Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

પ્રિન્ટ માધ્યમોની મહત્તા
પ્રસાર માધ્યમો દેશની ચોથી જાગીર છે. માધ્યમોએ તટસ્થ રીતે કાર્યરત રહી લોકો સુધી હકીકતની જાણકારી પહોંચાડવી જોઈએ. આજે સેલફોન મનુષ્યની જીવનરીતિનો એક ભાગ છે. લોકો પોતાનું ઘણું ખરું કામ તેના દ્વારા પૂરું કરે છે જ્યારે કોરોના કાળે માણસને બંદી બનાવી દીધા ત્યારે પ્રિન્ટ માધ્યમો (છાપા) પર તેની મોટી અસર થઈ. લોકોએ ઘરમાં આવતાં છાપાં બંધ કરી દીધાં હતાં અને હવે બધું મોબાઈલથી જ કામ ચાલે છે તેવું ઘણાને મોઢે સાંભળીએ છીએ. આખાને આખાં પુસ્તકો પણ મોબાઈલમાં વાંચી લે છે. પ્રિન્ટ માધ્યમમાં વાંચવાનું ઘણું જ સરળ બને, જલદીથી સમજી શકાય તેવું હોય છે. છાપાં વાંચતા વિચારો વાગોળાય છે ને રસવાળી બાબત ફરી ફરી પણ વંચાય છે. ગમતી વસ્તુ સચવાય છે. વાંચવાનો શોખ પણ એક મનનો બહુ જ મહત્ત્વનો ખોરાક છે માટે પ્રિન્ટ માધ્યમોનો ઉપયોગ વિકસાવવો જોઈએ જે માણસના મગજને ઘણું ખીલવી શકે છે અને આંખો પણ ઘણું સરળ લાગે છે. અખબાર અને પુસ્તકો વધારે વંચાય તે જરૂરી છે. વધારે પડતું મોબાઈલમાં વાંચવાનું હાનિકારક છે. જ્યાં ખર્ચ બચાવવાની વાત હોય ત્યારે પણ અખબારો, પુસ્તકો ઉપર કાપ મુકવામાં આવે છે. આજની યુવા પેઢીએ અખબાર વાંચવાની આદત પાડવી જોઈએ. જેમાં વાંચન દ્વારા જાણકારી ઘણી મળી શકે અને જ્ઞાનમાં પણ વૃદ્ધિ થઈ શકે.
પ્રો. બિંદુ મહેતા, ઘાટકોપર (પૂર્વ)
—————
બચત યોજના અને વ્યાજના દર
તાજેતરમાં રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ ઈપીએફના વ્યાજના દરમાં સાવ સામાન્ય ૦.૫ ટકાનો વધારો કર્યા પછી કેન્દ્ર સરકારે પોસ્ટની વિવિધ બચત યોજનાઓના વ્યાજના દરમાં પણ સાવ સામાન્ય ૦.૭ ટકા સુધીનો વધારો કરી સામાન્ય લોકોને નિરાશ કર્યા છે. જેમાં પીપીએફના વ્યાજના દરમાં વધારો કર્યો નથી. મધ્યમવર્ગના મોટા ભાગના પરિવારો પીપીએફમાં રોકાણ કરે છે. આવા મધ્યમવર્ગ અને નોકરિયાત વર્ગની ભાવિની સલામતી માટેની આ યોજનાના વ્યાજ દરમાં કોઈ જ વધારો ન કરીને ફરી એકવાર તેઓને અન્યાય કર્યો હોવાની લાગણી બળવત્તર બની છે. પહેલાં ઈપીએફનું વ્યાજ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીમાં બે ટકા જેટલું વધારે હતું પણ હવે બંને સરખા થઈ ગયા છે. છેલ્લા છ મહિનામાં હોમ લોન સહિતની લોનમાં ત્રણ ટકા જેટલો વધારો થયો છે, તેના કારણે મધ્યમ વર્ગ પર બોજ વધ્યો છે. તેની સામે બચતમાં કોઈ ફાયદો થયો નથી. પશ્ર્ચિમના દેશોમાં વૃદ્ધોના જીવનનિર્વાહની જવાબદારી સરકાર ઉપાડતી હોય છે. પણ આપણા દેશમાં આ શક્ય નથી. ત્યારે દેશમાં તમામ પ્રકારની બચત યોજનાના વ્યાજના દર એટલા તો હોવા જ જોઈએ કે જેથી વૃદ્ધો અને વ્યાજની આવક ઉપર જ જીવનનિર્વાહ કરનારાઓ સન્માનીય રીતે જીવન ગુજારી શકે
– મહેશ વી. વ્યાસ, પાલનપુર
————-
જીવનનું અંતિમ રહસ્ય
જીવનની અંતિમ ક્ષણે ઘડી બે ઘડીમાં… શ્ર્વાસો શ્ર્વાસ પર પૂર્ણવિરામ મુકાઈ જાય..
ત્યારે.. શું ફરક પડે છે? કે…
સુખ કેટલું મળ્યું? દુ:ખ કેટકેટલું વેઠ્યું?…
એક ક્ષણે.. સુખ હતું તો દુ:ખ ઊભું હતું પાછળ જ.. તો..
બીજી જ ક્ષણે… દુ:ખ હતું સાથસાથ.. સુખ તો પાછળ જ ઊભું હતું…
નકરા સુખની રેલમછેલમાં જીવી શક્યા ન હોત તો…
નકરા જ દુ:ખોમાં ટકી પણ શક્યો ન હોત…
બસ.. ‘મન’માં દુ:ખને સુખમાં ફેરવ્યું તે…
સુખને બાટતો ગયો તું… લોકોનાં દુ:ખો સામે ઉડતો રહ્યો તું…
ચહેરા પર તારી એજ મુશ્કાન.. જીવનમાં..
રોતે હુએ આયે થે.. હસતે હુએ ચલે જા રહે હૈ હમ…
લોકો કહી રહ્યા છે… ગણગણી રહ્યા છે…
અભી ના જાઓ છોડકર.. કે દિલ અભી ભરા નહીં
કેવું છે… જીવનનું અંતિમ રહસ્ય…..
– હર્ષદ દડિયા (શ્રીહર્ષ)
————
ગ્રાન્ટ રોડની દુ:ખદ ઘટના
સમાજ કો બદલ ડાલો. કાન ભંભેરણી અને ગીબત કોઈની જુઠી વાત કરવી આ આપણા ભારતીય સમાજની કમજોરી અને લાઈલાજ બીમારી છે. ચેતનભાઈએ રોષમાં આવીને આ કૃત્યને અંજામ આપીને આપણા સંકુચિત સમાજને ઉઘાડો પાડી દીધો. કોઈને બદનામ કરવા શું એમાં બાહુદરી છે? દરેક જગ્યાએ ટોળકી કામ કરતી હોય છે જેમકે ઘરમાં, સોસાયટીમાં, ચાલીમાં, બિલ્ડિંગમાં, મંદિરમાં, મસ્જિદમાં, ચર્ચમાં, રાજકારણમાં અંડરવર્લ્ડમાં અને બીજા દરેક શૂદ્ર ક્ષેત્રમાં પછી સામે વાળો ગમે તેટલો સાચો હોય તેનું એક માણસનું ચાલવા જ ન દે તેમ કોઈ જગ્યાએ વિરોધ કરે, ખોટા ખરાબ કામ માટે અવાજ ઉઠાવે. ટોળકી તેનો બહિષ્કાર કરી નાખે અને તમારૂં સત્યનું મનોબળ તોડી નાખે કારણ કે ટોળાને માથા હોય છે ભેજું નથી હોતું. લોકોને જૂઠી વાતો બહુ જલદી વિશ્ર્વાસ આવી જાય છે અને પછી તર્કવિતર્ક અભિપ્રાયની વણજાર ચાલુ થઈ જાય છે. લોકોના મન એટલા નબળા અને સંકુચિત છે કે પોતાના ઉપર ઓછો, બીજા પર વધારે અને અફવાઓ પર વધારે ભરોસો કરી લે છે. લગભગ નકારાત્મક સોચ ધરાવતો આપણો સમાજ કોઈની પર અંગુલીનિર્દેશ કરવું, સજા આપવી એ આપણો નબળો સ્વભાવ ડર છતો કરે છે. ગ્રાન્ટ રોડની કમનસીબ ઘટના આપણા નકારાત્મક ભારતીય સમાજને આભારી છે. હું એ મુંબઈ સમાચારને લખું કે પ્રજામત વગરનું છાપું મોળું શાક અને ફિક્કી ચા જેવું લાગે છે. મારી નોંધ લેવા બદલ અને પ્રજામત ચાલુ કરવા બદલ બોહળો ગુજરાતી વાચક વર્ગ આપનો આભારી છે. આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે. ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે. સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે.
હાજી યુસુફ કરાંચીવાલા, કાંદિવલી (વે.).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -