Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

સંસદ અને વહીવટમાં મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ ક્યારે?
થોડા દિવસો પૂર્વે જ મહિલા દિન ઉજવાયો. મહિલા ઉત્થાનની અનેક સુફિયાણી વાતો થઇ, પરંતુ સંસદ અને ધારાગૃહોમાં મહિલા અનામત ખરડો ૪૦ વર્ષથી લટકે છે.
૨૦૨૨માં ૮ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. તેમાં મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહિલા મતદાનની ટકાવારી વિધાનસભા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય અને સંસદની ચૂંટણીમાં પણ વધેલી જોવા મળે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, સ્વાતંત્ર્ય બાદ સંસદમાં મહિલા પ્રતિનિધિત્વ એકંદર ૧૦% થી વધ્યું નથી. આ બાબતે આપણે પાકિસ્તાન, નેપાળ અને બંગલાદેશ કરતાં પણ પાછળ છીએ.
ભારતમાં વહીવટીતંત્રમાં પણ આ જ રીતે મહિલા પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ૨૦૨૦માં સચિવોની સંખ્યામાં માત્ર ૧૪% મહિલાઓ હતી. કેન્દ્રીય પ્રદેશો સહિત પૂરા ભારતમાં મુખ્ય સચિવો માત્ર ૩ મહિલાઓ જ છે.
હવે લશ્કરમાં પણ મહિલાઓ ફરજ બજાવવા આગળ આવી છે. રાજનીતિ તેમ જ વહીવટીતંત્રમાં પણ આટલાં નબળાં પ્રતિનિધિત્વ સામે ઓછામાં ઓછું ૫૦% પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
અશ્ર્વિનકુમાર ન. કારીઆ, પાલનપુર
————–
“મુંબઈ સમાચારમાં તંદુરસ્તી વિષયક માહિતી જ્ઞાનવર્ધક
વિશ્ર્વમાં દરેકે દરેક દેશમાં ત્યાંની ભાષામાં પ્રસિદ્ધ થતું ‘મુખપત્ર’ પ્રજાજનને ઘણી ઘણી મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. માત્ર રાજકારણની જ નહીં… વિવિધ ક્ષેત્રો જે જીવનમાં રોજેરોજની ક્રિયામાં આવે છે તેની ઉપર પણ જ્ઞાન, વિસ્તૃત છણાવટ સાથે વિકાસલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે. ખરેખર આમાં ગુજરાતીભાષી “મુંબઈ સમાચાર અગ્રિમ સ્થાન ધરાવે છે. ડબલ સેન્ચુરી વટાવી ગયેલ સિદ્ધિ નાની-સુની ન જ કહી શકાય. હમણા હમણા રોજબરોજની તંદુરસ્તી વિષયક માહિતી ખૂબ જ જ્ઞાનવર્ધક તથા શારીરિક તંદુરસ્તીની જાળવણી કેવી રીતે તથા શું કામ જરૂરી છે તે અલગ રીતભાત દાખલાઓ સહિતનું જ્ઞાન પૂરું પાડે છે. આજે જ્યારે બીજા ઈલેક્ટ્રોનિક માધ્યમોનો બહોળો વપરાશ થઈ રહ્યો છે ત્યારે હાજરાહજૂર મૂખપત્રક માહિતી સરભર પેશ કરવું તે આવકારલાયક, વ્યક્તિ-સમાજ-દેશને ઉપયોગી થઈ રહેલ છે. મુંબઈ સમાચાર હજુ પણ વધુ ને વધુ સફળતાના સોપાન સર કરે તેવી દિલથી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક.
– હર્ષદ દડિયા
—————
મોંઘવારી ધર્મ અને શાંતિ
આજની આ મોંઘવારીએ સર્વ સામાન્ય લોકોને દોજખમાં નાખી દીધા છે. સરકાર નવી ગાડીઓ બનાવે, ઈલેક્ટ્રિક ટેક્સીઓ કરે, નવા નવા એરપોર્ટ બનાવે, પરંતુ અ બધી વ્યવસ્થાના ખર્ચા એટલા છે કે સામાન્ય માણસ મૃત્યુ સુધી આવી સગવડતાનો લાભ નથી લઈ શકતો. ૧૦% થી ૧૫% માણસો જ આવી મોંઘી વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. બીજી બાજુ ધર્મ, જાત, જ્ઞાતિ, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરેને લઈને પૂરા દેશમાં અશાંતિ રહે છે. બધા જ ધર્મો એક બીજા ધર્મથી પોતાના ધર્મને ઉચ્ચ સમજતા થયા છે અને આજ એક ઇર્ષ્યા અને રાગદ્વેષનું કારણ બની રહે છે.
સમય આવી ગયો છે કે હરેક ધર્મના લોકો સાથે બેસી નિર્ણય લે કે આજની તારીખે જે કોઈ મંદિરો, હવેલીઓ, મસ્જિદો, દરગાહો, દેવળો, બૌદ્ધ મંદિરો વગેરે હયાતીમાં છે. તે રહેવા દઈ કોઈ નવા ધર્મસ્થાનો બાંધવા નહીં. આ બાબતનો કાયદો પાર્લામેન્ટમાં પાસ કરાવવો અને સર્વ ધર્મના લોકો એક બીજા પ્રત્યેના ધર્મનો આદર કરે અને દરેક ધર્મમાં લોકો આસ્થા રાખે તો ભારતમાં ફરી રામરાજ્ય સ્થપાય જાય અને ચોમેર શાંતિ પ્રવર્તે. ઉચ્ચ-નીચનો ધર્મ બાબતનો ભેદ નીકળી જાય, એકબીજાના ધર્મ ઉપર આસ્થા વધે અને સ્વર્ગનું નિર્માણ થાય.
– પ્રફુલ સેલારકા, ઘાટકોપર
—————
ગુજરાતી ભાષાનું શિક્ષણ
૧લી માર્ચના મું.સ.ના અગ્રલેખમાં ભરત ભારદ્વાજે ગુજરાતની વિવિધ માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષાની દયનીય અને શરમજનક સ્થિતિનું સાંગોપાંગ ચિત્ર પ્રસ્તુત કરેલ છે.”….. છેક ૨૦૧૮માં ૧૩મી એપ્રિલે રૂપાણી સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપેલ કે રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ ૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ ૪ અને એ રીતે ક્રમશ: ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું પડશે. સીબીએસઇ, આઈસીએસઇ અને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવવું. આ પરિપત્રનો અમલ નવા સત્રથી અર્થાત્ જૂન, ૨૦૧૮થી કરી દેવો એવો આદેશ અપાયેલ. કથિત પરિપત્રના આદેશ માટે વારંવાર રિમાઈન્ડર પણ અપાયેલ, ક્ધિતુ શાળા સંચાલકો તેને ઘોળીને પી ગયા તેમાં અમલ જ ન થયેલ.અમારા સાલસ મતાનુસાર અત્યારે ૨૦૨૩ ચાલે છે એ જોતાં કથિત પરિપત્રને સાડા ચાર વર્ષ થઈ ગયા ને હવે કાયદો લાવવો પડ્યો છે કે જૂનથી આરંભ થતા ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલ તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની સીબીએસઈ તથા ઈન્ટરનેશનલ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવાયેલ છે.આ કાયદો લાવીને ભૂપેન્દ્રભાઈ સરકારશ્રીએ પોતાની નિષ્ફળતા કબૂલી છે. હજુ પણ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ભણાવાતી નથી સદર હકીકતને આ કાયદો લાવીને સરકારશ્રીએ પોતે સ્વીકારેલ છે.આશા રાખીએ કે કાયદા થકી સરકારશ્રી ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાની પ્રક્રિયાના પ્રારંભને માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાના મનસૂબાને પાર પાડવામાં સફળતા પ્રાપ્ત કરે.
પ્રિન્સી. કે. પી. બારોટ ‘નીલેશ’, અંધેરી, મુંબઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -