જાગો ભાઈ જાગો
દિલ્હીના દેશભક્ત, સીએ ડિગ્રી ધરાવતા મા. શ્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં શિક્ષણ વિકાસ હેઠળ પાંચ લાખની સ્કોલશીપ જાહેરાત કરી હતી.
૮૯ વિદ્યાર્થીઓ અરજી કરી. બે વિદ્યાર્થીઓને ૨૦૧૫માં ૧૦ લાખની લોન પાસ કરી હતી પણ આ બાબતની જાહેરાત માટે આર.ટી.આઈ. હેઠળ અરજીમાં જાણવા મળ્યું કે ૧૯ કરોડ ૪૭ લાખ ખર્ચ કર્યો હતો. પર્યાવરણ સુધારવા માટે ૬૦ લાખનું કેમિકલ વપરાશની જાહેરાત કરી પણ જાહેરાત માટે ૨૪ કરોડ ખર્ચ કર્યો હતો.
કબુતરને ચણ માટે બોલાવી પકડી લેવામાં હોંશિયાર દેશને કેટલું નુકસાન કરશે?
મહેશ વેદાંત, વાપી
—–
વિશ્ર્વ ગુજરાતી ગૌરવ દિવસ નિમિત્તે
કવિ શ્રી નર્મદની જન્મ જયંતી દિવસ નિમિત્તે વિશ્ર્વ ગુજરાતી દિવસની ઉજવણી સાર્થક છે. માતૃભાષામાં બાળક ‘મા’ શબ્દ બોલે છે અને પરીવારને પરિસરમાં જે ભાષા બોલાતી હોય તે ભાષામાં વિચારો આવે છે.જેટલો વિચારોનો વિસ્તાર ને અભિવ્યક્તિ સચોટ તેટલા સંબંધોને કાર્યો સહજ સરળ બને. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં ઘણું વૈવિધ્ય છે જે દેશની મોટી મૂડી છે ને તે સંસ્કૃતિ ને પરંપરાના વાહક છે. સાહિત્યનો ખજાનો અણમોલ છે. હું આજે જે પણ છું તે ગુજરાતી માતૃભાષામાં લીધેલા શિક્ષણને આભારી છે. મારી સાથેના બધા એજ કારકિર્દી બનાવા દેશમાં નામ ને દામ કમાયા છે. એક વખત હતો કે અમારા સહશિક્ષકો પોતાના બાળકો સાથે અંગ્રેજીમાં વાતો કરતા હતા, આજે બધા જે સહશિક્ષકો પોતાના માતૃભાષામાં તેજ લઢણ સાથે બાળકો સાથે વાત કરે છે. આજે ગુજરાતી બાળકો સાથે ધર્મના શિક્ષણનીબાબતમાં પણ અંગ્રેજી આવી ગયું છે અને માબાપો પણ નાના બાળકો સાથે ભાંગ્યું તૂટયું ગુજરાતી ને અંગ્રેજી બોલે છે જે અયોગ્ય જ છે. જેની માતૃભાષા ભૂલાય છે તેની સંસ્કૃતિનો પણ નાશ થાય છે. માતૃભાષામાં વિચારોનું ન હોવું તે બુદ્ધિ પર વિપરીત અસર થાય છે.
પ્રો.બિંદુ મહેતા
ઘાટકોપર (વેસ્ટ)
—–
આવી પ્રવૃત્તિઓ અન્ય મંદિરોમાં પણ થવી ઘટે
ઘણા જૈન મંદિરોમાં દિવાળીના તહેવારના દિવસો દરમિયાન મીઠાઈ અને ફરસાણ બનાવીને વેચવામાં આવે છે અને તે બજારભાવ કરતા ખૂબ જ સસ્તા અને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના હોય છે. ત્યાર પછી શિયાળામાં પણ શિયાળુ પાક જેવા કે અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક વગેરે પણ બનાવીને વેચવામાં આવે છે અને તે પણ ખૂબ જ સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાના હોય છે. એવું જાણવા મળ્યું છે કે આ બધી વસ્તુઓ જે તે દેરાસરના ટ્રસ્ટીગણની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. કેટલાક દેરાસરમાં તો આ પ્રવૃત્તિ બારે માસ ચાલતી હોય છે. ફકત જૈનો જ નહીં, જૈનોત્તર લોકો પણ તે ખરીદે છે.
ત્યારે મનમાં વિચાર આવે છે કે આપણા વૈષ્ણવ મંદિરો (હવેલી)વાળા કેમ આવી પ્રવૃત્તિ કરતા નથી. મારો આ વિચાર ફકત વૈષ્ણવ મંદિરો જ નહીં પણ અન્ય મંદિરો જેવા કે સ્વામિનારાયણ મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, મહાલક્ષ્મી માતાનું મંદિર, મુંબાદેવી મંદિર, બાબુલનાથ તેમજ અન્ય દેવ, દેવીઓના મોટા મંદિરોને પણ લાગુ પડે છે.
જો આ સૂચનનો અમલ કરવામાં આવે તો બજારમાં મીઠાઈ અને ફરસાણવાળાને ભાવ ઘટાડવાની ફરજ પડશે.
– ઋષભ મજમુદાર
બોરીવલી વેસ્ટ..
———
ખુરશી વિનાના દલિત સરપંચશ્રીઓ…
તામિળનાડુમાં આજે પણ સરપંચશ્રીઓને અશ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. આ ધક્કાદાયક સમાચાર તમિળનાડુ અશ્પૃશ્યતા નિવારણ આઘાડી (ટીએનયુઈએફ) દ્વારા કરવામાં આવેલ.
પંચાયત કચેરીઓમાં સરપંચશ્રીઓને ખુરશી પર બેસવા દેતા નથી. ટીએનયુઈએફ દ્વારા ૩૮૬ પંચાયતોનું સર્વેક્ષણ કરવામાં આવેલ જેમાં ૨૨ પંચાયતોમાં પ્રખર ધૃણાસ્પદ જાતિવાદ પ્રકાશમાં આવેલ છે. કથિત પંચાયતોમાં દલિત સરપંચશ્રીઓને બેસવા માટે ખુરશી પણ આપવામાં આવતી નથી એવું સ્પષ્ટ થયેલ છે. સંબંધિત સંસ્થાએ ૨૪ જિલ્લાઓનું ચકાસણી કાર્ય હાથ ધરેલ. થોડા વખત પહેલા કલ્લાકુરી જિલ્લાના એક ગામમાં દલિત મહિલા સરપંચને ધ્વજવંદન કરવા માટે ના પાડવામાં આવેલ અને કથિત સન્નારી સરપંચને બદલે હેડમાસ્તરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ.
આશા છે આઝાદીના અમૃત પર્વ વર્ષમાં આવી પ્રથા જાહેરમાં જડમૂળથી ઉખડી જાય.
સૌ. અનસૂયા બારોડ,
અંધેરી (પ.)

Google search engine