
———–
શૈક્ષણિક સંસ્થાઓ- ભણાવવું ઓછું, ફી વધારે
લગભગ બધી જ સ્કૂલો- કૉલેજો અંદાજિત વરસમાં ૧૬૦ દિવસ ચાલુ હોય છે. સમર વેકેશન, દિવાળી, નાતાલ, જાહેર રજાઓ, શનિવાર- રવિવારની રજાઓ ઘણો તો ૨૦૫ દિવસ રજાઓમાં જ જાય છે. છતાં લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ આપણા પાસેથી વરસભરની તથા ટર્મ ફી વસૂલે છે. પાંચ મહિના ભણાવીને આપણી પાસેથી અંદાજિત ૧૩-૧૪ મહિનાની ફી વસૂલ કરે છે. આ બાબતે લાગતા-વળગતા ખાતાઓએ ઘટતું કરવાની જરૂર છે.
વિપિન-પરેશ મોમાયા
અંધેરી (ઈસ્ટ)
———–
ખૂબ ખૂબ આભાર
શ્રી કબીર સી. લાલાણી દ્વારા દિનાંક ૬-૬-૨૨, સોમવારના ‘મુંબઈ સમાચાર’ આવૃત્તિમાં “વિશેષ કોલમમાં “જિંદગીના લીલાછમ ખેતરને પાયમલીથી બચાવવા માગો છો? – શિષર્ક હેઠળ તેમ જ દિનાંક ૨૩-૬-૨૨, ગુરુવારના ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં મુખ્બિરે ઈસ્લામ લેખમાં “નાઉમ્મિદીમાં ઉમ્મિદ આફ્તાબ: કાનૂને ઈલાહીની હેકેમિયત શિર્ષક હેઠળ જે ખૂબસૂરતીથી લેખો રજૂઆત કરવામાં આવ્યા છે તે બદલ તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ.
આજના ભસ્માસૂરી ભોગવિલાસી માહોલમાં અમારા જેવા (હવે) ગણ્યાગાંઠ્યા જનોને એક સુખદાયી અનુભૂતિ કરાવતા આવા અર્થસભર/દળદાર લેખો શ્રી કબીર જરૂર આપતા રહેશે, તેવી ઈશ્ર્વર (અલ્લાહ)ને વિનમ્ર અરજ.
બાકી ધર્મ/આધ્યાત્મને લગતા આવા દળદાર લેખોનું વિવેચન/સમજણ હવે એક દુર્લભ બાબત. આજકાલ જે વિવેચન લેખન પિરસાય છે તે આજ-કાલના બ્રાન્ડ-ઈમેજવાળા સાધુ-સંત-તાંત્રિકોના સંપ્રદાય/ફિરકાઓના માર્કેટિંગની જ પ્રતીતિ.
‘મુંબઈ સમાચાર’ ભવિષ્યમાં આવા અર્થસભર લેખો પ્રકટ કરતા રહેશે તેવી આશા.
ઈશ્ર્વર સૌને સત્બુદ્ધિ અર્પે.
– મુકુલ ઘ. સોની (એક હિન્દુજન)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.